ટીસીએસના પરિણામ પૂર્વે વધ્યા મથાળેથી સૂચકાંકો ઘટયા

પીએસયુ બૅન્ક શૅર્સમાં નોંધપાત્ર લેવાલી રહી

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 એપ્રિલ

શૅરબજાર આજે સતત બીજા સેશનમાં ઘટીને બંધ રહ્યું હતું. બજાર શરૂઆતમાં ઉછળીને ખુલવા સાથે સાંકડી વધઘટે અથડાયા પછી બપોર બાદ ઝડપથી ઘટવા સાથે ટ્રેડિંગ અંતે બીએસઈ ખાતે સેન્સેક્સ ગઈકાલના બંધથી 94.56 પૉઈન્ટ ઘટીને 29319.10ના સ્તરે બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ ખાતે નિફટી પીએસયુ બૅન્કેક્ષ 2 ટકા વધવા છતાં નિફટી-50 ટ્રેડિંગ અંતે 34 પૉઈન્ટ ઘટીને 9105 બંધ રહ્યો હતો.

બજાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે આજે ટીસીએસના પરિણામ અગાઉ બજારમાં નફા તારવણી વધતાં સેન્સેક્સ-નિફટી તૂટયા હતા. દરમિયાન, આજના ઘટાડાના આભાસ છતાં બ્રોકર માર્કેટ બ્રેડ્થ સકારાત્મક રહી છે. અદાણી ગ્રુપ, હોટેલ ક્ષેત્ર અને માળખાકીય કંપનીઓના ભાવ સુધરવાથી બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્ષ રોજેરોજ વિક્રમી સ્તરે કવોટ થઈ રહ્યા છે, જે સુધાર અંદાજે પણ ચાલુ હતો. આજે બીએસઈ ખાતે 1730 શૅર વધવા સામે 853 શૅર ઘટયા હતા.

એનએસી ખાતે નિફટી ઘટયા છતાં મોટા ભાગના ક્ષેત્રવાર ઈન્ડેક્ષ સુધારાનો સંકેત કરતા હતા. બૅન્ક અૉફ ઈન્ડિયા અને ઓરિયેન્ટલ બૅન્કના શૅર 3 ટકા સુધર્યા હતા. યુનિયન બૅન્ક, પીએનબી, આંધ્ર બૅન્ક, સિન્ડિકેટ બૅન્ક અને બીઓબી સહિત પીએસયુ બૅન્કોના શૅર 2થી 3 ટકા વધ્યા હતા. આજના ટ્રેડ થકી એસબીઆઈ 2 ટકાના સુધારે રૂા. 296 કવોટ થવાથી બૅન્કનું કેપિટલાઈઝેશન જાહેર ક્ષેત્રની બૅન્કોમાં સૌથી ઊંચે પહોંચ્યું છે. બેન્ચમાર્ક ઈન્ડેક્સના કેલેન્ડર વર્ષ 2017ના 11.5 ટકા સુધારા સામે એસબીઆઈ શૅર 18 ટકા વધ્યો છે. આજે સૌથી વધેલા શૅરોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 1.3 ટકા સુધરીને રૂા. 1410 કવોટ થયો છે. ટ્રેડ દરમિયાન ટીસીએસના કેપિટલાઈઝેશનને આરઆઈએલ આંબી ગઈ હતી. આજે પરિણામ પૂર્વે ટીસીએસના શૅર્સ 0.6 ટકા ઘટયા હતા. મુખ્ય બ્રોકરેજ ગૃહોએ કંપનીનો વાર્ષિક આવક વૃદ્ધિદર 4.4થી 5.4 ટકા આવવાની આગાહી કરી છે, જ્યારે ચલણમાં વેલ્યુ વૃદ્ધિ 1.5થી 2 ટકા ધારવામાં આવી છે.

દરમિયાન ગૃહ ફાઈનાન્સનો શૅર દિવસ દરમિયાન 8 ટકા વધી ગયો હતો. પાછલા ત્રિમાસિકની ચોખ્ખા નફાની વૃદ્ધિ કુલ 26 ટકા આવતા ભાવ સુધર્યો હતો.

આજે વૈશ્વિક બજારોમાં એશિયન શૅરબજાર ઊંચાં રહ્યાં હતાં. વોલસ્ટ્રીટ ઈસ્ટરની રજા પછી સુધરવાની અસરથી એશિયામાં સકારાત્મક વલણ હતું. અમેરિકામાં વોલસ્ટ્રીટમાં પ્રથમ ત્રિમાસિકના સકારાત્મક કોર્પોરેટ પરિણામની સંભાવનાથી બજાર સુધર્યું હતું. અમેરિકા અને ઉત્તર કોરિયાના રાજકીય વિવાદને લીધે અણુયુદ્ધના ભણકારા સંભળાઈ રહ્યા છે. કોરિયાએ લશ્કરી કવાયત કરી હતી, જેની વિરુદ્ધ યુએસના નાયબ પ્રમુખ માઈક પેન્સએ ઉત્તર કોરિયાને કડક ચેતવણી આપીને કોરિયા પ્રાંતને અણુમુક્ત ઝોન જાહેર કરવાની નેમ જાહેર કરી છે. તેમણે ઉત્તર કોરિયાને ટ્રમ્પ સાથેનો વિવાદ ઉકેલવા અથવા યુદ્ધ માટે તૈયાર રહેવા ચેતવણી આપી હતી.

 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer