સરકારી એજન્સીઓ દ્વારા પહેલા જ દિવસે 6500 ટન ઘઉંની ખરીદી
મુંબઈ, તા. 17 માર્ચ

દેશના ત્રણ પ્રમુખ ઘઉં ઉત્પાદક રાજ્યોમાં ઘઉંની લણણી વહેલી શરૂ થવાથી સરકારી એજન્સીઓએ ઘઉંની ખરીદીની શરૂઆત કરી છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર 15 માર્ચે સરકારી એજન્સીઓએ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં ખરીદી શરૂ કરી છે, અને પહેલા દિવસે ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર કુલ મળીને 6570 ટન ઘઉંની ખરીદી કરી છે.

સરકારી એજન્સીઓએ સૌથી વધુ મધ્ય પ્રદેશમાં 6435 ટન ઘઉંની ખરીદી કરી જ્યારે ગુજરાતમાં 135 ટનની ખરીદી કરી હતી. રાજસ્થાનમાં આવક બહુ ઓછી હોવાથી પહેલા દિવસે ખરીદી થઈ શકી નહોતી. કેન્દ્ર સરકારે આ વર્ષે ઘઉં માટે પ્રતિ ક્વિન્ટલ રૂા. 1625નો ટેકાનો ભાવ નક્કી કર્યો છે અને આ જ ભાવે સરકારી એજન્સીઓ ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી કરી રહી છે.

દેશનાં અન્ય રાજ્યો જેમ કે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ઘઉંની ખરીદી પહેલી એપ્રિલથી શરૂ થશે.

રવિ માર્કેટિંગ સિઝન 2017-18 માટે સરકારે દેશભરમાંથી કુલ 330 લાખ ટન ઘઉંની ખરીદીનો ટાર્ગેટ રાખ્યો છે. ગત સિઝનમાં માત્ર 230 લાખ ટનની ખરીદી થઈ શકી હતી. આ વર્ષે દેશમાં ઘઉંનું 966 લાખ ટન ઉત્પાદન થવાનું અનુમાન છે. જે અત્યાર સુધીનું સૌથી અધિક ઉત્પાદન છે.