70 ટકા જેટલા નાના-મધ્યમ એકમો જીએસટીની પ્રણાલી માટે હજી તૈયાર નથી

70 ટકા જેટલા નાના-મધ્યમ એકમો જીએસટીની પ્રણાલી માટે હજી તૈયાર નથી
નવી દિલ્હી, તા. 18 એપ્રિલ

સૂચિત જીએસટી - નવી વેરા માળખાકીય પ્રણાલી લાગુ કરવા માટે 70 ટકા નાના અને મધ્યમ સ્તરના ઉદ્યોગ અને બિઝનેસ ગૃહો હજુ સુધી તૈયાર થયા નથી. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આગામી 1 જુલાઈથી લાગુ થનાર નવી જીએસટી  પ્રણાલી અત્યાધુનિક ટેક્નિકલ તૈયારી માગતી હોવાથી અનેક નાના ઔદ્યોગિક અને વ્યાપાર એકમોને તેમની પેમેન્ટ સાઈકલ ખોરવાઈ જવાનો ભય સતાવી રહ્યો છે. જેથી કેટલાક અંશે મજૂર અને નાના કર્મચારીઓની છટણી અથવા બેરોજગારી સર્જાવાની ભીતિ ઊભી થશે. કેપીએમજી અને ફેડરેશન અૉફ સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝીસ (એફએસએમઈ)ના મહાસચિવ અનિલ ભારદ્વાજે જણાવ્યું હતું કે સીડબીએ નાના ઉદ્યોગો અને બિઝનેસને જીએસટીની સમજણ માટે હેલ્પલાઈન શરૂ કરવાનું નક્કી કર્યું છે. અમારા અનુમાન પ્રમાણે 70 ટકા નાના ઉદ્યમી અને વેપારી નવા જીએસટી માળખા માટે હજુ તૈયાર નથી.

આઈસીએઆઈના ભૂતપૂર્વ પ્રમુખ મનોજ ફડણવીસે જણાવ્યું હતું કે કેટલાક ઉદ્યમી અને વેપારીઓએ જીએસટી માટેની અનિશ્ચિતતાને ધ્યાને લઈને આ માટેની તૈયારી મોકૂફ રાખી હતી. જીએસટી લાગુ થયા પછી નાના સ્તરના અનેક લોકો વેપારીઓની નાણાભીડને લીધે બેરોજગાર બની શકે તેમ છે.

કેન્દ્રના વાણિજય સચિવ હસમુખ અઢિયાએ પાછલા અઠવાડિયે જીએસટીની તૈયારી વિશેની તપાસમાં ઉત્તર-પૂર્વનાં રાજ્યોની મુલાકાત લીધી હતી. દરમિયાન નાણાં મંત્રાલયના ઉચ્ચ અધિકારીએ સ્વીકાર્યું હતું કે આ સિસ્ટમની તૈયારી માટે ઉતાવળ થઈ રહી છે.

કેપીએમજીના ભાગીદાર વામન પારખીએ જણાવ્યું કે જીએસટી લાગુ થયા પછીના પ્રોડકટના નવા ભાવ મળવા માટે અતિ ઝડપી તૈયારી જરૂરી બનશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer