જીએસટીનાં ચાર બિલને નાણાખરડા તરીકે રજૂ કરાશે

પીટીઆઈ

નવી દિલ્હી, તા. 17 માર્ચ

ચાર સૂચિત કાયદાઓ (રાજ્ય જીએસટી ખરડા સિવાય)ને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળ્યા બાદ લોકસભામાં તેને નાણાખરડા તરીકે રજૂ કરવામાં આવશે, જેથી લઘુમતી સંખ્યાબળ ધરાવતી મોદી સરકારને રાજ્યસભામાં જીએસટીને મંજૂર કરવામાં અંતરાય આવે નહીં.

સંસદના બન્ને ગૃહોમાં જીએસટીને લગતા ચાર સૂચિત ખરડાઓ સરળતાથી પસાર થાય તે જોવા આ ખરડાઓને વર્તમાન બજેટ સત્રમાં નાણાખરડા સાથે એનડીએ સરકાર એકસાથે રજૂ કરે તેવી શક્યતા છે. જેથી 1 જુલાઈથી જીએસટીનો અમલ કરી શકાય.

લોકસભામાં એક નાણાખરડાને મંજૂરીની આવશ્યકતા છે કે જ્યાં એનડીએ સરકારની બહુમતી છે. રાજ્યસભામાં કે જ્યાં એનડીએ લઘુમતીમાં છે તેને નાણાખરડા ઉપર ભલામણ કરવાની સત્તા છે, જેને લોકસભા સ્વીકારી શકે અથવા રદબાતલ કરી શકે.

બૅન્કિંગ સિસ્ટમમાં દબાણ હેઠળની મૂડી સાથે નિપટવા પબ્લિક સેકટર એસેટ રિહેબિલિટેશન એજન્સી (પારા) અથવા બેડ બૅન્ક સ્થાપવી કે કેમ તે અંગે નાણામંત્રાલય અને રિઝર્વ બૅન્ક ચર્ચાવિચારણા કરી રહ્યા છે.

દરમિયાન ઐતિહાસિક ટૅક્સ સુધારાના અમલ માટે વિધેયકનો ટેકો આપતા બે ખરડાઓને જીએસટી કાઉન્સિલે ગુરુવારે મંજૂરી આપી હતી અને તે સાથે સંસદ તથા રાજ્ય વિધાનમંડળોમાં તેને દાખલ કરવાનો માર્ગ મોકળો કર્યો હતો. રાજ્ય જીએસટી અને કેન્દ્રશાસિત જીએસટીને કાઉન્સિલે આપેલી મંજૂરી સંગઠિત બજાર સર્જવાની દિશામાં આગળ વધવાના લાંબા પ્રયાસમાં એક મહત્ત્વનું કદમ છે અને જીએસટીના અમલ માટે પહેલી જુલાઈના અમારા લક્ષ્યને પહોંચી વળવા માટે મહત્ત્વનું છે.

ઠંડાં પીણાં અને કાર ઉપર 15 ટકા સેસ મર્યાદા નક્કી કરવામાં આવી છે. તેનો અર્થ એ કે સો ફૂડ ડ્રિકંસ અને કાર ઉપર 43 ટકાથી વધુ (ટૅક્સ દર 28 ટકા વત્તા 15 ટકા સેસ) સેસ લાગુ નહીં પડે. સિગારેટ અને ચાવવાની તમાકુના કિસ્સામાં સેસ 290 ટકા અથવા તો 1000 સિગારેટ માટે રૂા. 4170 અથવા તો બન્ને હોઈ શકે. સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (એસઈઝેડ)માં ઉત્પાદિત આઈટમોને નિકાસની આઈટમો સમકક્ષ ગણીને ટૅક્સ લેવાનો નિર્ણય પણ કાઉન્સિલે કર્યો હતો.

જીએસટી કાઉન્સિલની બારમી બેઠક બાદ નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે કાઉન્સિલે હવે તમામ પાંચ વિધેયકને મંજૂરી આપી દીધી છે અને તે દ્વારા સંસદમાં તથા રાજ્ય વિધાનસભાઓમાં આ ખરડા રજૂ કરવાનો માર્ગ મોકળો કર્યો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer