તુવેરદાળના ભાવ બે વર્ષની નીચી સપાટીએ : બમ્પર પાકથી દેશી દાળના ભાવ રૂા.68 પ્રતિ કિલો
રિટેલમાં પણ ભાવ ઘટવાની ધારણા

મણિલાલ ગાલા

નવી મુંબઈ, તા. 10 જાન્યુ. 

તુવેરદાળે ગયા વર્ષે લોકોને રડાવ્યા બાદ આ વર્ષે તેના બમ્પર પાકે વપરાશકારોને ખાસ કરીને આમઆદમી અને મધ્યમવર્ગને  મોટી રાહત આપી છે અને ભાવ જે ગયા વર્ષે જથ્થાબંધમાં રૂા. 200 પ્રતિ કિલો આંબી ગયા હતા તે હાલ છેક તળિયે આવીને નીચામાં રૂા. 68ની સપાટીએ આવી ગયા છે. આ સપ્તાહમાં ભાવમાં રૂા. 800થી 900નો ઘટાડો થયો હતો. 

આમ નવી સિઝનમાં બે વર્ષ પહેલાં રૂા. 72ની ભાવસપાટી હતી તેનાથી પણ બજાર નીચે આવી ગઈ છે અને દેશની જનતાને મોટો હાશકારો થયો છે. હવે રિટેલમાં પણ જનતાને વાજબી ભાવે તુવેરદાળ મળશે એવો આશાવાદ ઊભો થયો છે.

હાલ કર્ણાટક અને મહારાષ્ટ્રમાં નવી તુવેરની બમ્પર આવક થઈ રહી છે. વધુમાં આયાતી તુવેરદાળનાં ભાવ પણ ઘટીને હાલ પ્રતિ કિલો જથ્થાબંધમાં 55થી 60 રૂપિયે કિલો રહ્યા છે.

તુવેરના ભાવમાં વધુ રૂા. 500 ઘટીને ગુલબર્ગાની દેશી તુવેરના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂા. 4600થી 4800 તેમ જ જાલના અને લાતુરના તુવેરના ભાવ પણ એ સપાટીએ આવી ગયા છે.

સરકારે બફર સ્ટૉક ઊભો કરવા ઘટેલી બજારે તુવેરની ખરીદી કરવી જોઈએ. જેથી કરીને આવતા વર્ષે જો ઓછો પાક થાય તો પણ લોકોને તેના ઊંચા દામ ચૂકવવા ન પડે.

આયાતી બર્માના તુવેરના ભાવ રૂા. 4200થી 4400 અને આયાતી તુવેરના ભાવ રૂા. 5500થી 6000ના મથાળે રહ્યા હતા.

તુવેરદાળ લાતુરના ભાવ ઘટીને રૂા. 7000થી 7200, મહારાષ્ટ્ર કોરીના રૂા. 6800થી 7000, જાલના પાણી કલરના રૂા. 7400થી 7600, ગુજરાત પાણી કલરના 8000થી 8200, ગુજરાત કોરીના રૂા. 7200થી 7400 અને બ્રાન્ડેડ તુવેરદાળમાં ચિત્રલેખાના રૂા. 8000 તેમ જ એપીએમબોયના રૂા. 7500ના મથાળે રહ્યા હતા.

તુવેરદાળની સાથે મગ અને મગદાળના ભાવ તો આ પહેલાં જ તળિયે આવી ગયા છે. મગના જથ્થાબંધ ભાવ પ્રતિ કિલો 45 અને મગદાળના ભાવ રૂા. 5900 જેટલા નીચા આવી ગયા છે.

આમ ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે દાળ-કઠોળના ભાવમાં મોટો ઘટાડો નાંધાયો છે અને એ આમઆદમી માટે મોટી રાહત છે.