ડિસેમ્બર સુધીમાં આર્થિક વિકાસદર વધીને 7.9 ટકા થશે : મોર્ગન સ્ટેનલી
ડિસેમ્બર સુધીમાં આર્થિક વિકાસદર વધીને 7.9 ટકા થશે : મોર્ગન સ્ટેનલી નવી દિલ્હી, તા. 16 મે

ભારતીય અર્થતંત્ર ઉત્પાદક વૃદ્ધિના તબક્કામાં પ્રવેશી રહ્યું છે. અનુકૂળ વિદેશી માગ, કોર્પોરેટ બેલેન્સ શીટમાં સુધારો અને ખાનગી રોકાણમાં વધારાના પગલે ડિસેમ્બર સુધીમાં વાસ્તવિક જીડીપી વૃધ્ધિદર 7.9 ટકા સુધી વધી શકે છે, એવો અહેવાલ છે.

ઉત્પાદક વૃદ્ધિનો તબક્કો એટલે એવો સમય જ્યારે અર્થતંત્ર વિકસે છે અને સાતત્યપૂર્ણ વિકાસનો પાયો રચાય છે, પણ બૃહદ પરિમાણો સ્થિર રહે છે.

 મોર્ગન સ્ટેનલીની સંશોધનનોંધ અનુસાર, વિકાસદર ઊંચે જશે અને આગામી ત્રણ ત્રિમાસિકમાં એક ટકા જેટલો વધશે. મોર્ગન સ્ટેનલીની ધારણા અનુસાર વિકાસ આ વર્ષના બીજા ત્રિમાસિકથી વેગ પકડશે અને હાલના સાત ટકાથી વધીને ડિસેમ્બર 2017 સુધીમાં 7.9 ટકા જેટલો થશે. આ સુધારા  પાછળ  ત્રણ પરિબળોનું પીઠબળ હશે. વિદેશી માગનું વાતાવરણ વિકાસ માટે અનુકૂળ હશે, કોર્પોરેટ સરવૈયા સુધરવાના શરૂ થઈ ગયા છે અને ખાનગી ક્ષેત્રના મૂડીરોકાણનું ચક્ર માર્ચ 2018 સુધીમાં ફરી શરૂ થશે.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જીએસટીના અમલીકરણથી વૃદ્ધિના માર્ગમાં અવરોધ ઊભા થવાની શક્યતા નથી. 

``વાસ્તવમાં, મધ્યમ ગાળામાં જીએસટીના અમલીકરણથી ઉત્પાદનનાં સાધનોની બહેતર ફાળવણીના પગલે કાર્યદક્ષતા વધશે. જીએસટીથી રાષ્ટ્રીય આવકના વિકાસદરમાં મધ્યમ ગાળામાં 0.50 ટકા જેટલો વધારો થઇ શકે છે, એમ પણ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. 

શૅરબજારની હાલની સપાટીમાં આ ઉજળા સંયોગોનું પ્રતિબિંબ પડતું નથી. તેથી બજાર વધતું રહેશે. નાણાકીય ક્ષેત્રના અને વિવેકાધીન ક્ષેત્રના શૅરો ખરીદવા શ્રેષ્ઠ રહેશે, એમ મોર્ગન સ્ટેનલીએ જણાવ્યું હતું.