દાર્જિલિંગ ચાના કપમાં તોફાન ઘોળાઈ રહ્યું છે

ટી બોર્ડે દાર્જિલિંગના બગીચાઓને અન્ય કરતાં ઊતરતા ગણાવતા સર્જાયેલો વિવાદ

કોલકાતા, તા. 17 માર્ચ

ટી બોર્ડ અૉફ ઇન્ડિયાએ તાજેતરમાં હાથ ધરેલી બગીચાઓનાં વર્ગીકરણની પ્રક્રિયા આકરી ટીકાનું નિશાન બની છે. 

સૌ પ્રથમવાર હાથ ધરાયેલી ગ્રેડિંગ પદ્ધતિમાં પૂર્વ ભારતના દાર્જિલિંગના ચાના બગીચાઓને અન્ય કરતાં નીચો દરજ્જો અપાયો છે. દાર્જિલિંગની ચા તેની સોડમ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. જિયોગ્રોફિકલ ઇન્ડિકેશન રજિસ્ટ્રીએ તેને વિશિષ્ટ પેદાશ માટેનો `જીઆઈ' દરજ્જો આપ્યો છે.

દેશભરના 1413 બગીચાઓનું ગ્રેડિંગ કરનાર ટી બોર્ડે દાર્જિલિંગના કોઈ પણ બગીચાને એ+ દરજ્જો ફાળવ્યો નથી. તેના 87 બગીચાઓને એ દરજ્જો અને 35 બગીચાઓને બી+ દરજ્જો અપાયો છે, જ્યારે અન્ય 39 બગીચાઓને `બી' શ્રેણીમાં મુકાયા છે. ઉપરાંત 17 બગીચાઓને `સી' શ્રેણી, એકને `ડી' તેમ જ બે બગીચાઓને `એસ' શ્રેણીનો દરજ્જો અપાયો છે.

દાર્જિલિંગમાં ફેર વાવણી કરાઈ નહીં હોવાથી ત્યાંના એકપણ બગીચાને એ+ શ્રેણી મળી શકી નહીં હોવાનું ટી બોર્ડના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું. જોકે, ઉદ્યોગે આ બાબતને નકારી કાઢી છે.

દાર્જિલિંગ ઇમ્પેક્સના ડિરેકટર અને ખ્યાતનામ નામરિંગ ટી ગાર્ડનના માલિક પ્રતીક પોદ્દાર, જેમની ચા તાજેતરના લિલામમાં કિલોએ રૂા. 11,000ના ભાવે વેચાઈ હતી. તેમનું કહેવું છે કે હું માત્ર મારા બગીચા વિશે બોલી શકું.  નામરિંગના ચાના બગીચામાં 2009થી અત્યાર સુધીમાં અમે 450 હેકટરમાંથી 70 હેકટરમાં રિપ્લાટેન્શન કર્યું છે. આ વિસ્તારમાં ફેરવાવણી કરાઈ નથી એમ કોઈ કઈ રીતે કહી શકે?

બગીચાને દરજ્જો આપવા માટે વપરાયેલી પદ્ધતિ અને માપદંડો સામે દાર્જિલિંગ ટી ઍસોસિયેશન વાંધો ઉઠાવ્યો છે. ``માપદંડો તર્કબદ્ધ જણાતા નથી. તેથી અમે બોર્ડને તેમજ કેન્દ્રના વાણિજ્ય મંત્રાલયને આ બાબત લખી જણાવીશું, એમ ઍસોસિયેશનના પ્રમુખ એસ. એસ. બગરીયાએ કહ્યું હતું.

દાર્જિલિંગમાં 18155.23 હેકટરમાં પથરાયેલા ચાના બગીચામાં હેકટર દીઠ ઊપજ 400 કિ.ગ્રા. છે, જ્યારે આસામ અને અન્ય સ્થળોએ તે 2000 કિ.ગ્રા. આસપાસ છે.

વર્ગીકરણને લીધે પ્રત્યેક બગીચાની વિશિષ્ટતા અને નબળાઈ જાણી શકાશે અને નબળાઈ દૂર કરવા માટે યોગ્ય પગલાં લઈ શકાશે, એવી બોર્ડની દલીલ છે.

ઉદ્યોગનાં સૂત્રોએ જણાવ્યું હતું કે બગીચાઓને અપાયેલા નીચા દરજ્જાની દાર્જિલિંગ ચાની નિકાસ પર કે ભાવ પર કોઈ અસર નહીં પડે. નિકાસ બજારમાં રેઈનફોરેસ્ટ એલાયન્સ, ગુણવત્તાનાં આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્રો, સેન્દ્રિય ઉત્પાદન પદ્ધતિ અને બાળ મજૂરીનો નિષેધ જેવાં પાંસા ધ્યાનમાં લેવાય છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer