મુંબઈ ટેક્સ્ટાઈલ મર્ચન્ટસ મહાજનની ચૂંટણી ત્રણ દાયકા બાદ યોજાયાના પગલે વિવાદ
નવ નિર્વાચીત કમિટીના નવ સભ્યોએ રાજીનામાં આપી દીધાં

દેવચંદ છેડા

મુંબઈ, તા. 17 માર્ચ

148 વર્ષ જૂની મૂળજી જેઠા કલોથ માર્કેટના વેપારીઓનું 132 વર્ષ જૂનું સંગઠન - મુંબઈ ટેક્સ્ટાઈલ મર્ચન્ટસ મહાજનમાં ત્રણ દાયકા પછી ચૂંટણી યોજાઈ તેના પગલે વિવાદ શરૂ થયો છે.

મુંબઈ ટેક્સ્ટાઈલ મર્ચન્ટસ મહાજનના પ્રમુખપદે છેલ્લાં 32 વર્ષથી સુરેન્દ્ર તુલસીદાસ સવાઈ એકહથ્થુ શાસન ચલાવતા હતા. હવે તેઓ નિવૃત્ત થયા તે પછી પણ તેમને મહાજનના એમીરેટસ ચૅરમૅન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સવાઈ ફામના એમીરેટસ ચૅરમૅન પણ છે.

મહાજનના પ્રમુખપદે હવે મે. સુંદરલાલ શાંતિલાલના ધીરજ કોઠારી ચૂંટાઈ આવ્યા છે. તેઓ મહાવીર ઈન્ટરનેશનલના ભૂતપૂર્વ પ્રમુખ અને જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (જીતો)ના ખજાનચી પણ છે.

મહાજનના પ્રમુખ તરીકે આવેલા બધા અત્યાર સુધી ગુજરાતીઓ જ હતા. હવે પ્રથમવાર રાજસ્થાની જૈન વેપારી પ્રમુખ બન્યા છે.

મહાજનના ઉપપ્રમુખ તરીકે રાજેશ પટેલ ચૂંટાઈ આવ્યા છે. માનદ્મંત્રી તરીકે કનુભાઈ નરસાણા અને બિહારી શેહરી ચૂંટાયા છે. ખજાનચી તરીકે કાંતિલાલ બી. જૈન અને ભરત એસ. મલકાન ચૂંટાઈ આવ્યા છે.

મહાજનની 41 જણાની કારોબારી કમિટીમાં 35 જણા ચૂંટાયેલા છે. બાકીના છ સભ્યને કો-ઓપ્ટ કરવામાં આવે છે. આ 35 જણાની નવી કમિટી હમણાં જ ચૂંટાઈ આવી છે. નવા હોદ્દેદારોની બુધવારે સાંજે યોજાયેલી ચૂંટણીમાં ત્રણ ગ્રુપો વચ્ચે રસાકસી હતી. આમાં હારી જનારા ગ્રુપના 9 જણાએ રાજીનામાં આપી દેતાં આરંભે જ કટોકટી સર્જાઈ છે. હવે કમિટીની મિટિંગ મળશે તેમાં આ નવ સભ્યોનાં રાજીનામાં સ્વીકારાશે કે નહીં તે હવે જાણવા મળશે. તેમને મનાવી લેવાના પ્રયાસો ટૂંક સમયમાં શરૂ થશે.

એશિયાની સૌથી જૂનામાં જૂની મૂળજી જેઠા માર્કેટ મુંબઈના સી વૉર્ડમાં 4.5 એકરમાં પથરાયેલી છે અને તેમાં કાપડની એક હજાર દુકાનો છે. આ માર્કેટના રિડેવલપમેન્ટની હિલચાલ પણ ચાલે છે.