સ્કોટલૅન્ડ યાર્ડ પોલીસના પંજામાં વિજય માલ્યા

સ્કોટલૅન્ડ યાર્ડ પોલીસના પંજામાં વિજય માલ્યા
ભારતમાં માલ્યાનું પ્રત્યાર્પણ થશે

ધરપકડ બાદ ત્રણ કલાકમાં જ જામીન મળ્યાનો દાવો

પીટીઆઈ

લંડન, તા. 18 એપ્રિલ

ભાગેડુ ગુનેગાર હોવાનું જાહેર થયાના અમુક અઠવાડિયા બાદ બ્રિટન સરકારે પ્રત્યાર્પણની તૈયારી શરૂ કર્યા બાદ ભારતથી ફરાર થયેલા લીકરકિંગ વિજય માલ્યાની સ્કોટલૅન્ડ યાર્ડ પોલીસે લંડનમાં ધરપકડ કરી છે. જોકે માલ્યાને ત્રણ કલાકમાં જ જામીન અપાયા હોવાનું તેમના નિકટવર્તી સૂત્રોએ જણાવ્યું હતું.

કિંગફિશર ઍરલાઇન્સે બૅન્કો પાસેથી રૂા. 9,000 કરોડનું દેવું લીધું હતું. આ પૈસા વસૂલવા બૅન્કોએ કોર્ટના દરવાજા ખખડાવતા માલ્યા માર્ચ 2016માં યુકે ભાગી ગયા હતા. ગયા મહિને બ્રિટિશ સરકારે ભારતની વિનંતી પ્રમાણિત માનીને આગળની કાર્યવાહી કરવા ડિસ્ટ્રિક્ટ જજને જણાવ્યું હતું. માલ્યાને યુકેની સ્થાનિક કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.

માલ્યાએ ભારતીય ન્યાયાલયોની કેટલીક સમન્સ નોટિસની અવગણના કરી હતી.

પ્રીવેન્ટેશન અૉફ મની લોન્ડરિંગ ઍક્ટ અંતર્ગત માલ્યા ઇડીના તપાસકર્તા સમક્ષ પણ હાજર રહ્યા નહોતા.

આ વર્ષના જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં સીબીઆઈ કોર્ટે માલ્યા વિરુદ્ધ આઈડીબીઆઈ બૅન્ક લોનના રૂા. 720 કરોડની વસૂલીના કેસમાં બિન-જામીનપાત્ર વોરંટ ઇસ્યૂ કર્યું હતું.

માલ્યાની બંધ પડેલી કિંગફિશર ઍરલાઇન્સે વિવિધ બૅન્કોના રૂા. 9000 કરોડ કરતાં પણ વધુનું  કરજ ડુબાડી 2 માર્ચ, 2016ના રોજ માલ્યા ભારત છોડીને ફરાર થઈ ગયા હતા.

1993 બાદ, ભારત અને યુકે વચ્ચે પ્રત્યાર્પણ બાબતે કોઈ સંધિ થઈ નથી. 1993માં કેટલાક બ્રિટિશ નાગરિકોનું ભારતમાં પ્રત્યાર્પણ થયું હતું. જેમાં બ્રિટિશ તરુણી પર દુષ્કર્મ કરીને હત્યા કરવાના દોષી મનિન્દર પાલ સિંગનો પણ સમાવેશ હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer