સુતરાઉ ગ્રે કાપડમાં તેજીનો પાકો રંગ

ઊંચા ભાવ અને માર્ચ એન્ડિંગનાં કારણે ઘરાકીમાં રુકાવટ

મિલો અને પાવરલૂમ વીવર્સો પાસે એક મહિનાના ફુલ અૉર્ડર

હોળી બાદ મુંબઈ કાપડ બજારમાં ઘરાકી નીકળવાની આશા ફળી નથી, પણ ચૂંટણીના પરિણામો બાદ મનોવૃત્તિ સુધરી આવી છે. રૂ અને સુતરની તાતી તેજી પછવાડે ગ્રે સુતરાઉ કાપડના ભાવો જે વધ્યા છે તે નીચે ઊતરવાનું નામ લેતા નથી. ઊંચા ભાવે ઘરાકીમાં રુકાવટ છે, પણ મિલો અને પાવર વીવર્સો પાસે એકથી દોઢ મહિનાનું સેલ હાથ પર હોવાથી કોઈ ઓછે વેચવાલ નથી. વળી અત્યારે વસંતઋતુ, ગરમીની સિઝન, લગ્નસરા વચ્ચે ભરસિઝન ચાલે છે. આથી માર્ચ એન્ડિંગની નાણાભીડ થકી અત્યારે ભલે ઘરાકી નથી, પણ એપ્રિલથી ઘરાકી નીકળવાની ધારણા છે.

દક્ષિણની સ્પિનિંગ મિલો દર મહિનાની તા. 1થી તા. 5 વચ્ચે યાર્નના નવા ભાવો જાહેર કરતી હોય છે જે મહિનાભર એ જ રહે છે. આથી તા. 5 એપ્રિલ બાદ કોસ્ટિંગનું ચિત્ર સ્પષ્ટ થઈ શકશે.

સાઉથના પાવરલૂમોની હડતાળ ચાલુ છે અને છેલ્લા છ દિવસથી સાઉથની સ્પિનિંગ મિલો પણ અમુક હડતાળ પર ગઈ છે.

સુતરના ભાવો છેલ્લા દોઢ બે મહિનામાં 30થી 35 ટકા જેટલા વધ્યા છે. આની સામે ગ્રે સુતરાઉ કાપડના ભાવો 10થી 15 ટકા વધ્યા છે, જ્યારે પ્રોસેસ્ડ કાપડના ભાવો 4થી 5 ટકા જ વધ્યા છે. રેડીમેડ ગાર્મેન્ટ્સના ભાવો હજી ખાસ વધી શક્યા નથી.

ભાવો વધવાથી એક ફાયદો એ થયો છે કે વેપારીઓના ગોડાઉનોમાં જે જૂનો સ્ટોક પડયો હતો તે જૂના ભાવે સારો એવો ખપી ગયો છે. આથી પાઇપલાઇન ખાલી થઈ ગઈ છે.

કાપડના ભાવો વધવાથી પાવરલૂમ કેન્દ્રોના બધા લૂમો ધમધમતા થઈ ગયા છે. લૂમોવાળાના હાથમાં એકાદ મહિનાના અૉર્ડરો પણ છે.

ડી'માર્ટ રીટેલ ચેઇન બેડશીટ્સના માલો સીધા ઉત્પાદકો પાસેથી જંગી જથ્થામાં સસ્તા ભાવે ખરીદે છે અને 7 દિવસમાં જ આરટીજીએસથી પેમેન્ટ કરી દે છે. વળી ડી'માર્ટ બેડશીટ્સમાં પોતાનો નફો ઓછો રાખી રીટેલમાં સસ્તે વેચે છે. આની સામે મંગલદાસ માર્કેટ, કીચન ગાર્ડન લેન, ચંપાગલી, દુભાષ માર્કેટના વેપારીઓ જે અમદાવાદના ટ્રેડરો પાસેથી પ્રિન્ટેડ શીટીંગનું કાપડ 4 મહિનાની ઉધારીમાં ખરીદી, બેડશીટ્સ બનાવડાવી વેચે છે તેમના ભાવો 25થી 30 ટકા ઊંચા હોવાથી તેમનો ધંધો પડી ભાંગ્યો છે.

ગ્રે કોટન કાપડમાં તેજી

સુતરાઉ કેમ્બ્રિક 60/60 92/88 49'' ટેબલ ચેકિંગ ગ્રેના ભાવ વધી રૂા. 38થી 39 અને સેમીના રૂા. 36 છે. 40/60 72/72 સારા માલના ગ્રેના ભાવ રૂા. 34.50થી 35 અને 8500-8900 ગ્રામ વજનની ગ્રેની ક્વૉલિટીના રૂા. 32.50થી 33 છે. 40/60 68/68 પાકી કેમ્બ્રિક ગ્રેના ભાવ રૂા. 28.25થી 29 અને 62/62ના રૂા. 25.50 છે.

સુતરાઉ મલમલ 80/100 68/64 49'' ગ્રે રૂા. 25.50 છે. 70/90 52/54 ગ્રે રૂા. 21.50થી 22.25 છે. 60/60 58/50 ગ્રે રૂા. 18.25 છે.

પાવરલૂમ શીટીંગ 20/20 56/60 50'' 200 ગ્રામ ગ્રે રૂા. 36 છે. આમાં 170 ગ્રામ 50'' ગ્રે રૂા. 32 છે. 200 ગ્રામ 59'' ગ્રે રૂા. 36 અને 250 ગ્રામ 63'' ગ્રે રૂા. 47 છે.

પાવરલૂમ  સુતરાઉ પોપલીન 40/40 92/88 50'' ગ્રે રૂા. 34, 100/92 ગ્રે રૂા. 40, 124/64 ગ્રે રૂા. 39 અને 132/72 ગ્રે રૂા. 47 છે.

પાવરલૂમ શૂ ડક 10/6 36'' ગ્રે રૂા. 41, 60'' ગ્રે રૂા. 65 અને 72'' ગ્રે રૂા. 78 છે.

એરજેટ લૂમના 60/60 165/104 સાટીન 63'' ગ્રેના ભાવ રૂા. 80 છે. એરજેટ લૂમના 40/40 124/72 63''ના રૂા. 60માં સોદા પડી ગયા છે અને હવે મિલો રૂા. 61થી 62 ક્વોટ કરે છે.

પાવરલૂમ 50 પીસી#50 પીસી 8500 80/76 ગ્રેના ભાવ રૂા. 23.50થી 25 છે.

પાવરલૂમ 45 પીવી#45 પીવી 80/76 10500 ગ્રેના ભાવ રૂા. 24.50થી 25 છે.

ભીવંડીના ગ્રે કાપડમાં અત્યારે અમદાવાદ અને સુરતની લેવાલી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer