સૌર ઊર્જાનાં ઉત્પાદન ક્ષેત્રમાં ગુજરાત પાંચમા ક્રમે ધકેલાયું
સૌર ઊર્જાનાં ઉત્પાદન ક્ષેત્રમાં ગુજરાત પાંચમા ક્રમે ધકેલાયું ઉત્પાદન વધારવા માટે રૂફટોપ સોલારમાં વીજલોડના 50 ટકાની મર્યાદાની શરત દૂર કરવાનો નિર્ણય

હૃષિકેશ.વ્યાસ 

અમદાવાદ, તા.18 એપ્રિલ

સૌર ઊર્જાના ઉત્પાદનમાં મોખરે રહેતું ગુજરાત હાલની સ્થિતિએ 1266 મેગાવોટના હિસ્સા સાથે પાંચમા ક્રમે ધકેલાઇ ગયું છે જ્યારે આંધ્રપ્રદેશ પ્રથમ નંબરે આવી ગયું છે. હવે ફરીથી સૌર ઊર્જામાં ગુજરાતને આગળની હરોળમાં મુકવા સરકારે પ્રથમ તબક્કામાં રૂફ ટોપ સોલારનું ઉત્પાદન વધે તે રીતે નીતિમાં ફેરફાર જાહેર કર્યા છે. જે મુજબ હવે સરકારે નીતિમાંથી રૂફટોપ સોલાર પ્લાન્ટની ક્ષમતામાં કનેક્ટેડ (કોન્ટેક્ટટેડ) વીજલોડના 50 ટકાની મર્યાદાની શરત દૂર કરવાનો નિર્ણય લીધો છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારની સોલાર એનર્જી નીતિ-2015માં એવી જોગવાઇ હતી કે કોઇપણ નાગરિકનું ઘરનું જે કુલ વીજ બિલ આવતું હોય અને તેમાં જેટલું વીજલોડ અપાયેલું હોય તેના 50 ટકા લેખે જ સોલાર વીજ પેનલ રૂફ ટોપ નીતિ હેઠળ લગાવીને તેનો લાભ ઘર-વપરાશને માટે લઇ શકતો હતો પરંતુ હવે વીજલોડના 50 ટકાની મર્યાદાની શરત દૂર કરવાનો નિર્ણય સરકારે કરતા જે તે નાગરિક તેના વીજબીલમાં લખેલા કુલ વીજલોડના 100 ટકા જેટલા વીજલોડ મુજબની સોલાર પેનલ છત ઉપર મુકાવી શકશે. 

હાલ દેશમાં કુલ 12,288.83  મેગાવોટ જેટલી સૌર ઊર્જા પેદા કરાઇ રહી છે. જેને પાંચ વર્ષ સુધીમાં 97000 મેગાવોટ સુધી વધારવાનું સરકારે આયોજન કર્યુ છે. જેમાં 40000 મેગાવોટ રૂફ ટોપ પ્રોજેક્ટ દ્વારા અને બાકીના 57000 મેગાવોટ સૌર ઊર્જાના અન્ય પ્રોજેક્ટસમાંથી મેળવવાની ગણતરી રાખવામાં આવી છે. ભારત સરકારે  પર્યાવરણીય જાળવણી માટે બિન-પરંપરાગત વીજળીનું ઉત્પાદન વધારવાની દિશામાં દેશના દરેક રાજ્યોને ખાસ તાકીદ કરી છે. જેના અનુસંધાને પાંચમા ક્રમે ધકેલાઇ ગયેલા ગુજરાત સરકારે પણ હવે સૌર ઊર્જા સહિતના બિન-પરંપરાગત વીજ ઉત્પાદનની દિશામાં આગેકૂચ કરવાનું નક્કી કર્યુ છે. 

સૌર ઊર્જામાં ગુજરાતનો હિસ્સો 1266 મેગાવોટ જેટલો છે.  જ્યારે પ્રથમ ક્રમે રહેલા આંધ્રપ્રદેશનો હિસ્સો 1867 મેગાવોટનો રહ્યો છે. આ ઉપરાંત બીજા ક્રમે રાજસ્થાનનો હિસ્સો 1812 મેગાવોટ, ત્રીજા ક્રમે તામિલનાડુ 1691 મેગાવોટ અને ચોથા ક્રમે તેલંગણાનો હિસ્સો 1286 મેગાવોટ જેટલો છે.