ટેક્સ્ટાઇલ પ્રધાન સ્મૃતિ ઇરાની એક એપ્રિલે સુરતની મુલાકાતે
સુરત કપડાઉદ્યોગ માટે નવી જાહેરાતની સંભાવના

અમારા પ્રતિનિધિ તરફથી

સુરત તા. 17 માર્ચ

          દક્ષિણ ગુજરાતનો કપડાઉદ્યોગ કેન્દ્ર પાસે રાહતની  આશા રાખીને બેઠો છે. આ વખતે રાહતનો વરસાદ થવાની સંભાવના વધુ છે. આગામી 1 એપ્રિલે ટેકસ્ટાઈલ પ્રધાન સ્મૃતિ ઈરાની કેન્દ્રીય વત્ર મંત્રાલયની પૂરી ટીમ સાથે સુરતની મુલાકાત લેશે.એ દરમિયાન કોઇ મોટી જાહેરાત થાય એવો આશાવાદ વધ્યો છે. અહિંનાં ઉદ્યોગકારો નવી સુધારિત `ટફ' યોજના અંતર્ગત સુરતને વધુને વધુ ફાયદો મળે તે માટેની રજૂઆત કરશે.

કેન્દ્રીય પ્રધાન સુરત આવીને સુરતનાં કપડાઉદ્યોગકારોનાં પ્રશ્નો સાંભળશે અને વિવિધ યુનિટોની મુલાકાત લે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીનાં પ્રમુખ બી. એસ. અગ્રવાલના જણાવ્યા મુજબ સ્મૃતિ ઈરાની સવારે 11 કલાકે સુરત આવશે અને સાંજે પાંચ કલાક સુધી રોકાણ કરશે. આ દરમિયાન પાવરલુમ સેક્ટરનાં સંગઠનો સાથે બેઠક યોજાશે. જેમાં ચેમ્બર દ્વારા પણ સેન્ટર ફોર એક્સેલન્સ બનાવવા માટે એક પ્રેઝેન્ટેશન રજૂ કરાશે. 

ટેકનોલોજી અપગ્રેડેશન ફંડની નવી એમેન્ડેડ યોજના હેઠળ 24 અને 48 લુમ્સનાં યુનિટોને પણ સબસિડીનો લાભ મળે તેની રજૂઆત કરાશે. આ ઉપરાંત સુરતની યાર્ન બેન્કોની સહાય રૂા. 1 કરોડથી વધારીને રૂા. 5 કરોડ કરવાની માગ સુરતનાં વિવિધ એસોસીએશનો કરશે. વિવર્સ એસોસીએશને રૂા. 5 કરોડની સહાય સામે બેન્ક ગેરેન્ટી આપવાની તૈયારી દાખવી છે. 

નોંધવું કે કેન્દ્રીય બજેટમાં પણ કપડાઉદ્યોગ માટે કોઈ નક્કર જાહેરાત કરવામાં આવી ન હતી. આથી આગામી 1લીએ યોજાનાર બેઠકમાં અહિંના ઉદ્યોગકારોને નવી રાહતની આશા છે. છેલ્લાં કેટલાંક વખતથી મંદીનો માર સહન કરી રહેલાં કપડાઉદ્યોગની કેન્દ્ર પાસે ચોક્કસ સબસિડીની માગ છે.