બૅન્કિંગ ક્ષેત્રનો નફો ડિસે. ત્રિમાસિકમાં ઓછો થશે

વિમુદ્રીકરણની અસર 

મુંબઈ, તા. 10 જાન્યુ.

ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં બૅન્કો વિમુદ્રીકરણના પગલે આવી રહેલી ડિપોઝિટ્સ મેળવવામાં વ્યસ્ત હતી ત્યારે લોનની માગમાં થયેલા ઘટાડાની નકારાત્મક અસર બૅન્કોની નફાક્ષમતા ઉપર થવાની ધારણા છે. આને કારણે ડૂબેલા લેણા અને જોગવાઈમાં ખોટની બેવડી સમસ્યા ઊભી થવાનો ભય છે, જેને કારણે થોડા સમય માટે નફાનો ગાળો ઘટવાની આશંકા એનલિસ્ટ્સને છે.

જોકે, થોડો લાભ પણ થશે. બોન્ડના ભાવમાં આવેલી તેજીને કારણે બૅન્કોનો ટ્રેઝરી નફો વધે એવી ધારણા છે. કેટલાક કિસ્સામાં વધારાની પ્રવાહિતાને કારણે રકમ ભરપાઈ થવા કરતાં પણ વધુ હશે. 

કેટલાક એનલિસ્ટ્સનું માનવું છે કે નફાનો ગાળો સંકોચાયો હોવાથી નફો વાર્ષિક ધોરણે ઘટશે. ડિસેમ્બર ત્રિમાસિકમાં ડિપોઝિટ પ્રાપ્તિ ખર્ચ ઊંચો રહ્યો હતો.

એલકેપી સિક્યુરિટીસના રિસર્ચ વડા એસ. રંગનાથને કહ્યું કે, ``આ ત્રિમાસિક ગાળો ઘણો અટપટો રહ્યો હતો, તેથી ચોક્કસ આગાહી મુશ્કેલ છે. સારી વાત એ છે કે બોન્ડનું વળતર ઘટયું છે તેથી તેની અસરથી બૅન્કોની અન્ય આવક વધશે.''

એનલિસ્ટ્સનું માનવું છે કે વ્યાજની ચોખ્ખી આવક (એનઆઈઆઈ) ઉપર અસર થશે કારણકે વિમુદ્રીકરણને લીધે ધિરાણની માગ વધી નહોતી. બીજી બાજુ, લાંબા સમયથી નહીં ભરાયેલી લોનની વસૂલી થઈ હોવાથી તેની એનપીએ સમસ્યા થોડી હળવી થશે એવું કેટલાકનું માનવું છે. 

સેંટ્રમ બ્રોકિંગના ઈન્સ્ટિટયૂશનલ સેલ્સના સિનિયર વીપી પૂર્વેશ શેલાતકરે કહ્યું કે, ``ઘણા લોન લેનારાઓ જેમના લોનના હપ્તા ચડી ગયા હતા તેમણે પણ લોન ચૂકવી છે. આની કેટલી અસર થશે તેની ગણતરી હજી થઈ નથી. ડિસેમ્બર ઉપરાંત માર્ચ ત્રિમાસિકમાં ધિરાણની માગ ધીમી રહેશે. ત્યાર બાદ બૅન્કો માટે સારા દિવસો આવશે.''

સરકારી બૅન્કોમાં સ્ટેટ બૅન્ક ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં એમસીએલઆરમાં 0.9 ટકાનો ઘટાડો કર્યો છે તેને લો-કોસ્ટ કરન્ટ અને સેવિંગ એકાઉન્ટમાં સારી ડિપોઝિટ્સ મળી હોવા છતાં વ્યાજની ચોખ્ખી આવકમાં ઘટાડો જોવા મળશે. 

પંજાબ નેશનલ બૅન્કની એનઆઈઆઈમાં પણ ઘટાડો જોવાશે. જૂની લોનની વસૂલીમાં આશ્ચર્યજનક વૃદ્ધિ જોવા મળશે. બૅન્ક ઓફ બરોડાની બેલેન્સશીટમાં સંગઠન પ્રક્રિયા ચાલુ રહેશે, એવી ધારણા છે. 

ખાનગી ક્ષેત્રની બૅન્કોમાં એચડીએફસી બૅન્કને આવકમાં 20 ટકા વૃદ્ધિ થવાની ધારણા એનલિસ્ટ્સને છે. મોતીલાલ ઓસવાલે કહ્યું છે કે, ``ટૂંકા ગાળામાં ફીની આવક વૃદ્ધિ લોનની વૃદ્ધિને પાછળ રાખશે. જોકે, ટ્રેડિંગનો નફો ભરપાઈ થશે. બૅન્કનો એનપીએ રેશિયો એક ટકો રહેવાની સાથે અસ્કયામતની ગુણવત્તા સ્થિર રહેવાની ધારણા છે. આઈસીઆઈસીઆઈ બૅન્કની લોન વૃદ્ધિ મધ્યમથી પાંચ ટકાના સ્તરે રહેવાની ધારણા છે. બૅન્કની વોચ-લિસ્ટમાં લોન ડૂબવાનું પ્રમાણ વધવાથી અસ્કયામતની ગુણવત્તા દબાણ હેઠળ રહેશે. કોર્પોરેટ ફી ઓછી મળવાથી ફીની આવક વૃદ્ધિ પણ મર્યાદિત રહેશે. 

એક્સિસ બૅન્કની ડૂબેલી લોન વધશે એવી આગાહી કરાઈ હતી, તેને કારણે અસ્કયામતની ગુણવત્તા ઉપર અસર થશે. ટ્રેડિંગના મજબૂત નફાને કારણે જોગવાઈ ઉપર આંશિક ભરપાઈની અસર થશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer