જીએમ રાયડાને મંજૂરી આપવા સામે ખેડૂત સંસ્થાનો વિરોધ
જીએમ રાયડાને મંજૂરી આપવા સામે ખેડૂત સંસ્થાનો વિરોધ નવી દિલ્હી, તા. 16 મે

જીએમ રાયડાના વ્યાપારી ધોરણે ઉત્પાદનની ભલામણ કરનાર જીએમ પાક નિયામક સામે ખેડૂતોની સંસ્થાએ વિરોધ નોંધાવ્યો છે. 

ઓલ ઇન્ડિયા કિસાન સભા (એઆઇકેએસ)એ જીએમ રાયડાની આરોગ્ય અને પર્યાવરણ ઉપર અસર અંગેની ફરિયાદોનો ઉકેલ ન આવે ત્યાં સુધી તેને મંજૂરી નહીં આપવા સરકારને વિનંતી કરી છે. 

કૃષિ ક્ષેત્રે વૈજ્ઞાનિક રીતે સંશોધિત બિયારણ સામે પોતાનો વિરોધ નથી પરંતુ લોકોના હિતના ભોગે એગ્રો કેમિકલ બિઝનેસ સાથે સંકળાયેલ કોઇ કંપનીને સરકારે ગેરવાજબી ફાયદો ન કરાવવો જોઇએ, એમ એઆઇકેએસે ભારપૂર્વક જણાવ્યું હતું. 

કૃષિ રાજ્ય સરકારોનો વિષય હોવાથી કેન્દ્રે સૌપ્રથમ તેમની સાથે વિચારવિમર્શ કરવો જોઇએ, એવો અનુરોધ પણ એઆઇકેએસે કર્યો હતો.

બાયોટેક રેગ્યુલેટર જેનેટિક એન્જિનિયરીંગ એપ્રૂવલ કમિટી (જીઇએસી)એ ગયા સપ્તાહે પર્યાવરણ મંત્રાલયને જીએમ રાયડાના વ્યાપારી ધોરણે ઉત્પાદનની છૂટ આપવાની ભલામણ કરી હતી. 

જીએમ રાયડાની મંજૂરી આપવા પૂર્વે  ખેડૂતો અને લોકોની તમામ ફરિયાદોનું નિરાકરણ થવું જોઇએ, એવી માગણી એઆઇકેએસે કરી હતી. 

જીઇએસીએ જીએમ રાયડાના વ્યાપારી ઉત્પાદનને મંજૂરી આપવા કેન્દ્ર સરકારને કરેલી ભલામણ ચિંતાનો વિષય છે, એમ  એઆઇકેએસના મહામંત્રી એચ.મુલ્લા અને પ્રમુખ અમર રામે સંયુક્ત નિવેદનમાં કરી હતી. 

તેમણે  કહ્યું હતું કે જીએમ રાયડો રાસાયણિક રીતે પરિવર્તિત કરાયેલો પાક હોવાથી વિપુલ પ્રમાણમાં વનસ્પતિનાશક રસાયણોને શોષી શકે છે, જે નકામા છોડને કાબુમાં રાખવા વપરાય છે. જીઇએસીએ જીએમ રાયડામાં ગ્લુફોસાયનેટના પ્રમાણ, આવશ્યક સુરક્ષાના પગલાં અને પર્યાવરણ અને લોકોના આરોગ્ય પર તેની અસર સહિતની જરૂરી માહિતી પૂરી પાડી નથી. જીએમ પાકથી દેશી જાતો નાશ પામશે અને આ પાકના બિયારણ અને ખાતર વિદેશી કંપનીની ઇજારાશાહી સ્થાપશે, એમ તેમણે ઉમેર્યું હતું.