વોટિંગ મશીન : વિવાદ ચગાવાશે?
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે અભૂતપૂર્વ વિજય મેળવ્યા પછી ઉમર અબદુલ્લાએ કૉંગ્રેસ તથા અન્ય વિપક્ષોને સલાહ આપી હતી કે 2019ની ચૂંટણી ભૂલી જાવ અને 2024ની ચિંતા તથા તૈયારી કરવા લાગો - આ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના સંસદસભ્યો અને કાર્યકરોને આહ્વાન કરી દીધું છે કે `મૈં ચૈન-આરામ સે બૈઠૂંગા નહીં ઔર બૈઠને દૂંગા નહીં' ગરીબ કલ્યાણની યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે યુવાનોની સેવા લેવાનો અનુરોધ કર્યો છે. નરેન્દ્ર મોદી માત્ર વચનોનો પ્રચાર કરવા માગતા નથી. વચનોની પૂર્તિ, સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય અને શરૂ થયેલા અમલની માહિતી લોકોને પહોંચાડવા માગે છે, જેથી તેઓ લાભ લઈ શકે. આ દરમિયાન ઉત્તર પ્રદેશમાં સરકારી અધિકારી વર્ગ અને પોલીસ તંત્ર સાબદું-સાવધાન થઈ ગયું છે. છેલ્લાં પંદર વર્ષની લાગવગશાહી અને તુમારશાહી હવે નહીં ચાલે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે આપેલાં વચનોના અમલ માટે પાંચ વર્ષની મુદત નથી - 2019માં જ રિપૉર્ટ કાર્ડ રજૂ કરવાની નેમ છે.

બીજી બાજુ વિપક્ષોને સંબંધ છે ત્યાં સુધી `ગ્રાન્ડ એલાયન્સ' - ભવ્ય મોરચો ઊભો કરવાની વાતો શરૂ થઈ છે પણ આવા પ્રયાસ આસાન નથી. વિરોધ પક્ષોની છાવણીમાં વિરોધાભાસ ઘણા છે. નેતાઓનાં અહમ અને હિત ટકરાય છે તેથી સંસદમાં મોરચો ભલે આસાન હોય - ચૂંટણી માટે આસાન નથી.

આ દરમિયાન વિપક્ષોના હાથમાં નવો મુદ્દો આવ્યો છે અને તે ખૂબ ચગાવાશે એમ જણાય છે. `વૉટિંગ મશીનો' દાખલ થયાં પછી મતદાન સલામત હોવા છતાં તે અંગે વિવાદ - વાંધા ઊભા થતા રહ્યા છે. આપણાં મશીનોમાં કોઈ પ્રકારની ગોલમાલ શક્ય નહીં હોવાથી વિદેશોમાં માગ વધી છે અને આપણે નિકાસ પણ કરીએ છીએ.

આ વખતે પરિણામમાં ધબડકો જોયા પછી સૌથી પહેલાં માયાવતીએ વૉટિંગ મશીનો સામે વાંધો ઉઠાવ્યો અને આક્ષેપ કર્યો કે ગોલમાલ કરવામાં આવી છે અને મને મળવા જોઈતા વૉટ અન્ય ખાતાંમાં ગયાં છે! માયાવતીના મુદ્દાને કેજરીવાલે તરત ઉઠાવી લીધો અને આક્ષેપ કર્યો કે પંજાબમાં મારા મત અકાલી દળ અને કૉંગ્રેસમાં ગયા છે - આ `ગોલમાલ' થઈ છે! અને હવે અખિલેશ યાદવ પણ સૂર પુરાવી રહ્યા છે કે આ મશીનોનો દુરુપયોગ થયો છે!

વાસ્તવમાં વૉટિંગ મશીનોનો દુરુપયોગ થવાની - ટેમ્પરિંગ થવાની શક્યતા જ નથી. આમ છતાં વિરોધી નેતાઓ હવે `સીબીઆઈની તપાસ માગે અને વૉટિંગ મશીનો તથા ચૂંટણીમાં જ લોકોનો વિશ્વાસ ડગી જાય એવી બુમરાણ મચાવે તો નવાઈ નહીં. અલબત્ત - લોકો જાણે છે કે એમણે વૉટ કોને આપ્યા છે. વળી છેલ્લી ચૂંટણીમાં જીત્યા ત્યારે કેમ મશીનમાં ભૂત દેખાયું નહીં? આવા આક્ષેપ દુનિયાભરમાં થાય છે. અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી વખતે ડોનાલ્ડ ટ્રમ્પે પણ વૉટિંગ મશીનો અને ગોલમાલના આક્ષેપ કર્યા હતા. ચૂંટાયા પછી તપાસ કરવાની એમણે ખાતરી આપી હતી. આ `તપાસ' હવે - વિજય પછી - કેટલે પહોંચી હશે?

આપણા દેશમાં વર્ષ 1982માં વૉટિંગ મશીન મૂકવામાં આવ્યાં. આ પહેલાં ચૂંટણી પંચની કામગીરી ઘણી વિકટ હતી. એટલું જ નહીં, ઉત્તર પ્રદેશ અને બિહારમાં તો બેલટ બોક્સ - મતપેટીઓ જ ઉઠાવાઇ જતી હતી. બાહુબલીઓની બોલબાલા હતી. મની-પાવર કરતાં મસલ પાવરના કારણે લોકો મત આપવાનું પણ ટાળતા હતા! 1977ની ચૂંટણીમાં રાયબરેલીમાં ઇન્દિરા ગાંધી અને અમેઠીમાં સંજય ગાંધી ઉમેદવાર હતાં ત્યારે ઇમર્જન્સીના કારણે જનમત ઇન્દિરાજીની વિરુદ્ધમાં હતો અને જીતવાની આશા નહોતી. કૉંગ્રેસ અને સરકારને પણ પરાજયની ખાતરી હતી! ત્યારે રાયબરેલી-નાં મતદાન મથકોએથી મતપેટીઓ ગણતરી માટે ભેગી કરવામાં આવી ત્યારે આ પેટીઓ `ઉઠાવી' જવા માટે બાહુબલીઓએ હુમલો કર્યો હતો. પણ મતગણતરી કરી રહેલા ચૂંટણી પંચના કર્મચારીઓ મતપેટીઓને વળગી રહ્યા હતા અને માથાં-શરીર ઉપર લાઠીઓનો માર ઝીલ્યો હતો - વધુ પોલીસકુમક આવી ત્યાં સુધી રક્ષા - લોકશાહીની - કરી હતી!

વૉટિંગ મશીનો આવ્યાં પછી ગણતરી ઝડપી અને આસાન પણ બની છે. પરિણામ તરત જાહેર થાય છે અને તેથી આવકાર મળ્યો છે. જોકે, નાનીમોટી ફરિયાદો અને શંકાઓ વ્યક્ત થતી રહી છે. પણ આટલાં વર્ષો પછી હવે પરાજિત પાર્ટીઓએ શંકાના બદલે આક્ષેપ શરૂ કર્યા છે અને ઉત્તર પ્રદેશના ત્રણે મુખ્ય પરાજિત પક્ષો વૉટિંગ મશીનોમાં ગોલમાલ થયાની ``હવા'' ઊભી કરી રહ્યા છે. 2019 સુધીમાં આ હવા - કુપ્રચારના ફુગ્ગામાંથી કાઢી નાખવી જરૂરી છે કારણ કે આખા દેશમાં ચૂંટણી પ્રક્રિયા અને લોકશાહીમાંથી વિશ્વાસ ડગી જવાની શક્યતા નિર્મૂળ થવી જોઈએ. ભૂતકાળમાં ઇન્દિરાજીના વિજય પછી તત્કાલીન જનસંઘના નેતા બલરાજ મધોકે આક્ષેપ કર્યો હતો કે ઇન્દિરા ગાંધીએ રશિયાથી શાહી મગાવીને ગોલમાલ કરી છે! પણ જનસંઘે આક્ષેપને સમર્થન આપ્યું નહોતું.

પ્રશ્ન એ છે કે મશીનમાં ગોલમાલ કેવી રીતે થાય? પૂર્વ ચૂંટણી કમિશનર કુરેશીસાહેબે વિગતવાર સમજ આપીને ગોલમાલને રદિયો આપ્યો છે અને વોટિંગ મશીનમાં `પૂરો વિશ્વાસ' વ્યક્ત કર્યો છે. છેલ્લાં સોળ વર્ષ દરમિયાન રાજ્યોની વિધાનસભાઓની 107 વખત અને લોકસભાની રાષ્ટ્રીય ચૂંટણી ત્રણ વખત થઈ છે. કદી આવી ફરિયાદ થઈ નથી. આ મશીનો આપણા જાહેર ક્ષેત્રની બે સ્વદેશી કંપનીઓ દ્વારા બનાવાય છે અને તમામ મશીનો `નેટવર્ક'થી સંકળાયેલાં નથી હોતાં - દરેક ક્ષેત્રમાં અલગ અલગ યંત્રો હોય છે. સંકળાયેલાં હોય તો ગોલમાલ શક્ય હોય. વળી, મશીનોમાં રાજ્યવાર અલગઅલગ પાર્ટીઓની યાદી હોય છે, તેમાં પાર્ટીનાં નામ સાથે ઉમેદવારોનાં નામ ફાઈનલ થયાં પછી `બટન' નક્કી થાય છે અને આ પ્રક્રિયા દરમિયાન ચૂંટણી પંચના નિયંત્રણમાં મશીનો હોય છે. મતદાન પહેલાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને સમજ આપવામાં આવે છે. મતદાન અને ગણતરી વખતે પણ એમને બતાવીને `સીલબંધ' કરાય છે. આ તબક્કે કોઈ પાર્ટીએ `વાંધો' નોંધાવ્યો નથી. પરિણામ જાહેર થયાં પછી ચૂંટણી પંચની કામગીરી પૂરી થાય છે અને ફરિયાદ માટે પરિણામ જાહેર થયાં પછીના 45 દિવસમાં હાઈ કોર્ટમાં જવાની સમયમર્યાદા છે.

આ દરમિયાન, વોટિંગ મશીનમાં જે બટન દાબવામાં આવે તેની નકલ મશીનમાં `એટેચ' કરાયેલા એક પ્રિન્ટરમાં કાગળ ઉપર છપાઇ જાય એવી જોગવાઈ સુપ્રીમ કોર્ટના આદેશથી કરવામાં આવી છે. આ છપાયેલી નકલ મતદારને માગે તો બતાવીને પછી `સીલબંધ બોક્સ'માં રાખવામાં આવે છે અને ગણતરી વખતે જરૂર હોય તો તે ખોલવામાં આવે છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં તમામ 543 મતવિસ્તારોમાં આ જોગવાઈ કરવામાં આવી હતી.

આ વખતે પંજાબમાં 117માંથી 33 બેઠકો માટે આવી જોગવાઈ હતી.

કેજરીવાલ તપાસ માટે મોડા જાગ્યા છે, પણ એમનો આશય તપાસ નહીં, વિવાદ અને અવિશ્વાસ જગાવવાનો છે! મૂળ તો તેઓ અરાજકતામાં માને છે ને.