હેન્ડિક્રાફ્ટ નિકાસકારોની સમસ્યા ઉકેલવા ટેક્સ્ટાઇલ અને પર્યાવરણ મંત્રાલયની બેઠક મળશે
નવી દિલ્હી, તા. 10 જાન્યુ.

ભારતના હેન્ડિક્રાફ્ટ નિકાસકારોની સમસ્યાઓના લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના ઉકેલ માટે  ટેક્સ્ટાઇલ મંત્રાલય અને પર્યાવરણ મંત્રાલયની બેઠક મળશે.

કેન્દ્રીય  ટેક્સ્ટાઇલ પ્રધાન સ્મૃતી ઇરાનીએ જણાવ્યું હતું કે ભારતીય હેન્ડીક્રાફ્ટ નિકાસકારોની સમસ્યા ઉકેલવા આ બેઠક બોલાવાશે.

લાકડા ઉદ્યોગ અને વુડક્રાફ્ટ ક્ષેત્રને પર્યાવરણ મંત્રાલયની મદદની જરૂરત હોવાનો નિર્દેશ કરતાં સ્મૃતી ઇરાનીએ જણાવ્યું હતું કે પર્યાવરણ મંત્રાલયમાંના મારા મિત્ર અનિલ માધવ દવેને આ પડકારોની સુપેરે જાણ છે. આથી બન્ને મંત્રાલયોની બેઠક ટૂંકમાં જ લેવાશે.

એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ફોર હેન્ડિક્રાફ્ટસ (ઈપીસીએચ) દ્વારા યોજાયેલા નિકાસ પારિતોષિક વિતરણ સમારોહને સંબોધતાં સ્મૃતી ઇરાનીએ આમ જણાવ્યું હતું.

હેન્ડીક્રાફ્ટની નિકાસની ઉત્કૃષ્ઠ કામગીરી માટે 134 નિકાસકારોને એવૉર્ડ આપવામાં આવ્યા હતા. આમાં 2013-14ના 66 એવૉર્ડ અને 2014-15ના 68 એવૉર્ડ હતા.

ઇરાનીએ નિકાસકાર સમાજને અનુરોધ કર્યો હતો કે તે કારીગરોના બાળકોની શિક્ષણની જવાબદારી ઉપાડે. તેમનું શિક્ષણ ઉદ્યોગની ભાગીદારી દ્વારા સંપૂર્ણપણે પ્રાયોજિત હોવું જોઈએ.

ઈપીએચસીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાકેશ કુમારે જણાવ્યું હતું કે સામાજિક કલ્યાણ કાર્યક્રમના પ્રથમ તબક્કામાં 10,000 બાળકોનાં શિક્ષણનો અમારો લક્ષ્યાંક છે.

ઇરાનીએ ઇપીસીએચને અનુરોધ કરતાં જણાવ્યું હતું કે નવી શોધ અને પૅકેજિંગમાં પ્રવૃત્ત સાહસિકો તેમજ અપંગ સાહસિકો માટે એવૉર્ડ આપવાનું શરૂ કરવું જોઈએ. આ ઉપરાંત ટ્રાઇબલ હેન્ડિક્રાફ્ટ માટે બેસ્ટ એવૉર્ડ આપવો જોઈએ.