નોટબંધીના કારણે વાહનોનું વેચાણ ઘટીને 16 વર્ષની નીચી સપાટીએ
ટુ-વ્હિલરનાં વેચાણમાં 22.04 ટકાનો ઘટાડો

પીટીઆઈ      નવી દિલ્હી, તા. 10 જાન્યુ.

ભારતમાં વાહનોનું વેચાણ ડિસેમ્બરમાં તળિયે જઈ બેઠું હતું. જે 16 વર્ષની સૌથી નીચી સપાટીએ રહ્યું હતું. નોટબંધીએ અૉટોમોબાઇલ ઉદ્યોગને જબ્બર ફટકો માર્યો છે અને વાહનોનાં કુલ વેચાણમાં 18.66 ટકાનો ઘટાડો નોંધાયો છે.

સોસાયટી અૉફ ઇન્ડિયન અૉટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સના જણાવ્યા પ્રમાણે નવેમ્બરમાં જાહેર થયેલી નોટબંધીના કારણે ગ્રાહકોની મનોવૃત્તિ નકારાત્મક થઈ ગઈ છે. આથી સ્કૂટર મોટરસાઈકલ, કાર વગેરે પેસેન્જર વાહનોનું વેચાણ ડિસેમ્બરમાં ઘટયું છે.

ડિસેમ્બર 2016માં વાહનોનું વેચાણ 18.66 ટકા ઘટી 12, 21, 929 યુનિટ રહ્યું છે જે ડિસેમ્બર 2015માં 15,02,314 યુનિટ હતું.

ડિસેમ્બર 2000 પછી વાહનોની તમામ શ્રેણીમાં આ સૌથી મોટો ઘટાડો જોવાયો છે.

અપવાદ રૂપે લાઇટ કમર્શિયલ વાહનો (એલસીવી)નું વેચાણ 1.15 ટકા વધી 31178 યુનિટોનું થયું છે.

વાહનોનાં વેચાણમાં થયેલો આ ઘટાડો જોકે કામચલાઉ માનવામાં આવે છે. આમ છતાં બજેટ કેવું આવશે તેના પર મોટો મદાર છે. વપરાશકારોની મનોવૃત્તિ સુધરે એવા જો પગલાં બજેટમાં આવે અને લોકોના હાથમાં ખર્ચવા યોગ્ય આવક વધે તો જ વાહનોનું વેચાણ વધી શકે તેમ છે.

ડોમેસ્ટિક કાર વેચાણ 8.14 ટકા ઘટી 1,58,617 યુનિટ રહ્યું છે જે ડિસેમ્બર 2015માં 1,72,671 યુનિટ હતું.

પેસેન્જર વ્હીકલનું વેચાણ 1.36 ટકા ઘટી ડિસેમ્બર 2016માં 2,27,824 યુનિટ રહ્યું છે. આ પૂર્વે 7.52 ટકાનો ઘટાડો અૉક્ટોબર 2014માં જોવાયો હતો.

ટુ-વ્હીલરનું વેચાણ ડિસેમ્બરમાં સૌથી વધુ ઘટયું છે. તે 22.04 ટકા ઘટી 9,10,235 યુનિટ રહ્યું છે.

સ્કૂટર જે શહેરલક્ષી હોય છે તેનાં વેચાણમાં છેલ્લાં 15 વર્ષમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. સ્કૂટરનું વેચાણ 26.38 ઘટી 2,84,384 યુનિટોનું રહ્યું છે. આ પૂર્વે માર્ચ 2001માં સ્કૂટરનું વેચાણ 27.05 ટકા ઘટયું હતું.

મોટરસાઈકલનું વેચાણ પણ 8 વર્ષમાં સૌથી વધુ ઘટયું છે તે 22.5 ટકા ઘટી 5,61,690 યુનિટ રહ્યું છે. ડિસેમ્બર 2008માં મોટરસાઈકલનાં વેચાણમાં 23.07 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

ટુ-વ્હીલરનું અડધું વેચાણ ગ્રામીણ વિસ્તારોમાં થાય છે જ્યાં નોટબંધી બાદ સૌથી ખરાબ સ્થિતિ છે.

કમર્શિયલ વાહનોનું વેચાણ 5.06 ટકા ઘટયું છે.