શૅરબજારમાં વણથંભી તેજી : જોરદાર લેવાલીથી સેન્સેક્ષ નવી ઊંચાઈ પર
વ્યાપાર ટીમ

મુંબઈ, તા. 16 મે

શૅરબજારની તેજી અવિરત ચાલુ રહી છે. એફઆઈઆઈ અને સ્થાનિક નાણાકીય સંસ્થાઓની પાછલા અઠવાડિયે નેટ લેવાલી નોંધાઈ હતી. ઉપરાંત સારા ચોમાસા પર આગાહી સામે ફુગાવો ઘટવાના અહેવાલથી બજારને નવું સટ્ટાકીય ઇંધણ મળ્યું છે. જેથી હેજફંડ અને સ્થાનિક પંટરો હવે કોઈ મોટા વૈશ્વિક કારણ અથવા ઘટના સુધી બજારને ઊંચે જાળવવા સક્ષમ બનશે એમ અનુભવીઓ માને છે. જોકે, શૅરબજારમાં અનેક ફેકટર કાર્યરત હોવાથી નવા અથવા લાંબા ગાળાના રોકાણકારો સમજદારીથી કામ કરી રહ્યાનું ચિત્ર ઊપસે છે. વ્યક્તિગત ટ્રેડિંગ ઘસાયું છે. આજે સેન્સેક્ષ ઓલટાઇમ હાઈ સપાટીએ 268 પોઇન્ટ વધીને 30590 ક્વોટ થઈને આખરે 30582 બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી-50 એ દિવસ દરમિયાન 71 પોઇન્ટ વધીને 9517 ક્વોટ થયા પછી આખરે 9,512નો બંધ આવ્યો છે. આજે બીએસઈ ખાતે મિડકેપ અને સ્મોલકેપ સેન્સેક્ષ અનુક્રમે 0.2 અને 0.4 ટકા સુધારે રહ્યા હતા.

એસબીઆઈ કેપિટલના અંકુર વર્મને જણાવ્યું હતું કે ભારત હવે વૈશ્વિક બજાર સાથે સુસંગતી ધરાવતું સ્થિર અર્થતંત્ર ગણાય છે. આરબીઆઈ સંભવત: વ્યાજદર ઘટાડશે એવી આશાએ બજારમાં તેજીની ગતિ ચાલુ છે.

જીઓજીત ફાયનાન્સિયલના સંશોધન વડા વિનોદ નાયરે જણાવ્યું હતું કે `મુખ્ય અવરોધ પાર કરીને બજારે ગતિ સાધી છે. પરંતુ ટેલિકોમ, ફાર્મા અને દવા ઉદ્યોગના ભાવિ દેખાવની ચિંતા છે.'

આજે તેજીની આગેવાની લેતા સેન્સેક્ષમાં હીરો હોન્ડા મોટોકોર્પ, ટીસીએસ, ભારતી એરટેલ અને આઈટીસી નોંધપાત્ર સુધર્યા હતા. જ્યારે એમ ઍન્ડ એમ, ઓએનજીસી, કોલ ઇન્ડિયા અને અદાણી પોર્ટ સાથે સીપ્લામાં ઘટાડો નોંધાયો હતો. મેટલ શૅરોમાં ઊંચા ભાવે વેચવાલી વધી હતી જ્યારે ટેક્નૉલૉજી, વાહન, રીયલ્ટી ક્ષેત્રના શૅર મુખ્ય રીતે સુધર્યા હતા. એચયુએલમાં 2 ટકા સુધારે ભાવ 1000 વર્ષની ઊંચાઈએ ક્વોટ થયો હતો. આજે અગાઉના નીચા ભાવથી આઈટી સ્ટોકના મુખ્ય તાતા કન્સલટન્સીમાં 2.7 ટકા અને વીપ્રોમાં 1.6 ટકાનો સુધારો થતા બીએસઈ આઈટી ઇન્ડેક્સ 1 ટકા વધ્યો હતો. વ્યક્તિગત શૅરમાં નેટકો ફાર્મા 3.1 ટકા વધ્યો હતો. આરબીઆઈએ કંપનીમાં વિદેશી રોકાણ વધારીને 49 ટકા કરવાની મંજૂરી આપી છે. આજે મુખ્ય ઘટનાર શૅરમાં સન ટીવી, એસ્ટ્રેઝેન્કા ફાર્મા 2 ટકા ઘટયા હતા. અમેરિકાએ આ શૅરને એમએસસીઆઈ ઇન્ડેક્સમાંથી દૂર કરતા શૅર દબાયો હતો.

ઝોટા હેલ્થકેરમાં સુધારો

ઝોટા હેલ્થકેરના શૅરનો ભાવ 1 ટકા સુધારે રૂા. 128.80 બંધ રહ્યો હતો. આજે 38,000 શૅરનું વોલ્યુમ નોંધાવ્યું છે.

વૈશ્વિક બજારોમાં એશિયન શૅરો બે વર્ષની ઊંચાઈએ ક્વોટ થયા હતા. સઉદી અરેબિયા અને રશિયાએ ક્રૂડતેલનું ઉત્પાદન કામ લંબાવવા સંમતિ સાધી છે. જેથી વોલસ્ટ્રીટ સુધર્યું છે. એશિયાના સ્થાનિક બજારોમાં ચીનમાં મિશ્ર અને થાઈલૅન્ડમાં શૅરબજારનો શ્રેષ્ઠ દેખાવ રહ્યો છે. યુરોપિયન બજારમાં કૉર્પોરેટ કમાણી ઢીલી આવી છે. જેથી સ્ટોક્સ 600 0.1 ટકા અને જર્મની ખાતે ડેક્સ સ્થિર રહેવા સાથે એફટીએસઈ 100 0.2 ટકા સુધર્યો હતો. હૉંગકૉંગ બજાર બે વર્ષની ઊંચાઈએ વધ્યું હતું. એશિયા પેસીફીક શૅરનો એમએસસીઆઈ ઇન્ડેક્સ સ્થિર હતો.