કપોળ સમાજમાં પુન: ચેતનસંચાર
કપોળ બૅન્કને પુન: શરૂ કરવાના ગંભીર પ્રયાસ, ત્રણ સમિતિની રચના, 4 મેએ બીજી મિટિંગ

વિશેષ સંવાદદાતા

મુંબઈ, તા. 18 એપ્રિલ

રિઝર્વ બૅન્ક અૉફ ઈન્ડિયા દ્વારા નિયુક્ત એડમિનિસ્ટ્રેટરના વહીવટ હેઠળ મુકાયેલી કપોળ બૅન્કને પુન: શરૂ કરવા માટેના ગંભીર પ્રયાસ શરૂ થયા છે.

આ દિશામાં આગળ વધવા માટે કપોળ સમાજના મોભી અનિલ મહેતાએ સમાજની ઈચ્છાને અનુરૂપ એક મિટિંગ અહીં સોમવારે બોલાવી હતી. વાશીના અશ્વિન વોરા, અવિનાશ પારેખ, કીર્તિ શાહ, વિનેશ મહેતા, રમેશ એન. વોરા, હિમાંશુ મહેતા અને ત્રંબક પારેખ, વાશીના અશ્વિન વોરા સહિત 30 જેટલા આગેવાનોએ હાજરી આપી હતી.

આ મિટિંગમાં ત્રણ સમિતિ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એક સમિતિ રિઝર્વ બૅન્કની સાથે ચર્ચાવિચારણા કરીને આ પરિસ્થિતિમાંથી માર્ગ શોધવાનો પ્રયાસ કરશે. બીજી સમિતિ ખાતેદારો માટેની અને ત્રીજી સમિતિ બૅન્કને પુન: બેઠી કરવા માટે જરૂરી ભંડોળ ઊભું કરવા માટેની હશે.

કપોળ આગેવાનોની હવે પછીની મિટિંગ 4 મેએ મળશે, જેમાં આ ત્રણે સમિતિઓના અહેવાલની અને પ્રગતિની ચર્ચાવિચારણા થશે.

આ બેઠકમાં અનિલભાઈએ શરૂઆતમાં જ એક સ્પષ્ટતા કરી હતી કે તેઓ અધ્યક્ષપદ કે કોઈ પદ માટે ઉમેદવાર નથી અને આ વાતે તેઓ 100 ટકા મક્કમ છે. તેમણે વધુમાં કહ્યું કે ``કોઈ પણ પદ વિના હું આપણા સમાજના ઘરેણાં જેવી આ બૅન્કને ઉગારવા માટે તમામ પ્રયાસ કરી છૂટીશ.'' અનિલભાઈએ સમાજને અપીલ કરી હતી કે આપણે તમામ વાદવિવાદ ભૂલીને તન, મન અને ધનથી સેવા અને સમર્પણની ભાવના દ્વારા બૅન્કની પ્રતિષ્ઠા પુન: સ્થાપિત કરવાની છે.

અનિલભાઈએ કહ્યું કે ``ઝાઝા હાથ રળિયામણા તે ન્યાયે હવે વધુ વિલંબ કર્યા વિના સૌએ કામે લાગી જવું જોઈએ. જ્ઞાતિની આ છેલ્લી ગૌરવરૂપ સંસ્થા છે. આપણે આ ઘરેણું સાચવી નહીં શકીએ તો ઈતિહાસ આપણને માફ નહીં કરે.''