મગફળીનો પાક 39.55 લાખ ટન થશે

મગફળીનો પાક 39.55 લાખ ટન થશે
આઇઓપીઇપીસીની વાર્ષિક બેઠકમાં મુકાયો અંદાજ : દેશમાં તલનો પાક 2.30 લાખ ટન આવશે 
અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 22 અૉક્ટો. 
ખરીફ પાકોના અંદાજોની સીઝન પણ આવકની સાથે શરૂ થઇ ચૂકી છે. ઇન્ડિયન ઓઇલસીડઝ એન્ડ પ્રોડ્યૂસ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની વાર્ષિક કોન્ફરન્સ ગુરૂવારે યોજાઇ હતી. એમાં ગુજરાતનો મગફળીનો પાક 39.55 લાખ ટન થશે તેવો અંદાજ મૂકવામાં આવ્યો હતો. જ્યારે દેશમાં કુલ પાક 82.03 લાખ ટન રહેશે તેવી ધારણા વ્યક્ત થઇ હતી. તલના પાકનો અંદાજ ગુજરાતમાં 0.21 લાખ ટન અને દેશમાં 2.30 લાખ ટનનો મૂકવામાં આવ્યો હતો. 
આઇઓપીઇપીસી દ્વારા સર્વેના અંતે રાજકોટમાં 7.20 લાખ ટનનો પાક મગફળીમાં આવશે તેવીજાહેરાત થઇ હતી. જૂનાગઢ જિલ્લામાં 3.46 લાખ ટન, દ્વારકામાં 4.05, અમરેલીમાં 3.83, જામનગરમાં 2.96,બનાસકાંઠામાં 3.45, ભાવનગરમાં 3.03, ગીર સોમનાથમાં 1.94 લાખ ટન અને અન્ય 9.64 લાખ ટનના ઉત્પાદનની ધારણા વ્યક્ત થઇ હતી. ગુજરાતમાં 19.10 લાખ હેક્ટરના વાવેતર વિસ્તાર સામે 2071 કિલોનો હેક્ટર દીઠ ઉતારો મળ્યો હોવાનો અંદાજ મૂકાયો હતો. 
ગુજરાત સિવાય મગફળીનું ઉત્પાદન રાજસ્થાનમાં 15.61 લાખ ટન, આંધ્રપ્રદેશમાં 4.75 લાખ ટન, કર્ણાટકમાં 5.83, મધ્યપ્રદેશમાં 5.98, મહારાષ્ટ્રમાં 2.15 અને ઉત્તરપ્રદેશમાં 1.07 લાખ ટનનો પાક અને અન્ય 7.09 લાખ ટન ગણીને કુલ રાષ્ટ્રીય સ્તરે 82.03 લાખ ટનનો પાક થવાની ધારણા હતી. 
તલનું ઉત્પાદન ગુજરાતમાં 0.21 લાખ ટન, મધ્યપ્રદેશમાં 0.52 લાખ ટન, રાજસ્થાનમાં 0.54, ઉત્તરપ્રદેશમાં 0.65 અને અન્ય રાજ્યોમાં 0.38 લાખ ટનની થશે તેવો અંદાજ બેઠકમાં મૂકાયો હતો. 
તલની નિકાસ દેશમાંથી 145 દેશોમાં કરવામાં આવે છે તેવી જાહેરાત બેઠકમાં થઇ હતી. 2020-21માં2.73 લાખ ટનની નિકાસ કરવામાં આવી હતી. આંકડાઓ પરથી નિકાસ ઉતરોતર ઘટતી જતી હોવાનું ફલિત થયુંહતુ. 2019-20માં 2.82 લાખ ટન, 2018-19માં 3.12 લાખ ટન, 2017-18માં 3.36 લાખ ટન, 2016-17માં 3.08 લાખ ટન અને 2015-16માં 3.28 લાખટનની નિકાસ કરવામાં આવી હતી.  
ભારતમાંથી નેચરલ તલની નિકાસ 2020-21માં 58,000 ટનની નિકાસ થઇ હતી. જે પાછલા પાંચ વર્ષમાં સૌથી નીચી રહી છે. 2017-18માં સૌથી વધારે 1.05 લાખ ટનની નિકાસ હતી. તલ તેલની નિકાસ 11,023 ટનની 2020-21માં થઇ હતી. જે 2015-16થી અત્યાર સુધીમાં સૌથી વધારે છે. ભારતમાં નેચરલ તલની આયાત 2020-21માં 1,00,173 ટનની કરવામાં આવી હતી. 2019-20ની 1.45 લાખ ટનની તુલનામાં ખાસ્સો વધારો થયો છે.

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer