ડોનાલ્ડ ટ્રમ્પની પત્રકાર પરિષદ પૂર્વે સોનાચાંદીમાં સાવચેતી

મુંબઈ, તા. 10 જાન્યુ. 

નબળો કરન્સી બાસ્કેટનો ડૉલર ઇન્ડેક્સ અને જૂન 2016ના બ્રેક્ઝિટ જનમત પછી, બ્રિટન યુરોપિયન યુનિયનમાંથી ધારવામાં આવતું હતું તેવી રીતે સાવ વિખૂટું નહિ પડે, એવા ડર સાથે આજે એશિયન બજારના આરંભિક સત્રમાં સોનું એક મહિનાની ઊંચાઈએ 1187.75 ડૉલર બોલાયું હતું. પાછળથી નજીવા સુધારે 1184 ડૉલર અને ચાંદી 4 સેન્ટની મજબૂતીથી 16.59 ડૉલર રહી હતી. સ્થાનિક સોનું રૂા. 28,390થી વધીને રૂા. 28,550 ખુલ્યા બાદ નવા સોદાને અભાવે રૂા. 28,560 અને ચાંદી પણ એજ ધોરણે રૂા. 40,640 સામે રૂા. 40,910 બંધ થઇ હતી. ડૉલર સામે રૂપિયો 8 પૈસાની નબળાઈએ રૂા. 68.17 બોલાયો હતો. 

આવતીકાલે નવનિયુક્ત યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પત્રકાર પરિષદને સંબોધવાના છે, ત્યારે તેઓ ઈકોનોમી અને રાજકીય ભૌગોલિક બાબતે કેવા નિવેદન કરે છે, તેની રાહ જોવાનું અનુકુળ માની ડીલર્સ, આજે બજારથી વહેલા સાઈડલાઈન થઇ ગયા હતા. બ્રેક્ઝિટ બાબતે યુકેમાં ફેર વિચારણા થઇ રહ્યાના અહેવાલે આજે બ્રિટિશ પાઉન્ડમાં વેચવાલી નીકળી હતી. બ્રેક્ઝિટ પછી યુરોપિયન યુનિયન સાથે વેપારી સંબંધો સાવ તૂટી ન જાય તે માટે નવા કરારની આવશ્યકતા છે, એવા બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મેનાં નિવેદન પછી સોનામાં સલામત મૂડી રોકાણ લેવાલી નીકળી હતી. આ તરફ ચીનની પણ લ્યુનાર નવા વર્ષની ફિઝિકલ લેવાલી જોવાઈ હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer