કૉ અૉપરેટિવ બૅન્કોએ નોટબંધી હેઠળ મની લોન્ડરિંગની તક ઝડપી : આઇટી સર્વે
પીટીઆઇ             નવી દિલ્હી, તા.10 જાન્યુ.

 વિમુદ્રીકરણની તકનો ઉપયોગ કરી દેશની સંખ્યાબંધ કૉ અૉપરેટિવ બૅન્કોએ ઝડપી નાણાં બનાવ્યા છે અને કરોડો રૂપિયાનાં કાળાં નાણાંને ધોળા કરવામાં તે સંડોવાયેલી છે, એવી ગંભીર ચિંતા આવકવેરા ડિપાર્ટમેન્ટે વ્યક્ત કરી છે. 

આવકવેરા ડિપાર્ટમેન્ટે વિશ્લેષણ કરેલા અહેવાલમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીએ 8 નવેમ્બરે નોટબંધીની જાહેરાત કરી એ પછી આ બૅન્કો કાળાં નાણાં સર્જવામાં અને તેની હેરફેરમાં અભૂતપૂર્વ રીતે સંડોવાયેલી છે, એવું આવકવેરાના ગુપ્તચરોને જાણવા મળ્યું હતું. 

આ બૅન્કોએ મોટા પ્રમાણમાં કાળાં નાણાંનાં ધોળા કર્યા હતા અને કાળાં નાણાંનાં કામકાજમાં ગુનાહિત સંડોવણી દ્વારા ચાલાકીભરી અને ગેરકાયદે કાર્ય પદ્ધતિ અપનાવવામાં આવી હતી. આવી ગેરકાયદે પ્રવૃત્તિ સંતલસ દ્વારા અનેક પ્રકારે હાથ ધરવામાં આવી હતી, એવો દાવો અહેવાલમાં કરવામાં આવ્યો હતો.

આવકવેરા ડિપાર્ટમેન્ટની તપાસમાં જાણવા મળ્યું હતું કે રાજસ્થાનમાં અલ્વર ખાતે એક કૉ અૉપરેટિવ બૅન્કના ડિરેકટર્સે 90 વ્યક્તિઓના નામે લોન મેળવીને રૂપિયા આઠ કરોડની છેતરપિંડી કરી હતી. તેમણે આ વ્યક્તિઓના ખાતાઓનો ઉપયોગ કરીને તેમના બિનહિસાબી બે કરોડ રૂપિયાને ધોળા કરી નાખ્યા હતા.