વૈશ્વિક પરિબળોના સહારે સૂચકાંકોમાં તેજી
સેન્સેક્ષ 173 પોઈન્ટ્સ વધ્યો, નિફ્ટી 8,250ની ઉપર બંધ રહ્યો

વ્યાપાર ટીમ

મુંબઈ, તા.10 જાન્યુ.

યુરોપિયન બજારમાં સકારાત્મક વલણને પગલે બેંચમાર્ક ઈન્ડેક્સ આજે ઊંચા મથાળે બંધ રહ્યાં હતાં. જોકે, આ સપ્તાહમાં મહત્ત્વના કોર્પોરેટ પરિણામ જાહેર થવાના હોવાથી રોકાણકારો સાવચેત રહ્યાં હતાં. 

બેંચમાર્ક એસ એન્ડ પી બીએસઈ સેન્સેક્ષ 173 પોઈન્ટ્સ વધીને 26,899 પોઈન્ટ્સ અને નિફ્ટી ફિફ્ટી 53 પોઈન્ટ્સ વધીને 8288 પોઈન્ટ્સ ઉપર બંધ રહ્યો હતો. 

બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ અને સ્મોલ કેપ હેડલાઈન ઈન્ડેક્સની સરખામણીએ વધ્યાં હતાં. મિડકેપ 0.8 ટકા અને સ્મોલકેપ 0.7 ટકા વધ્યો હતો. 

માર્કેટ બ્રિધ મજબૂત રહી હતી. બીએસઈ ઉપર 1662 શૅર્સ વધ્યાં હતાં, 1151 શૅર્સ ઘટયાં હતાં અને 129 શૅર્સના ભાવ યથાવત રહ્યાં હતાં. 

રેલિગેર સિક્યુરિટીસના રિટેલ ડિસ્ટ્રીબ્યુશનના અધ્યક્ષ જયંત માંગલિકે કહ્યું કે, ``કોર્પોરેટ પરિણામો જાહેર થવા પૂર્વે રોકાણકારો અત્યારે સકારાત્મક તેમ છતાં સાવચેત વલણ અપનાવી રહ્યાં છે. 

આખો મહિનો આ સ્થિતિ રહે એવી ધારણા છે. આ સાથે જ શૅર્સની કામગીરી સારી છે અને ટ્રેડર્સે તેના ઉપર ધ્યાન આપીને ટ્રેન્ડ સાથે રહેવું જોઈએ.''

સેક્ટર્સ અને સ્ટોક્સ

બીએસઈ ઉપર રિયલ્ટી ઈન્ડેક્સ સિવાયના તમામ વધીને બંધ રહ્યાં હતાં. બીએસઈ ઈન્ડસ્ટ્રીયલ 1.5 ટકાની વૃદ્ધિ સાથે ટોચનો વધનાર ઈન્ડેક્સ બન્યો હતો. બીએસઈ મેટલ 1.3 ટકા વધ્યો હતો. હિન્દાલ્કો 4.2 ટકા, નાલ્કો 4 ટકા અને તાતા સ્ટીલ 2.2 ટકા વધ્યો હતો અને ઈન્ડેક્સને વધવા માટે ઈંધણ પૂરું પાડયું હતું.

એમઆરએફમાં 4.4 ટકા,  તાતા મોટર્સ 3.2 ટકા અને ભારત ફોર્જ 3 ટકા વધ્યો હતો તેને કારણે બીએસઈ અૉટો ઈન્ડેક્સ 1.3 ટકા વધ્યો હતો.

જેગુઆર લેન્ડ રોવરના વેચાણમાં 20 ટકાનો ઉછાળો નોંધાવાને કારણે તાતા મોટર્સ 3.2 ટકા વધીને $ 516 બોલાયો હતો. 11 નવેમ્બર પછીની આ સૌથી ઊંચી ટોચ છે. 

યુનાઈટેડ સ્ટેટસની ન્યૂ યોર્ક લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીએ મેક્સ વેન્ચર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (મેક્સ વીઆઈએલ)માં 22.51 ટકા હિસ્સો $ 121 કરોડમાં ખરીદવાની જાહેરાતને પગલે મેક્સ વીઆઈએલનો શૅર ઈન્ટ્રા-ડેમાં 18 ટકા વધીને $79.15 બોલાયો હતો. કામકાજના અંતે શૅર 10 ટકા વધીને $ 73 ઉપર બંધ રહ્યો હતો. 

સકારી અૉઈલ માર્કેટિંગ કંપની એચપીસીએલએ વિઝાગ રિફાઈનરી મોર્ડનાઈઝેશન પ્રોજેક્ટ (વીઆરએમપી) શરૂ કરવા માટે એન્જિનિયર્સ ઇન્ડિયાને $ 2500 કરોડનો પ્રોજેક્ટ આપ્યો હોવાનું જાહેર થતાં ઈઆઈએલનો શૅર 2.8 ટકા વધીને $ 157 થયો હતો. 

ખાંડ કંપનીઓના શૅર્સમાં લેવાલી નીકળવાને પગલે આઠ ખાંડ કંપનીઓ બાવન સપ્તાહની ટોચે પહોંચી હતી. બલરામપુર ચીની મિલ્સ, ડીસીએમ શ્રીરામ ઈન્ડસ્ટ્રીઝ, ધામપુર સુગર મિલ્સ, દ્વારિકેશ સુગર, ઈઆઈડી પેરી, ઇન્ડિયન સનક્રોસ, કેએમ સુગર મિલ્સ અને ત્રિવેણી એન્જિનિયરિંગ ઍન્ડ ઈન્ડસ્ટ્રીઝએ ઈન્ટ્રા-ડેમાં બાવન સપ્તાહની ટોચને આંબી હતી.

વૈશ્વિક બજારો

બ્રિટનનો એફટીએસઈ 100 મંગળવારે વિક્રમ ઊંચાઈએ પહોંચ્યો હતો, જ્યારે યુરોપનો ટોચનો બેંચમાર્ક ઈન્ડેક્સ વધારો જાળવી શક્યો નહોતો.

પૅન-યુરોપિયન સ્ટોક્સ 600 ઈન્ડેક્સ 0.3 ટકા ઘટયો હતો, જ્યારે એફટીએસઈ 100 7,261.16 ઉપર પહોંચ્યો હતો. ફ્રાન્સનો સીએસી 40 0.3 ટકા અને જર્મનીનો ડેક્સ 0.3 ટકા વધ્યો હતો. 

એશિયન બજારોમાં એમએસસીઆઈ 0.5 ટકા વધ્યો હતો, જ્યારે જાપાનનો નિક્કી 0.8 ટકા ઘટયો હતો.