આ વર્ષે પણ ચોમાસું સારું જશે

આ વર્ષે પણ ચોમાસું સારું જશે
મોટા ભાગના વિસ્તારોમાં પ્રમાણસર વરસાદ પડશે

લાંબા ગાળાના સરેરાશ 96 ટકા (+/- પાંચ ટકા) વરસાદની ધારણા

પીટીઆઈ, નવી દિલ્હી, તા. 18 એપ્રિલ

ઈન્ડિયન મીટરોલોજિકલ ડિપાર્ટમેન્ટ (ભારતીય હવામાન વિભાગ - આઈએમડી)એ 2017ના ચોમાસાની આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી ચોમાસું સામાન્ય રહેશે અને દેશના મોટા ભાગના વિસ્તારોમાં યોગ્ય પ્રમાણમાં વરસાદ પડશે.

લોંગ-પિરિયડ એવરેજ (એલપીએ)ના 96 ટકા જેટલું ચોમાસું હશે. આમાં 5 ટકા પ્લસ-માઈનસ થઈ શકે છે.

ભારતીય ખેતીવાડી ધીમે ધીમે ચોમાસા પર ઓછો ને ઓછો મદાર રાખતી થઈ ગઈ છે. નિષ્ફળ ચોમાસાની ગંભીર અસર અગાઉ જેવી હવે થતી નથી. આમ છતાં જૂનથી સપ્ટેમ્બરનો વરસાદ ખેતીવાડી માટે મહત્ત્વપૂર્ણ ગણાય છે. દેશની કુલ ખેતીલાયક જમીનનો અડધાથી ઓછો હિસ્સો હવે સિંચાઈ હેઠળ છે. જૂનથી સપ્ટેમ્બર સિઝન દરમિયાનનો વરસાદ એલપીએના 96-104 ટકા હોય તો ચોમાસું સામાન્ય ગણાય છે. સરેરાશના 90 ટકાથી ઓછો વરસાદ હોય તો ચોમાસું ખાધવાળું ગણાય છે. એલપીએના 105થી 110 ટકા વચ્ચે હોય તો સામાન્યથી વધુ એવું ચોમાસું ગણાય છે. 110 ટકાથી વધુ વરસાદ હોય તો ચોમાસાનો અતિરેક ગણાય છે. આઈએમડી પ્રથમ આગાહી એપ્રિલમાં કરે છે અને પછી જૂન સુધી આગાહીમાં સુધારણા કરે છે.

અલનિનોની શક્યતા નકારાઈ

આ અગાઉ સ્કાયમેટ જેવી ખાનગી હવામાન સંસ્થાએ અલ નિનો પરિબળ સક્રિય થવાની ધારણા હોવાથી ભારતમાં ચોમાસું ખાધ ધરાવતું રહેવાની આગાહી કરી હતી. તે પછી ભારતીય હવામાન વિભાગે અલ નિનોના પરિબળની કોઈ અસર ભારતીય પ્રદેશ ઉપર થવાની શક્યતા નકારી કાઢી હતી અને આઈએમડી દ્વારા આજે કરવામાં આવેલી સર્વપ્રથમ આગાહીમાં પણ જૂનથી અૉગસ્ટ દરમિયાન ભારતમાં અલ નિનોની અસર થવાની શક્યતા નકારી કાઢી છે.

ઉત્તર અને મધ્ય ભારતમાં ગરમીનો પ્રકોપ

દરમિયાન, દેશના ઉત્તર, ઉત્તર-પૂર્વ અને મધ્ય ભારતના અનેક વિસ્તારોમાં આગામી થોડાક દિવસો સુધી અતિશય ગરમી પડવાની આગાહી ભારતીય હવામાન વિભાગે કરી છે. સોમવારે તેલંગણાના અદિલાબાદ જિલ્લામાં રાજ્યમાં સૌથી ઊંચું 44.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

નિઝામાબાદ અને મહેબુબનગરમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે અને બન્નેમાં મહત્તમ 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ત્યાર બાદ રામાગુંડમમાં 43.4 અને મેડકમાં 43.2 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.

હૈદરાબાદમાં તાપમાન વધીને 42.4 ડિગ્રી સેલ્શિયસ થવાથી પ્રતિકુળ સ્થિતિ સર્જાતાં રોજિંદા જીવન પર અસર થઈ હતી.

સમગ્ર ઉત્તર અને મધ્ય ભારતવાસીઓએ અતિશય ગરમીનો સામનો કરવો પડશે અને આગામી થોડાક દિવસો સુધી પરિસ્થિતિમાં ખાસ કોઈ ફેરફાર થવાની શક્યતા નથી.

હવામાન વિભાગ ચોમાસાની હવે આગાહી કરશે. મહત્તમ તાપમાન સામાન્ય કરતાં બેથી ચાર ડિગ્રી વધુ રહેવાની શક્યતા છે અને ઉત્તર તેલંગણાના કેટલાંક સ્થળોએ 42 ડિગ્રી સેલ્શિયસથી વધુ રહેવાની શક્યતા ભારતીય હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer