અર્થતંત્રનો વિકાસદર 9.4 ટકા રહેશે

મહારાષ્ટ્રના આર્થિક સર્વે મુજબ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 17 માર્ચ

મહારાષ્ટ્રમાં કુલ ઉત્પાદન નાણાકીય વર્ષ 2016-17માં ગત વર્ષની તુલનામાં વિકાસદર 9.4 ટકા રહેશે એમ વિધાનસભામાં આજે રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે.

મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે નાણાપ્રધાન સુધીર મુનગંટ્ટીવારે અને વિધાનપરિષદમાં નાણાં રાજ્ય પ્રધાન દીપક કેસરકરે સર્વેક્ષણ રજૂ કર્યું હતું.

સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું હતું કે કૃષિ અને સંબંધિત પ્રવૃત્તિઓ 12.5 ટકાના દરે વધશે જ્યારે ઉદ્યોગો અને `સેવા' ક્ષેત્ર ગત વર્ષની સરખામણીમાં અનુક્રમે 6.7 ટકા અને 10.8 ટકા દરે વિકાસ સાધશે. વર્ષ 2016-17માં રાજ્યનું કુલ ઉત્પાદન 18,15,498 કરોડ હશે. રાજ્યમાં માથાદીઠ આવકમાં વધારો થયો છે. વર્ષ 2014-15માં 1,32,341 રૂપિયા હતી. જે 2015-16માં 11.4 ટકા વધીને 1,47,399 રૂપિયા ઉપર પહોંચી છે.

નોટબંધી છતાં મહેસૂલી આવકમાં ઘટાડો થયો નથી. ગત એપ્રિલથી ડિસેમ્બરના નવ માસમાં 1,40,864 કરોડ જેટલી મહેસૂલી આવક થઈ હતી. જે 11.4 ટકા જેટલો વધારો દર્શાવે છે. મહેસૂલી ખાધ 3,645 કરોડ અને વાર્ષિક ખાધ 35,031 કરોડ છે. મહારાષ્ટ્ર ઉપર 3,56,213 કરોડનું દેવું છે. મહેસૂલી ખાધ રાજ્યના કુલ ઉત્પાદનના દોઢ ટકા છે. તેથી તે મર્યાદામાં છે.

અૉગસ્ટ, 1991થી નવેમ્બર, 2016 સુધીમાં 19,437 ઔદ્યોગિક દરખાસ્ત મારફતે 11,37,783 કરોડ રૂપિયાની મૂડીરોકાણની દરખાસ્તોને મંજૂર કરવામાં આવી હતી. તેમાંથી 2,67,814 કરોડ રૂપિયાનું (23.7 ટકા) મૂડીરોકાણ ધરાવતા 8,664 પ્રોજેક્ટોને (44.6 ટકા) કાર્યરત કરવામાં આવ્યા હતા.

ગત 10મી ફેબ્રુઆરી સુધીમાં રાજ્યમાં પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ 1.76 કરોડ બૅન્ક એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. તેમાં 3,925 કરોડ રૂપિયા જમા કરાયા છે. મહારાષ્ટ્ર સરકારની મહત્ત્વાકાંક્ષી જળયુક્ત શિવાર યોજના માટે નાણાકીય વર્ષ 2015-16માં 6202 ગામોની પસંદગી કરવામાં આવી હતી. તેના કારણે 4374 ગામોમાં ભૂગર્ભનું જળસ્તર ઊંચું આવ્યું હતું. હિસાબી વર્ષ 2016-17માં 5281 ગામડાંની પસંદગી કરવામાં આવી છે.

બે વર્ષના દુષ્કાળ પછી આ વખતે ચોમાસું સારું રહ્યું હતું. મુંબઈ સિવાયના કુલ 355 તાલુકામાંથી 81 તાલુકામાં ખૂબ વધારે વરસાદ પડયો હતો. 216 તાલુકામાં સંતોષકારક વરસાદ પડયો હતો. 58 તાલુકામાં ઓછો વરસાદ પડયો હતો.

51.31 લાખ હેક્ટર ભૂમિ ઉપર રવિ પાકનું વાવેતર કરાયું હતું. તેના લીધે અનાજનું ઉત્પાદન 62 ટકા, કઠોળનું ઉત્પાદન 90 ટકા અને તેલીબિયાનું ઉત્પાદન 36 ટકા વધે એવી આશા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer