જીએસટીથી કન્સાઇન્મેન્ટ, ફોરવર્ડિંગ કરનારા અને મર્ચન્ટ એક્સપોર્ટરોને ખતરો

જીએસટીથી કન્સાઇન્મેન્ટ, ફોરવર્ડિંગ કરનારા અને મર્ચન્ટ એક્સપોર્ટરોને ખતરો
અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 16 મે

ગુડ્ઝ એન્ડ સર્વિસીસ ટૅક્સ (જીએસટી) કન્સાઇન્મેન્ટ ધોરણે અને ક્લિયારિંગ- ફોરવર્ડિંગનું કામકાજ કરનારાઓના ધંધા નામશેષ થઇ જવાની શક્યતા છે.   

જીએસટીના પ્રસ્તાવિત કાયદામાં પ્રિન્સિપાલ અને તેના એજન્ટને અલગ હસ્તીઓ ગણવામાં આવ્યા હોવાથી પ્રિન્સિપાલ તરફથી એજન્ટને વેચવા માટે મળેલો માલ તેમ જ એજન્ટે પ્રિન્સિપાલ વતી ખરીદીને વેચેલો માલ `િડમ્ડ સપ્લાય` તરીકે લેખાશે અને તેના પર એજન્ટે ટૅક્સ ભરવો પડશે. આ સંજોગોમાં કન્સાઇન્મેન્ટ ધોરણે અને ક્લિયારિંગ-ફોરવર્ડિંગનું કામકાજ કરનારા તેમ જ મર્ચન્ટ એક્સપોર્ટરો માટે ધંધામાં ટકી રહેવું અસંભવ બની જશે એમ એડવોકેટ શૈલેષ શેઠે જણાવ્યું હતું. પ્રસ્તુત જોગવાઇથી ઔષધ, રસાયણ અને ધાતુઓના ધંધામાં દુ:સ્વપ્ન સમાન હિસાબી ગૂંચવણો સર્જાશે એવી ચેતવણી પણ તેમણે આપી હતી.  

`જીએસટી--નવી ક્ષિતિજો, નવા પડકારો` વિષે 'જન્મભૂમિ' અને 'વ્યાપાર' પત્રો, મરોલ ઈન્ડસ્ટ્રિઝ ઍસોસિએશન અને સિનિયર સિટિઝન્સ સાન્તાક્રુઝ (પશ્ચિમ) દ્વારા અત્રે યોજાયેલા સેમિનારને સંબોધતા શેઠે જણાવ્યું હતું કે જીએસટીથી કરવેરા-ઉપર-કરવેરાનું અનિષ્ટ નાબૂદ થશે, ઉદયોજકો અને વેપારીઓએ અનેક સત્તાવાળાઓ સાથે કામ પાડવું મટશે, નિકાસને પ્રોત્સાહન મળશે અને તમામ ચીજવસ્તુઓ અને સેવાઓ માટે એક દેશવ્યાપી મજિયારી બજાર નિર્માણ થશે. પરંતુ કરચોરી અટકાવવા માટે જે માળખું તૈયાર કરાયું છે તે પ્રામાણિક કરદાતા માટે પારાવાર અડચણો પેદા કરનારું છે. ખાસ કરીને સૂક્ષ્મ, નાના અને મધ્યમ ક્ષેત્રના વેપારીઓ, કારખાનેદારો અને ધંધાદારીઓ માટે જીએસટીના કાયદાનું પાલન ખર્ચાળ તેમ જ મહેનત અને મગજમારી કરાવનારું બની રહેશે. કરદાતાઓમાં તેમની સંખ્યા ઘણી મોટી છે અને તેમના સહભાગ વગર આ સુધારો સફળ થવો મુશ્કેલ છે.  

જીએસટી હેઠળ વેચનાર અને ખરીદનાર પાર્ટીનાં ઈન્વોઈસ સામસામા સરખાવવાના નિર્ણયની આકરી ટીકા કરતાં શેઠે કહ્યું કે આનાથી હિસાબી વ્યવસ્થા પર પ્રચંડ બોજો આવશે અને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો પ્રવાહ રૂંધાશે. પ્રાયોગિક ધોરણે ઈન્વોઈસ માચિંગની ચકાસણીનાં પરિણામો પ્રોત્સાહક નથી. જ્યાં જીએસટી છે તે કોઈ દેશમાં ઈન્વોઈસ માચિંગની પ્રથા નથી. ચીન, બ્રાઝિલ અને દક્ષિણ કોરિયાએ આનો અખતરો કરીને તે વિચાર પડતો મુક્યો હતો.    

જીએસટીની આવશ્યકતા સમજાવીને તેનાં મહત્ત્વનાં પાસાંની આંટીઘૂંટી અને બારીકીઓ વિશે વિગતવાર સમજ આપતાં શેઠે કહ્યું હતું કે આ ધરખમ પડકાર વિષે વેપારી સમાજમાં હજુ પૂરતી જાગૃતિનો જાણકારીનો અભાવ દેખાય છે જે મુસીબત નોતરી શકે. પડશે તેવા દેવાશેની મનોવૃત્તિ ઘાતક બની રહેશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer