ઉત્તરાખંડના નવા મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવત

પીટીઆઈ

મુંબઈ, તા. 17 માર્ચ

ભારતીય જનતા પાર્ટીએ ઉત્તરાખંડના નવા મુખ્ય પ્રધાન તરીકે ત્રિવેન્દ્ર સિંહ રાવતની પસંદગી કરી છે. પક્ષની બેઠક બાદ આ નિર્ણય શુક્રવારે લેવાયો હતો. જોકે સૂત્રોના અનુસાર એક દિવસ પહેલાં જ આ નક્કી હતું. ત્રિવેન્દ્ર સિંહ રાવત શનિવારે બપોરે ત્રણ વાગ્યે તેમના પ્રધાનમંડળ સાથે હોદ્દાના શપથ લેશે. આ શપથવિધિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના વડા અમિત શાહ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. આરએસએસમાં નેતા રહી ચૂકેલા ત્રિવેન્દ્ર સિંહ રાવતની રાજ્યમાં અમિત શાહના વફાદાર નેતાઓમાં ગણના થાય છે. રાવતની નિમણૂક રાજ્યના પક્ષપ્રમુખ તરીકે કરવામાં આવી હતી. આ વર્ષે ભાજપના વિજયમાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તે 1983થી 2002 દરમિયાન આરએસએસમાં હતા. પહેલાં તેઓ ઉત્તરાખંડ પ્રદેશના અને ત્યારબાદ રાજ્યના આયોજન સચિવ હતા. પહેલાં તેઓ ડોઇવાલા વિધાનસભા બેઠક પરથી 2002માં ચૂંટણી જીત્યા હતા અને ત્રીજી વખત વિધાનસભામાં ચૂંટાયા તેમ જ 2007-2012 દરમિયાન રાજ્યના કૃષિપ્રધાન તરીકે ભૂમિકા ભજવી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer