ભારત નાણાકીય ક્ષેત્રે વિશ્વને શ્રેષ્ઠ સેવા પૂરી પાડવા માટે સક્ષમ છે

ભારત નાણાકીય ક્ષેત્રે વિશ્વને શ્રેષ્ઠ સેવા પૂરી પાડવા માટે સક્ષમ છે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જૂન 2013માં બીએસઈની મુલાકાત લીધી ત્યારે ગાંધીનગરના ગિફ્છટ સિટીમાં ઇન્ટરનેશનલ એક્સચેન્જ શરૂ કરવાનું આમંત્રણ આપ્યું. વાઇબ્રન્ટ ગુજરાત 2015 સમયે બીએસઈએ ગુજરાત સરકાર સાથે આ એક્સચેન્જ શરૂ કરવા એમઓયુ કર્યા. હવે તેનું ઉદ્ઘાટન ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે ત્યારે અમને અનેરાં સન્માનની લાગણી થઈ રહી છે.

આ એક્સચેન્જ શરૂ કરવા પાછળનો મુખ્ય હેતુ ભારતીય નાણાકીય નિપુણતા વિશ્વ સમક્ષ રાખવાનો અને મોટી સંખ્યામાં રોજગાર નિર્માણ કરી ભારતના વિકાસ માટે ભંડોળ ઊભું કરવાનો છે.

ટૅક્નોલૉજી, નિયમનો, વેરાપ્રણાલી વગેરે બાબતો ભવિષ્યના નાણાં સેવા કેન્દ્રો માટે કેન્દ્ર સ્થાને રહેશે. ગિફ્છટ સિટીના કારણે નાણાં સેવા ક્ષેત્રમાં ભારતનું ભાવિ ઉજ્જવળ છે એવું હું વિશ્વાસપૂર્વક કહી શકું.

આ એક્સચેન્જમાં આંતરરાષ્ટ્રીય રોકાણકારોને શ્રેષ્ઠ કક્ષાની ટૅક્નોલૉજી, માનવબળ અને નિયામક માળખું ઉપલબ્ધ થશે અને તે દ્વારા તેમને બહેતર વળતર મળશે એવી મને ખાતરી છે.

આ એક્સચેન્જ કરન્સીસ, કૉમોડિટી, વ્યાજ દરો અને શૅર ડેરિવેટિવ્ઝના કામકાજ પ્રથમ તબક્કામાં થશે અને તમામ કામકાજ દિવસોમાં 22 કલાક માટે ટ્રેડિંગ સુવિધા પૃરી પાડવામાં આવશે.

વડા પ્રધાને આ એક્સચેન્જનું ઉદ્ઘાટન કરીને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે નાણાં સેવા ક્ષેત્રે ભારત વિશ્વને સર્વશ્રેષ્ઠ સેવા પૂરી પાડવા તૈયાર છે. 

આવનાર એક દાયકામાં આ એક્સચેન્જથી 10 લાખ કરતાં વધારે વ્યક્તિઓને રોજગાર ઉપલબ્ધ થશે. તે સાથે આ એક્સચેન્જ સાથે કામ કરવા માટે કુશળ બૌદ્ધિકો આગળ આવશે જે વિશ્વ સ્તરે સ્પર્ધાનો સામનો કરી શકશે અને તેથી તેમને શ્રેષ્ઠ તક આ એક્સચેન્જ આપશે એવું હું માનું છું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer