અૉસ્ટ્રેલિયામાં હંગામી ભારતીય કામદારો પર પ્રતિબંધ
પીટીઆઈ       મેલબોર્ન, તા. 18 એપ્રિલ

અૉસ્ટ્રેલિયાએ આજે વીઝા પ્રોગ્રામ રદ કર્યો હતો જેનો ઉપયોગ 95,000થી વધુ કામચલાઉ વિદેશી કામદારો કરે છે અને આમાંના મોટા ભાગના ભારતીયો છે. અૉસ્ટ્રેલિયામાં વધતી બેકારીને રોકવા આ પગલું ભરવામાં આવ્યું છે. આ પ્રોગ્રામ 457 વીઝા તરીકે ઓળખાય છે. આમાં જ્યાં અૉસ્ટ્રેલિયન કામદારોની ખેંચ હોય એવા કુશળ જોબમાં 4 વર્ષ સુધી વિદેશી કામદારોને નોકરીએ રાખી શકાતા હતા. અૉસ્ટ્રેલિયા વસાહતીઓનો દેશ છે. આમ છતાં અૉસ્ટ્રેલિયન જોબ માટે અૉસ્ટ્રેલિયન કામદારોને અગ્રતાક્રમ મળવી જોઇએ. આથી 457 વીઝા કાર્યક્રમ રદ કરવામાં આવે છે, એમ અૉસ્ટ્રેલિયાના વડા પ્રધાન માલકોમ ટર્નબુલે જણાવ્યું હતું. વીઝાધારકોના મોટા ભાગના કામદારો ભારતના છે અને તે બાદ યુકે અને ચીનના છે. અૉસ્ટ્રેલિયા હવે સ્કીલ્ડ માઇગ્રેશન માટે `અૉસ્ટ્રેલિયન ફર્સ્ટ'ની નીતિ અપનાવશે.