સૂક્ષ્મ-લઘુ ઉદ્યોગોને રાહત આપવા સરકાર પરિવર્તનશીલ નીતિનો અમલ કરશે : વિજય રૂપાણી

નોટબંધીના કારણે સરકારની વિશ્વસનીયતા વધી

નિલય ઉપાધ્યાય

ગાંધીનગર, તા. 10 જાન્યુ.

આઠમા વાઇબ્રન્ટ ગુજરાત અધિવેશનમાં રાજ્ય સરકારના સંરક્ષણ અને એરોસ્પેસના ક્ષેત્રે રોકાણ આકર્ષવા માટેના પ્રયાસો છે, એમ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ એક ખાસ મુલાકાતમાં અહીં કહ્યું હતું.

અધિવેશનના થોડા કલાકો પહેલા આ અખબારને મુલાકાત આપતા મુખ્ય પ્રધાને કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રની સરકારે આ ક્ષેત્રમાં વિદેશી રોકાણ (એફડીઆઈ)ની પરવાનગી આપી તે પછી ગુજરાતમાં રોકાણ આવવાની શક્યતા ઊજળી બની છે.

સરકાર ખેડૂતોને લાભ મળે એ દૃષ્ટિએ આઈટી અને બાયોટેકના ક્ષેત્રે પણ વધુ રોકાણ લાવવા પ્રયત્નશીલ છે.

ડિમોનેટાઇઝેશનનો ઓછાયો સમિટ ઉપર પડયો છે એવા એક પ્રશ્નના ઉત્તરમાં મુખ્ય પ્રધાને કહ્યું કે નોટબંધીની અસર સમિટ ઉપર પડી છે, પણ તે સારી છે. નોટબંધીના અમલથી ધંધાકીય વહેવારોમાં પારદર્શિતા વધશે અને હિસાબી નાણાંનું જ રોકાણ થશે, જે વિદેશી રોકાણકારોને આકર્ષવા માટેનું વધુ એક પરિબળ છે. 

સરકારના આ પગલાંથી વિદેશી રોકાણકારોમાં ભારતની વિશ્વસનીયતા વધી છે.

અન્ય એક પ્રશ્નના ઉત્તરમાં રૂપાણીએ બાંયધરી આપી કે સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોને મંદીની સ્થિતિમાં રાહત આપવા માટે સરકારે વીજળીની ડયૂટીમાં રાહત આપી છે અને જીઆઈડીસીમાં પણ ધંધો કરવા માટે અનુકૂળ સુવિધા આપવામાં આવી રહી છે, આમ છતાં સરકાર બદલાતી પરિસ્થિતિને અનુરૂપ તેની નીતિઓમાં પણ ફેરફાર કરતી રહેશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer