બીટી અને અન્ય કપાસિયાની ભેળસેળ બદલ 17 બિયારણ કંપનીઓનાં લાઈસન્સ સસ્પેન્ડ

બીટી અને અન્ય કપાસિયાની ભેળસેળ બદલ 17 બિયારણ કંપનીઓનાં લાઈસન્સ સસ્પેન્ડ
મુંબઈ, તા. 16 મે

જેનેટિકલી મોડિફાઇડ (બીટી) કપાસિયાના વેચાણ બદલ 17 બિયારણ કંપનીઓનાં લાઈસન્સ મહારાષ્ટ્ર સરકારે ગત સપ્તાહે રદ કર્યાં છે. આનું કારણ એ છે કે 2016ના મે-જુલાઇમાં નોન-બીટી હાઇબ્રિડ્સ કે રિફ્યુજીઆના બિયારણના નમૂનાઓમાં બીટી કપાસિયાની હાજરી જણાઇ હતી.

મહારાષ્ટ્ર રાજ્યમાં બીટી કપાસિયાની જરૂરિયાતનો 70 ટકા હિસ્સો આ કંપનીઓ પૂરો પાડે છે. મહારાષ્ટ્રમાં આવા બિયારણના 450 ગ્રામનું એક એવા 1 કરોડ પૅકેટ દર વર્ષે વેચાય છે. જેની કિંમત રૂા. 800 કરોડ થવા જાય છે.

આ આદેશ કૃષિ નિર્દેશક (આઇ ઍન્ડ ક્યૂ સી), કૃષિ આયુક્ત-પુનાએ બહાર પાડયો હતો.

બિયારણ કંપનીઓએ સરકારની બિયારણ પરીક્ષણ લૅબોરેટરીના અહેવાલ સામે વાંધો ઉઠાવ્યો છે અને નમૂનાઓને કાયદા હેઠળ નોટિફાઇડ થયેલી રેફરલ લૅબોરેટરીમાં મોકલવાની માગણી કરી છે, જે સંભવત: નાગપુરસ્થિત સેન્ટ્રલ ઇન્સ્ટિટયૂટ અૉફ કૉટન રિસર્ચ હોઇ શકે છે. આ કંપનીઓનું કહેવું છે કે તેમની અગાઉની રજૂઆત તરફ સરકારે 9 મહિના સુધી આંખ મીચામણાં કર્યાં હતાં. આ વર્ષના ખરીફ વેચાણ માટે બજારમાં રવાનગી માટે બીટી અને નોન-બીટી બંને બિયારણ તૈયાર હતાં ત્યાં સુધી સરકાર ઊંઘતી રહી હતી.

નેશનલ સીડ ઍસોસિયેશન અૉફ ઇન્ડિયાએ એવો આક્ષેપ કર્યો છે કે 9 મહિના પૂર્વે જે લૅબોરેટરીના પરીક્ષણ વિશે શંકા વ્યક્ત કરાઇ હતી તે લૅબોરેટરીના અહેવાલના આધારે આ પગલું લેવાયું છે.

બીટી સીડ બિઝનેસ માત્ર છ સપ્તાહ જ ચાલે છે. આથી ઍસોસિયેશને કેન્દ્ર સરકારને આમાં તાત્કાલિક મધ્યસ્થી કરવા જણાવ્યું છે. તેના મતે હલકી ગુણવત્તાના બિયારણના પૅકિંગ માટે કંપનીઓને જવાબદાર ઠેરવી ન શકાય.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer