એમ્બ્રોઇડરીવાળાઓએ જોબચાર્જ 10 ટકા વધાર્યો

એમ્બ્રોઇડરીવાળાઓએ જોબચાર્જ 10 ટકા વધાર્યો
દોરા, જરી સહિતના કાચામાલમાં ભાવવધારા બાદ નિર્ણય  
અમારા પ્રતિનિધિ તરફથી  
સુરત, તા. 22 અૉક્ટો. 
કાચામાલમાં સતત ભાવવધારા બાદ મીલ માલિકોએ કાપડ પ્રોસેસીંગના જોબચાર્જમાં 20 ટકાનો વધારો ઝીંક્યો છે. આવતા મહિને એક માસ મીલો બંધ રાખવાની ચેતવણી આપી છે. બીજી તરફ એમ્બ્રોઇડરીનું જોબવર્ક કરનારાઓએ પણ કાચામાલના વધારાથી કંટાળીને 10 ટકાનો વધારો લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. પેમેન્ટ ધારો પણ 15 થી 30 દિવસનો નક્કી કરાયો છે.  
ટેકસટાઇલ એમ્બ્રોઇડરી જોબવર્ક એસોસીએશન સુરત દ્વારા દોરા અને જરી સહિતના કાચામાલના ભાવવધારા બાદ જોબચાર્જમાં 10 ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જે વધારો ચાલુ સપ્તાહથી લાગુ કરાયો છે. આ ઉપરાંત એમ્બ્રોઇડરી જોબવર્ક કરનારાઓનું પેમેન્ટ સૌથી વધુ પેમેન્ટ વેપારીઓ પાસે ફસાયેલું છે. જેને લઇને સંગઠન દ્વારા અનેક વખત કાર્યવાહી કરવા છતાં પેમેન્ટ છૂટુ થતું નથી. 
સંગઠને પેમેન્ટનો ધારો અમલમાં મૂક્યો છે. જે મુજબ એમ્બ્રોઇડરી જોબવર્કનું નવું પેમેન્ટ 15 થી 30 દિવસમાં ચૂકવવાનું રહેશે તેમ તેજસ સંગઠનના પ્રમુખ હિતેશ ભીકડિયાએ કહ્યું હતું.  
એમ્બ્રોઇડરી જોબવર્ક કરનારાઓના કોરાના બાદ રૂપિયા 100 કરોડથી વધુ વેપારીઓ પાસે ફસાયા છે. જેમાં 150થી વધુ લેભાગુ ફરાર વેપારીઓનો સમાવેશ થાય છે. 
આ વેપારીઓ પાસેથી નાણા મેળવવા માટે સંગઠન દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરી કડક કાર્યવાહી કરવાની માગ પણ અગાઉ કરાઇ હતી. જો કે, અત્યાર સુધી કોઇ એકશન લેવાયું નથી.  
એમ્બ્રોઇડરી જોબવર્ક કરનારાઓની ફરિયાદ છે કે, વેપારીઓ જોબવર્ક કરાવી લે છે પણ નાણા ચૂકવવામાં ગલ્લા-તલ્લા કરે છે. 
વેપારીઓ સતત બહારગામના પેમેન્ટ આવશે એટલે નાણા ચૂકવીશું તેવી વાતો કરે છે. પરંતુ સમયસર નાણા ચૂકવતા નથી. જેના કારણે પેમેન્ટ ધારો કડક અમલી બનાવવા સિવાય છૂટકો નથી. વિવીંગ અને એમ્બ્રોઇડરી ક્ષેત્રે સંકળાયેલાઓની વેપારીઓ નાણા ચાંઉ કરી જતા હોવાની અનેક ઘટના બની રહી છે.    

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer