નિફ્ટી સતત બીજા સત્રમાં વિક્રમી ટોચે બંધ

નફારૂપી વેચવાલીને કારણે સૂચકાંકો મામૂલી વધ્યા 

વ્યાપાર ટીમ

મુંબઈ, તા. 17 માર્ચ

સપ્તાહ દરમિયાન તેજીની રેલીને પગલે રોકાણકારોએ નફારૂપી વેચવાલી કરતાં નિફ્ટી ફિફ્ટી વિક્રમી ટોચે પહોંચ્યા પછી મુખ્ય સૂચકાંકો મામૂલી વધારા સાથે બંધ રહ્યા હતા. 

નિફ્ટી ફિફ્ટી ઈન્ડેક્સ દિવસ દરમિયાન 65 પોઈન્ટ્સ વધીને નવી 9218 પોઈન્ટની ટોચે પહોંચ્યા પછી નફારૂપી વેચવાલીને પગલે કામકાજના અંતે છ પોઈન્ટ્સ વધીને 9160ના નવા સ્તરે બંધ રહ્યો હતો. 30 શૅર સેન્સેક્ષ 63 પોઈન્ટ્સ વધીને 29,649 ઉપર બંધ રહ્યો હતો. 

બીએસઈ મિડકૅપ 0.14 ટકા ઘટીને અને સ્મોલ કૅપ 0.04 ટકા વધીને બંધ રહ્યો હતો. 

નિફ્ટી આ સપ્તાહમાં 2.5 ટકા અને સેન્સેક્ષ 2.85 ટકા વધ્યો હતો. 

જિઓજિત ફાઈનાન્સિયલ સર્વિસીસના રિસર્ચ વડા વિનોદ નાયરે કહ્યું કે, ``રાજ્ય વિધાનસભામાં ભાજપનો વિજય અને ફેડરલ રિઝર્વના ધારણા મુજબના વ્યાજદર વધારાએ સ્થાનિક બજારમાં ઉત્સાહનો સંચાર કર્યો હતો. નિફ્ટી તેના 9000ના સ્તરને પાર કરીને તમામ મનોવૈજ્ઞાનિક સ્તરને સર કરી ગયો છે. ઊંચા મૂલ્યાંકન છતાં એફઆઈઆઈ અને ડીઆઈઆઈની લેવાલીને કારણે બજારનો અંડર કરન્ટ સક્ષમ છે. વિદેશી નાણા પ્રવાહને કારણે રૂપિયો પણ 16 મહિનાની ટોચે પહોંચ્યો છે. ક્રૂડતેલના ભાવમાં ઘટાડો અને જીએસટી કાઉન્સિલની બેઠકના સકારાત્મક વલણને કારણે તેજીની રેલીને વધુ વેગ મળ્યો હતો.''

ગઈકાલે જીએસટી કાઉન્સિલની બેઠકમાં પાંચ ડ્રાફ્ટ ખરડા પસાર થવાથી ઈન્ડેક્સ સર્વોચ્ચ-ટોચને સ્પર્શ્યો હતો. 

સેક્ટર્સ અને સ્ટોક્સ

બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ 2.4 ટકા વધ્યો હતો. જીએસટી કાઉન્સિલે ટોબેકો અને સિગારેટ ઉપરની સેસ 290 ટકાની મર્યાદિત કરતાં આઈટીસી ઈન્ટ્રા ડેમાં સાત ટકા વધ્યો હતો. અન્ય સિગારેટ શેર્સ - ગોડફ્રે ફિલિપ્સ, વીએસટી ઈન્ડસ્ટ્રીઝ અને ગોલ્ડન ટોબેકો પણ બીએસઈ ઉપર વધ્યા હતા.

કેપિટલ ગુડ્સ, ઓટો, બેંકેક્સ, ટેલિકોમ ઈન્ડેક્સ બપોરના સત્રમાં ઘટયામથાળે ટ્રેડ થઈ રહ્યા હતા. ભારતી એરટેલ, એસબીઆઈ, એલ એન્ડ ટી અને તાતા મોટર્સ આજે બીએસઈ સેન્સેક્ષ ઉપર ઘટયા હતા.

ટેલિકોમ ઈન્ડેક્સ સૌથી વધુ 2.7 ટકા ઘટયો હતો. ભારતી એરટેલને કારણે ઈન્ડેક્સમાં ઘટાડો નોંધાયો હતો. કંપનીના શૅરધારકોએ $ 10,000 કરોડ દેવામાં એકત્ર કરવાની મંજૂરી આપી હોવાની જાહેરાત કરતાં શૅર ચાર ટકા ઘટીને બંધ રહ્યો હતો.

વૈશ્વિક બજારો

એશિયન સ્ટોકસ આજે વધ્યા હતા. યુરોપિયન બજારો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહી હતી. ડીએએક્સ 0.28 ટકા અને ફ્રાન્સનો સીએસી 40 0.11 ટકા તથા લંડનનો એફટીએસઈ 100 - 0.07 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. 

જપાનનો નિક્કી 0.4 ટકા ઘટયો હતો. 

હોંગકોંગનો હેંગ સેંગ ઓગસ્ટ 2015 પછીના સર્વોચ્ચ સ્તરને સ્પર્શ્યો હતો. જોકે, દિવસ દરમિયાન મામૂલી વધ્યો હતો. 

આ સપ્તાહના અંતે જર્મનીમાં ગ્રુપ ઓફ 20 ફાઈનાન્સના અગ્રણીઓની બેઠક ઉપર પણ બજારની નજર છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer