આઈએનએક્સ એક્સ્ચેન્જથી ભારતની અર્થવ્યવસ્થા મજબૂત બનશે : વડા પ્રધાન

આઈએનએક્સ એક્સ્ચેન્જથી ભારતની અર્થવ્યવસ્થા મજબૂત બનશે : વડા પ્રધાન
ખ્યાતિ જોષી

વાઈબ્રન્ટ ગુજરાત સમિટની પૂર્વસંધ્યાએ વડા પ્રધાન મોદીએ દેશનાં પ્રથમ એવાં ઇન્ડિયા ઈન્ટરનેશનલ એક્સચેન્જનું (આઈએનએક્સ) ગઈકાલે  ગાંધીનગરમાં લોકાર્પણ કરતાં કહ્યું હતું કે, આ આંતરરાષ્ટ્રીય એક્સચેન્જના કારણે દેશની અર્થવ્યસ્થા મજબૂત થશે અને દુનિયાની મોટી કંપનીઓને ભારતમાં રોકાણ કરવાનો મોકો મળશે. 

આ એક્સચેન્જ 21મી સદીમાં ભારત માટે એક માઈસસ્ટોન પુરવાર થશે. આ એક્સચેન્જનું ઉદ્ઘાટન કરીને મને ખુશાલી વ્યક્ત થઈ છે.

મોદીએ આ એક્સચેન્જ વિશે બોલતાં કહ્યું હતું કે `મને કહેવામાં આવ્યું છે કે આ એક્સચેન્જ દિવસના બાવીસ કલાક કામ કરશે. પૂર્વમાં જપાનમાં એક્સચેન્જ શરૂ થશે ત્યારે તેનું કામકાજ શરૂ થશે અને પશ્ચિમમાં અમેરિકામાં માર્કેટ બંધ થશે ત્યારે તેનું કામ પૂરું થશે. 

આ એક્સચેન્જ સર્વિસની ક્વોલીટી અને સોદા કરવાને સ્પીડમાં નવા સ્ટાન્ડર્ડ ઉભાં કરશે. મારું વિઝન છે કે ગિફટ સિટી વિવિધ ફાઈનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં પ્રાઈઝ સેટર સાબિત થશે.'

વડા પ્રધાને પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે, જ્યારે જ્યારે વિદેશનો પ્રવાસ કરું છું ત્યારે અનેક બુધ્ધીજીવીઓને મળવાનું થાય છે. તેમાં પણ ખાસ કરીને ભારતીય મૂળનાં બુધ્ધીજીવીઓ જ્યારે વિદેશમાં રહીને ઉત્તમ સેવા આપે છે ત્યારે અહિં શા માટે એ જ પ્રકારની સુવિધા આપણે લાવી ના શકીએ? આપણાં દેશમાં પણ લંડન, શાંધાઈ, સીંગાપોર કે અન્ય કોઈ આંતરરાષ્ટ્રીય કક્ષાનાં એક્સચેન્જ જેવી જ સુવિધા પુરી પાડવામાં ગિફ્ટ સિટીનું ઈન્ડિયા આઈએનએક્સ સફળ રહેશે. 

બીએસઈના ચીફ એક્ઝિક્યુટીવ અૉફિસર (સીઈઓ) આશિષકુમાર ચૌહાણે કહ્યું હતું કે ચીન માટે જેમ હૉંગકૉંગ છે એમ ભારત માટે ગિફટ સિટી બનશે. અમે આ ઇન્ટરનેશનલ એક્સચેન્જ આઈએનએક્સ માટે આગામી ત્રણ વર્ષમાં 500 કરોડ રૂપિયાનું રોકાણ કરવાના છીએ. આગામી 10થી 15 વર્ષમાં આ એક્સચેન્જ થકી એકથી ત્રણ ટ્રિલિયન ડૉલરનું રોકાણ ભારતમાં આવશે.

આઈએનએક્સ ભારતનું ફાસ્ટેસ્ટ એક્સચેન્જ બની રહેશે. આ એક્સચેન્જ આધુનિક ટેક્નૉલૉજીથી સજ્જ છે. જેમાં સોદા ચાર માઈક્રો સેકન્ડમાં પૂરા થઈ જશે. 16મી જાન્યુઆરીથી ઇક્વિટી ડેરિવેટિવ્ઝમાં સોદા શરૂ થશે. આગામી સમયમાં કૉમોડીટી ફ્યુચર્સ, કરન્સી ફ્યુચર્સ અને ઇન્ટરેસ્ટ-રેટ ફ્યુચર્સ શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ ડિપોઝિટરી રિસિપ્ટ્સ અને બોન્ડનું કામકાજ પણ હાથ ધરાશે. 

વિશ્વમાં ક્યાંય પણ વસતા બિન રહીશ ભારતીયો તેમાં સોદા કરી શકશે. ભારતમાં માળખાકીય સુવિધા અને વિકાસ માટે નવું ભંડોળ ઊભું કરવા આ એક્સચેન્જ ગેટવે તરીકે કામ કરશે.

બે વર્ષ પૂર્વે બોમ્બે સ્ટોક એક્સચેન્જ દ્વારા ઈન્ડિયા આઈએનએક્સનાં નિર્માણની શરૂઆત કરવામાં આવી હતી. માત્ર ટૂંકા ગાળામાં દેશને વાસ્તવમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું એક્સચેન્જ આપવાનું શક્ય છે. વડા પ્રધાન મોદીએ એક્સચેન્જની શરૂઆત બેલ વગાડીને કરી હતી. ગિફ્ટ સિટીનાં સીઈઓ સુધીર માંકડે વડા પ્રધાન મોદીને ગિફ્ટ સિટીની ચાવીની પ્રતિકૃતિ આપી હતી.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer