ભારત વિશ્વમાં છઠ્ઠા ક્રમનો સૌથી મોટો ઉત્પાદક દેશ બન્યો છે : નરેન્દ્ર મોદી
ભારત વિશ્વમાં છઠ્ઠા ક્રમનો સૌથી મોટો ઉત્પાદક દેશ બન્યો છે : નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ સમિટ - 2017નો દબદબાભેર પ્રારંભ

નિલય ઉપાધ્યાય

ગાંધીનગર, તા.10 જાન્યુ. 

 ભારત અત્યારે વિશ્વમાં છઠ્ઠા ક્રમનો ઉત્પાદક દેશ બન્યો છે તે જણાવતા મને ગર્વ થાય છે , એમ આજે અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.  ભારતના અર્થતંત્રના વિકાસની સફળ ગાથા વિશ્વના 12 જેટલા દેશ અને 100 કરતાં વધુ દેશથી આવેલા બિઝનેસમેન સમક્ષ મૂકીને તેમને ભારતમાં જંગી રોકાણ કરવા માટે આકર્ષવા માટેનો પાયો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ સમિટ 2017ના ઉદ્ઘાટન વેળા નાખ્યો હતો.

તેમણે ભારતના થઈ રહેલા આર્થિક સુધારાની પ્રક્રિયાથી વિદેશી રોકાણકારોને માહિતગાર કરીને આ પ્રક્રિયા સતત ચાલુ રહેશે એવો કોલ આપ્યો હતો. જીડીપીમાં વૃદ્ધિ, ફુગાવો, ચાલુ ખાતાની ખાધ, વેપાર ખાધ વગેરે ઘટાડવામાં સરકારની પ્રતિબદ્ધતા, જીએસટી, આઈટી એક્ટ, કમર્શિયલ કોડ વગેરે લાવીને સરકાર વેરામાં સરળીકરણના માર્ગે ચાલી રહી છે તેની નોંધ સમગ્ર વિશ્વએ લીધી છે. ક્લિન ગવર્નન્સએ ભારત સરકારનું વિઝન અને મિશન છે, એમ વડા પ્રધાને જણાવ્યું હતું.

પાછલાં અઢી વર્ષમાં સરકારે સુચારુ વહીવટનું ઉદાહરણ આપ્યું છે. તે સાથે નવી ટેક્નૉલૉજી લાવીને વિશ્વ સમક્ષ ભારતને ડિજિટલ અર્થતંત્ર તરીકે મૂકવાની કામગીરી સરકારે કરી છે.

વિશ્વ સમુદાયે ભારતના અર્થતંત્રની પ્રગતિની ખાસ નોંધ લીધી છે, એ કારણે ભારતને વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં 32મો ક્રમ, ગ્લોબલ ઇકોનોમિક ઇનોવેશન ઇન્ડેક્સમાં 16મો ક્રમ, વર્લ્ડ બૅન્ક લૉજિસ્ટિક ઇન્ડેક્સમાં 19મો ક્રમ પ્રાપ્ત થયો હોવાની માહિતી તેમણે આપી હતી. એફડીઆઈમાં અઢી વર્ષમાં 130 અબજ ડૉલરનું રોકાણ ભારતમાં આવ્યું છે અને મેઇક ઇન ઇન્ડિયાએ ગ્લોબલ બ્રાન્ડ બની હોવાનું તેમણે જણાવ્યું હતું.

ઉત્પાદન ક્ષેત્રમાં ભારતનો વિકાસ નવ ટકાના દરે વર્ષ 16-'17માં થયો છે. રિન્યુએબલ ઊર્જા ઉત્પાદન ક્ષેત્રે 175 ગીગાવોટ્સની માગણી છે તેમાં રોકાણ કરવાનું આમંત્રણ વડા પ્રધાને આપ્યું હતું.

ગાંધી અને પટેલની ભૂમિ ગુજરાત, બિઝનેસ ભૂમિ પણ છે, એમ ગુજરાત વાઇબ્રન્ટ સમિટને સંબોધતા તેમણે જણાવ્યું હતું. 

આ સમિટની શરૂઆતથી જ જપાન અને કેનેડા સહભાગી થતા રહ્યા છે અને તે બદલ હું તેમનો આભાર માનું છું, એમ મોદીએ જણાવ્યું હતું. 

અહીં ઉપસ્થિત તમામનો હું આભાર માનું છુ કેમ કે તેમના વિના આ સમિટ અશક્ય બની રહેત, એમ કહી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે પ્રત્યેક વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહી છે. 

તેમણે જણાવ્યું હતું કે આ સમિટમાં 100થી વધુ કંપનીઓઁએ તેમના પ્રોડક્ટસ મૂક્યાં છે અને સેવાઓની અૉફર કરી છે. 2003માં શરૂ કરવામાં આવેલી આ સમિટ દર બે વર્ષે યોજવામાં આવે છે.