રિલાયન્સનો નફો 43 ટકા વધીને રૂ.13,680 કરોડ

રિલાયન્સનો નફો 43 ટકા વધીને રૂ.13,680 કરોડ
સપ્ટેમ્બર '21 ત્રિમાસિક ગાળામાં
ક્રૂડ ઓઇલના વિવિધ ઉત્પાદનોની ઊંચી માગને કારણે કંપનીના નફામાં વધારો થયો 
એજન્સીસ                        
મુંબઈ, તા 22 અૉક્ટો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ જુલાઈ-સપ્ટેમ્બર '21 ત્રિમાસિક માટે રૂ. 13,680 કરોડનો એકત્રિત ચોખ્ખો નફો જાહેર કર્યો છે જે અગાઉના વર્ષના સમાન ત્રિમાસિકમાં રૂ. 9567 કરોડ સામે 43 ટકા વધુ છે.  રિટેલ અને ડિજિટલ બિઝનેસમાં કંપનીએ મોટો વધારો નોંધાવ્યો હતો. જૂન '21 ત્રિમાસિકમાં કંપનીની ચોખ્ખી આવક રૂ. 13,806 કરોડ હતી. 
ક્રૂડ ઓઇલના વિવિધ ઉત્પાદનોની ઊંચી માંગને કારણે કંપનીના નફામાં વધારો થયો છે.  ઓઇલથી લઈને ટેલિકોમ બિઝનેસ ધરાવતી આ કંપનીની કામગીરી દ્વારા થયેલી આવક 49 ટકા વધીને રૂ. 1.74 લાખ કરોડ થઇ છે. પાછલા વર્ષે સમાન ગાળામાં કંપનીની આવક રૂ. 1.16 લાખ કરોડ થઇ હતી.   કંપનીની એકત્રિત આવક, વ્યાજવેરા અને ઘસારા પૂર્વે રૂ. 26,020 કરોડ નોંધાઈ છે. ઓગસ્ટમાં જીઓ એ નવા 6.49 લાખ મોબાઈલ ગ્રાહકો ઉમેર્યા હતા.   
શુક્રવારે કંપનીનો શેર એનએસઈ પર રૂ. 2627 ના સ્તરે બંધ આવ્યો હતો.  જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં કંપનીએ રૂ. 1.67 લાખ કરોડની કોન્સો રીવેન્યૂ જાહેર કરી હતી જે અગાઉના ત્રિમાસિકમાં રૂ. 1,44,372 કરોડ હતી.  ગત 19 ઓક્ટોબરે શેર રૂ. 2750ના વિક્રમી સ્તરે પહોંચ્યા બાદ કંપનીની માર્કેટ કેપ રૂ. 18 લાખ કરોડને પાર કરી ગઈ હતી. કંપનીએ વિશેષ રૂપે સોલાર એનર્જી બિઝનેસમાં કેટલાક સોદા પાર પડ્યા બાદ આ વિક્રમી સ્તર હાંસલ કર્યું હતું. કંપનીનો શેર જુલાઈથી અત્યાર સુધીમાં 24 ટકા જેટલો વધતા માર્કેટ કેપ રૂ. 18.3 લાખ કરોડ થઇ હતી.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer