ગુજરાતમાં પાણીની ખેંચ છતાં ઉનાળુ વાવેતર વધ્યું

ગુજરાતમાં પાણીની ખેંચ છતાં ઉનાળુ વાવેતર વધ્યું
કુલ વાવેતર નવ ટકા વધારે: ડુંગળીમાં મંદી છતાં ઊંચું વાવેતર

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ.તા. 16 મે

ચોમાસું સારું નીવડવા છતાં ઘણા વિસ્તારોમાં પાણીની તંગી સર્જાઇ ગઇ છે. છતાં ઉનાળુ વાવેતરને ઉની આંચ નથી આવી એવું ગુજરાત સરકારના કૃષિ વિભાગનું કહેવું છે. ઉનાળુ પાક બજારમાં આવવા  આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારના વાવેતરના અંતિમ આંકડાઓ બહાર આવ્યા છે. સરકારી ચોપડે ડાંગર, મકાઇ, મગફળી અને ડુંગળીના વિસ્તારમાં વૃધ્ધિ થવાને લીધે કુલ વાવેતર વિસ્તાર 9 ટકા જેટલો વધીને 8.30 લાખ હેક્ટર સુધી પહોંચ્યો છે. જે ગયા વર્ષમાં 7.58 લાખ હેક્ટર રહ્યો હતો.

ગુજરાતમાં વાવેતર એપ્રિલ મહિનાના છેલ્લાં અઠવાડિયામાં આટોપાઇ ગયું હતુ.  હવે તો પાક બજારમાં આવવાની તૈયારીમાં છે. સરકારી ચોપડે તેલિબિયાંમાં મગફળીનું વાવેતર 69,700 હેક્ટરમાં દર્શાવાયું છે. જે ત્રણ વર્ષની સરેરાશ 66,300 હેક્ટર કરતા વધારે છે. જોકે વેપારીઓ અને અભ્યાસુઓના મતે પાક ઓછો છે. કદાચ ગયા વર્ષ કરતા પણ ઓછી આવકો થાય એમ છે. બજારની ધારણા 1 લાખ ટન આસપાસના પાકની પ્રાથમિક ધોરણે બંધાઇ છે.

તલના ભાવ ઉંચા રહેવાથી ગયા વર્ષની તુલનાએ વાવેતર સાધારણ વધીને 21400 હેક્ટર સુધી પહોંચ્યું છે. જોકે સરેરાશ 69 હજાર હેક્ટરમાં વાવણી થાય છે, તેની તુલનાએ ફક્ત 31 ટકા વાવેતર છે.

ડુંગળીમાં કારમી મંદી છે. છતાં વાવેતર 14,200 હેક્ટરમાં કૃષિ વિભાગે આંક્યું છે. જે સામાન્ય રીતે 10,300 હેક્ટર આસપાસ રહેતું હોય છે. જોકે ખેડૂતોનો રસ ડુંગળીના વાવેતરમાંથી સાવ ઉડી ગયો છે.

ધાન્ય પાકોમાં ડાંગરનો વિસ્તાર 80 ટકા વધીને 56,100 હેક્ટર થઇ ગયો છે. સામાન્ય વાવેતર 31,400 હેક્ટરમાં રહેતું હોય છે. બાજરીનો વિસ્તાર 2.83 લાખ હેક્ટરની સરેરાશ સામે 2.53 લાખ હેક્ટર થયો છે. મગનું વાવેતર સામાન્ય ઘટાડા સાથે 32,600 હેક્ટર અને અડદનું 9000 સામે 8400 હેક્ટરમાં રહ્યું છે. 

ગુજરાતમાં શેરડીનું વાવેતર ફક્ત દક્ષિણ ગુજરાતમાં થઇ શક્યું છે. સૌરાષ્ટ્રમાં પાણીની અછતથી વાવેતર નહીંવત છે. ચાલુ વર્ષે 13,800 હેક્ટરમાં શેરડી વવાઇ છે. ગયા વર્ષમાં 3200 હેક્ટરનું વાવેતર હતુ. જોકે સામાન્ય રીતે 54 હજાર હેક્ટરમાં વાવેતર થતું હોય છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer