રૂા. 6000 કરોડના સ્પેશિયલ એપરલ પૅકેજને નબળો પ્રતિસાદ

રૂા. 6000 કરોડના સ્પેશિયલ એપરલ પૅકેજને નબળો પ્રતિસાદ
સ્કીમનો અધૂરો પ્રચાર અને પ્રધાન - સચિવ વચ્ચે સંઘર્ષ મુખ્ય કારણો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 18 એપ્રિલ

મોદી સરકારે જૂન 2016માં રૂા. 6000 કરોડના સ્પેશિયલ એપરલ પૅકેજની જાહેરાત કરી હતી તેનો અમલ ઘણો ધીમો રહ્યો છે અને એને ધારી સફળતા હજી મળી નથી. આનું એક કારણ ટેકસ્ટાઇલ પ્રધાન સ્મૃતિ ઇરાની અને ટેકસ્ટાઇલ સેક્રેટરી રશ્મિ વર્મા વચ્ચેનો અણબનાવ તેમ જ સ્કીમ અંગે પૂરતી જાહેરાતનો અભાવ કારણભૂત હોવાનું માનવામાં આવે છે.

બીજું રૂા. 6000 કરોડનું સ્પેશિયલ પૅકેજ ગાર્મેંટ માટે જાહેર કરાયું હતું પણ ત્રણ ચાર મહિના બાદ સ્પેશિયલ મેઇડઅપ્સ પૅકેજને પણ આમાં સમાવી લેવાયું હતું. મેઇડઅપ્સ પૅકેજ માટે અલગ ફંડની વ્યવસ્થા કરાઈ નહોતી.

ગાર્મેન્ટ માટેની જોબ સ્કીમની શરૂઆત પણ કંગાળ રહી છે. એમ્પ્લોઇઝ પ્રોવિડંડ ફંડ (ઇપીએફ)માં પ્રથમ ત્રણ વર્ષ માટે સંપૂર્ણ 12 % એમ્પ્લોયર્સનો ફાળો સરકાર ભોગવવાની છે. આમ છતાં અત્યાર સુધીમાં આ લાભ લેવા માત્ર 20 એકમો જ આગળ આવ્યા છે. હજી સુધી માત્ર 4300 લોકો જ રોજગાર મેળવી શક્યા છે.

કેબિનેટે જૂનમાં આ સ્કીમ મંજૂર કરી હતી પણ અન્ય જરૂરી મંજૂરીઓ અૉગસ્ટમાં મળી હતી. ઇપીએફઓ સોફ્ટવેર સાથે તૈયાર થવામાં સમય કાઢતાં એનરોલમેન્ટ અૉક્ટોબરથી જ શરૂ થઈ શકયું હતું. અંતે સરકારે ડિસેમ્બરથી ભંડોળ છૂટું કર્યું હતું. વળી સોફ્ટવેર એવું છે કે માલિકે તેના નોકરના આધાર કાર્ડની વિગતો સાથે નોકરની વિશ્વસનિયતાની વિગતો જે પૂરી પાડે છે તેમાં થોડી પણ વિસંગતતા હોય તો એનરોલમેન્ટ આપોઆપ રદ થઈ જાય છે.

રૂા. 6000 કરોડના સ્પેશિયલ એપરલ પૅકેજનો હેતુ 1 કરોડ નવા રોજગાર તૈયાર કરવાનું અને 3 વર્ષમાં રૂા. 74,000 કરોડના વધુ રોકાણને આકર્ષવાનો હતો.

સરકારના અંદાજ પ્રમાણે ગાર્મેન્ટ ક્ષેત્રે દર રૂા. 1 કરોડના રોકાણ સામે 70 નવી રોજગારીની તકો ઊભી થાય છે જ્યારે સ્ટીલમાં 10 અને અૉટોમોટિવ ક્ષેત્રે 25 રોજગારીની તકો ઊભી થાય છે. જોબ સ્કીમનો લાભ અગાઉ માત્ર નવી રોજગાર માટે જ હતો પણ હવે ઇપીએસમાં બેઝીક પગારના 8.33 ટકાનો માસિકનો ફાળો પણ સરકાર આપશે. માસિક રૂા. 15000થી ઓછો પગાર મેળવતા કર્મચારીઓ માટે આ સ્કીમ છે. આ દરખાસ્ત માટે ઇપીએફ ઍક્ટમાં સુધારો કરવો અનિવાર્ય છે. ત્યારબાદ ઇપીએફઓને સેન્ટ્રલ બોર્ડ અૉફ ટ્રસ્ટીઝની મંજૂરી લેવાની રહેશે. કેબિનેટની મંજૂરી પણ લેવાની રહેશે. ત્યારબાદ તે સંસદમાં રજૂ કરાશે.

ટ્રેડ યુનિયનો આ દરખાસ્તથી ખુશ નથી, કારણ કે આમાં એક્ઝિટ રૂટને પ્રવેશ મળી જાય તેવો ડર રહે છે.

ગાર્મેન્ટ માટે જે સ્પેશિયલ પૅકેજ છે તે અન્ય રોજગારલક્ષી ચર્મ ઉદ્યોગ અને પગરખાં ઉદ્યોગ માટે વિસ્તારવાનું સરકાર વિચારી રહેલ છે. બીજું ઉદ્યોગના સિઝનલ નેચર પ્રમાણે ફિકસ્ડ-ટર્મ રોજગાર માટે ટફ હેઠળ વધારાની વ્યાજ સબસિડી અને નિકાસ માટે વધારાના ડયૂટી ડ્રોબેકનું કવરેજ આપવાનું સરકાર વિચારી રહી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer