કપાસની ઊપજ ઘટવાથી ટેક્સ્ટાઇલ ઉદ્યોગની ટીએમસી-2 લાવવાની માગણી

કપાસની ઊપજ ઘટવાથી ટેક્સ્ટાઇલ ઉદ્યોગની ટીએમસી-2 લાવવાની માગણી
વિકસિત દેશોની હેક્ટર દીઠ 1500 કિલોની ઊપજ સામે ભારતની ઊપજ 500 કિલો

કોઈમ્બતૂર, તા. 18 એપ્રિલ

ટેક્નૉલૉજી મીશન ઓન કોટન (ટીએમસી) બંધ થયા બાદ રૂએ તેનું મહત્ત્વ શું ગુમાવી દીધું છે? જોકે, સફેદ સોના જેવું રૂ ફરી તેની ચમક મેળવી લેશે એમ ઉદ્યોગના વર્તુળોનું માનવું છે.

વિશ્વમાં રૂના સૌથી મોટા ઉત્પાદક અને રૂના નેટ નિકાસકાર તરીકે ભારતની ગણના થાય છે. આમ છતાં 2013-14માં ભારતીય કપાસ ઉપજ જે લીન્ટ/હેક્ટરદીઠ 566 કિલોની હતી તે પાકમાં જીવાતના કારણે ઘટી 2015-16માં 500 કિલોની રહી હતી. આમ છતાં સારા ચોમાસાના કારણે 2016-17માં ઉપજ વધીને 568 કિલોની થવાની ધારણા છે.

કપાસની ઉપજ 2013-14માં જે 398 લાખ ગાંસડીની થઈ હતી તે 2016-17માં ઘટી 342-346 લાખ ગાંસડીની થવાની ધારણા છે.

આની સામે અૉસ્ટ્રેલિયા, બ્રાઝિલ, ચીન, તુર્કી, મેક્સીકો, ઇઝરાયલની નેશનલ સરેરાશ પેદાશ હેક્ટર દીઠ 1500 કિલોથી વધુની આવે છે. ભારતની નબળી ઉત્પાદકતા માટે જરીપુરાણી ટેક્નૉલૉજી અને કોટન રિસર્ચ માટે અપૂરતા ફંડને જવાબદાર ગણવામાં આવે છે.

સધર્ન ઇન્ડિયા મિલ્સ ઍસોસિયેશન (સીમા)એ ટેક્નૉલૉજી મીશન ઓન કોટન (ટીએમસી)ને સુધારેલા ફોર્મેટમાં ફરી શરૂ કરવાની માગણી કરી છે.

કપાસના પાકની અનિશ્ચિતતાના કારણે અમુક રાજ્યોએ ખેડૂતોને કપાસના વાવેતરથી દૂર રહેવાની સલાહ આપી છે.ઉદ્યોગના વર્તુળોનો આક્ષેપ છે કે કેન્દ્રીય કૃષી મંત્રાલય અને વિવિધ રાજ્યોના કૃષી વિભાગો રૂને પૂરતું મહત્ત્વ આપતા નથી. ઉત્પાદન, ઉત્પાદકતા, ગુણવત્તામાં ઘટાડો આને કારણે જોવાયો છે.

વર્તમાન બીટી ટેક્નૉલૉજીના કારણે ભારતીય કપાસ ઉત્પાદકતા વધી હતી પણ તે ટેક્નૉલૉજી અમુક વર્ષ પૂર્વે જ ભારતને મળતી બંધ થઈ ગઈ છે.

ધી સેન્ટ્રલ ઇન્સ્ટિટયૂટ અૉફ કોટન રિસર્ચ (સીઆઈસીઆર)એ દેશી કપાસ 21 જાતો વિકસાવી છે જેના ઉત્તમ પરિણામો જોવા મળ્યા છે અને ખેડૂતોની આવક બમણી થઈ ગઈ છે. આમ છતાં ફંડની ઊણપના કારણે વૈજ્ઞાનિકો વધુ પ્રગતિ સાધી શકયા નથી.

ભારતને 140-160 દિવસના ટૂંકા ગાળાની વેરાયટીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે.

ટીએમસી-2ને ફરી લાવવા કમિટીની રચના કરી દેવાઈ છે. સીઆઈસીઆર, ઉદ્યોગ અને અન્ય હિતધારકોના સથવારે ટીએમસી-2 જેવા મીશનથી રૂના ખેડૂતોની આવક બમણી થઈ શકશે અને ટૅક્સ્ટાઇલ ઉદ્યોગના વિકાસને વેગ મળી શકશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer