કપાસની 100 દિવસમાં તૈયાર થઇ જતી નવી જાત વિકસાવાઈ
વિદર્ભ અને તેલંગણાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ નીવડશે  

નાગપુર તા. 17 માર્ચ

અત્રેની સેન્ટ્રલ ઇન્સ્ટિટયૂટ ફોર કોટન રિસર્ચના એક વિજ્ઞાનીએ કપાસની વિશ્વમાં સૌથી ઓછા સમયમાં તૈયાર થઇ જાય એવી નવી જાત વિકસાવી છે. માત્ર 100-120 દિવસમાં તૈયાર થઇ જતી કપાસની આ જાત વિદર્ભ અને તેલંગણા જેવા સૂકા પ્રદેશોના ખેડૂતો માટે આશીર્વાદ સાબિત થઇ શકે તેમ છે. તે બીટી અને બિન-બીટી બન્ને સ્વરૂપમાં મળી શકશે.  

`મારી પચીસ વર્ષની કારકિર્દીમાં આ સૌથી મહત્ત્વની ઘટના છે. બે વર્ષમાં ફિલ્ડ ટ્રાયલ પૂરી થઇ જાય પછી જયારે આ બિયારણ ખેડૂતો માટે ઉપલબ્ધ કરાશે ત્યારે ભારત સૌથી મોટો તૈયાર થતો કપાસ ઉગાડનાર દેશમાંથી સૌથી ઝડપી કપાસ ઉગાડનાર દેશ બની ગયો હશે' એમ સીઆઈસીઆરના ડિરેક્ટર કેશવ ક્રાંતિએ જણાવ્યું હતું.  

નવી જાતનું મહત્ત્વ સમજાવતાં તેમણે કહ્યું હતું કે સૂકા પ્રદેશોમાં કપાસનો પાક નિષ્ફ્ળ જવાનું સૌથી મોટું કારણ છે તેને તૈયાર થતાં લાગતો લાંબો સમય. ઓસ્ટ્રેલિયા અને ચીનમાં કપાસનો પાક 150 દિવસમાં તૈયાર થઇ જાય છે, જયારે ભારતમાં તેને 170-240 દિવસ લાગે છે. અર્થાત્ આ સમયગાળો ચોમાસા બાદ પણ લંબાય છે. પરિણામે ફૂલ બેસવાના કે ફળવાના મહત્ત્વના સમયે તેને પાણી મળતું નથી અને પાણીના અભાવે તે પોષક દ્રવ્યો ગ્રહણ કરી શકતો નથી. નવી વિક્સાવાયેલી જાત ચોમાસાના સમયગાળામાં બંધબેસતી થઇ જાય છે. તેથી તેને ખરે વખતે પાણી મળી શકશે, એમ તેમણે ઉમેર્યું હતું. 

ટૂંકા ગાળામાં તૈયાર થયેલા કપાસની ગુણવત્તા સારી હોય છે એ વધારાનો લાભ છે. નવી જાત રોગ અને જીવાણુઓનો અસરકારક પ્રતિકાર કરી શકે છે. તેના એક છોડ પર 20 જીંડવા બેસે છે, જયારે હાઇબ્રિડ જાતોના છોડ પર 60-70 જીંડવા બેસે છે. પરંતુ તેને ગીચોગીચ વાવવામાં આવે તો સામાન્ય કરતાં છ ગણા છોડ વાવી શકાય છે, એમ નવી જાત વિકસાવનાર વિજ્ઞાની સંતોષ એચબીએ કહ્યું હતું. ચાર વર્ષના સંશોધન બાદ આ શોધમાં મને સફળતા મળી હતી એમ તેમણે કહ્યું હતું.