પી. ચિદમ્બરમ અને લાલુપ્રસાદને ત્યાં તપાસ સંસ્થાઓના દરોડા

પી. ચિદમ્બરમ અને લાલુપ્રસાદને ત્યાં તપાસ સંસ્થાઓના દરોડા
નવી દિલ્હી/ચેન્નઈ, તા. 16 મે

2007ના વર્ષમાં આઈએનએક્સ મીડિયા કંપનીને વિદેશી રોકાણની મંજૂરી આપવામાં કહેવાતા પક્ષપાત અંગે સીબીઆઈએ આજે કેન્દ્રના ભૂતપૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ સાથે સંબંધિત અનેક સ્થળોએ દરોડા પાડયા હતા.

આવકવેરા વિભાગે રૂા.1,000 કરોડના બેનામી સોદાના કેસમાં આજે રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ અને અન્યો પર દિલ્હી અને આસપાસનાં 22 જેટલાં સ્થળોએ દરોડા પાડયા હતા.

ચેન્નઈમાં પી. ચિદમ્બરમના નૂંગમબક્કમ નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા છે, એમ ચેન્નઈમાં એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. મુંબઈ, દિલ્હી, ચેન્નઈ અને ગુરગાંવમાં દરોડા પાડવામાં આવ્યા હતા, એમ દિલ્હીમાં સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

ચિદમ્બરમ 2007માં નાણાપ્રધાન હતા ત્યારે આઈએનએસ મીડિયાના ડિરેક્ટર્સ ઇન્દ્રાણી મુખરજી અને પીટર મુખરજી સંચાલિત આઈએસએક્સ મીડિયાને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (એફઆઈપીબી)ની મંજૂરી આપવામાં કહેવાતી ગેરરીતિનો કેસ સીબીઆઈએ ગઈકાલે નોંધાવ્યો હતો.

ડિરેક્ટર ઇન્દ્રાણી મુખરજી, પીટર મુખરજી (આઈએનએક્સ મીડિયા), કાર્તિ ચિદમ્બરમ, ચેસ મૅનેજમેન્ટ સર્વિસીસ (કાર્તિની કંપની), ડિરેક્ટર પદમા વિશ્વનાથન (એડવાન્ટેજ સ્ટ્રેટેજીક કન્સલટીંગ લિમિટેડ) વિરુદ્ધ સીબીઆઈએ કેસ નોંધ્યો છે. આ દરોડા અંગે પ્રત્યાઘાત આપતા ચિદમ્બરમે આક્ષેપ કર્યો હતો કે મારા પુત્રને લક્ષ્ય બનાવવા સીબીઆઈ અને અન્ય એજન્સીઓનો ઉપયોગ સરકાર કરી રહી છે. એફઆઈપીબીની મંજૂરી `સેંકડો કેસો'માં આપવામાં આવી હતી.

સીબીઆઈના આક્ષેપ અનુસાર તપાસમાંથી કંપનીને ઉગારવામાં મદદ કરવા નાણાં મંત્રાલયમાં પોતાની વગનો ઉપયોગ કાર્તિ ચિદમ્બરમે કર્યો હતો.

ત્રણ બિનનિવાસી કંપનીઓ ડજઅર્ન, એનએસઆર પીઈ અને ન્યૂ વેરોન પ્રાઇવેટ ઇક્વિટી લિમિટેડને 14.98 લાખ ઇક્વિટી શૅર્સની પ્રેફરન્સિયલ ફાળવણી દ્વારા રકમ ઊભી કરવા 2007ના 13મી માર્ચે એફઆઈપીબીની મંજૂરી આઈએનએફ મીડિયાએ માગી હતી.

એફઆઈપીબી યુનિટે આ દરખાસ્ત સંક્ષિપ્તમાં એફઆઈપી બોર્ડની 2007ના 18મેની નિર્ધારિત બેઠક માટે મોકલી હતી. જોકે તેણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રૂા. 4.62 કરોડની વિદેશી રોકાણની દરખાસ્તને માન્ય રાખી શકાય અને આઈએનએક્સ ન્યૂઝમાં રોકાણ માટે એફઆઈબીપીની અલગ મંજૂરીની આવશ્યકતા રહેશે.

ભલામણોનું ઉલ્લંઘન કરીને આ કંપનીએ આઈએનએક્સ ન્યૂઝમાં 26 ટકાનું રોકાણ કર્યું હતું અને તેમાં વિદેશી રોકાણનો સમાવેશ થતો હતો. આઈએનએક્સ મીડિયાને વિદેશી રોકાણકારોને શૅર આપીને માત્ર રૂા. 4.62 કરોડની રકમ ઊભી કરવા મંજૂરી અપાઈ હતી તે સામે તેણે શૅરદીઠ રૂપિયા 800 લઈને રૂા. 305 કરોડ ભેગા કર્યા હતા, એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

આવકવેરા ડિપાર્ટમેન્ટની ઇન્વેસ્ટીગેશન વિંગે 2008ના વર્ષમાં આ બાબતે કંપની પાસે સ્પષ્ટતા માગી હતી. જવાબમાં કંપનીએ જણાવ્યું હતું કે ભલામણ અનુસાર રોકાણ મેળવાયું છે. શિક્ષાત્મક પગલાં વિના આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી જવાના પ્રયાસમાં કંપનીએ પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ સાથે ગુનાહિત કાવતરું કર્યું હતું, એવો આક્ષેપ એફઆઈઆરમાં કરવામાં આવ્યો હતો.

કાર્તિની વગને કારણે બંને ગુના અંગે આઈએનએસ મીડિયાના પક્ષે અધિકારીઓએ ગંભીર ગેરકાયદેસરપણા અંગે ઉપેક્ષા કરી હતી અને તેમના સત્તાવાર હોદ્દાના દુરુપયોગ દ્વારા આઈએનએક્સ ગ્રુપની ઇરાદાપૂર્વક અનિચ્છનીય તરફેણ કરી હતી અને કંપનીને નવેસરથી મંજૂરી માટે વિનંતી કરવા જણાવ્યું હતું.

એફઆઈબીપીની મંજૂરી વિના કંપની દ્વારા આ રોકાણ કઈ રીતે મેળવાયું તે બાબતે તપાસ કરવા મહેસૂલ ડિપાર્ટમેન્ટની વિનંતીની એફઆઈપીબી યુનિટના અધિકારીઓએ ઉપેક્ષા કરી હતી.

એફઆઈપીબીના અધિકારીઓની સલાહ અનુસાર કંપનીએ નવેસરથી વિનંતી કરી હતી અને તે સમયનાં નાણાં મંત્રાલય તથા નાણાપ્રધાને તેને મંજૂરી આપી હતી.

લાલુપ્રસાદ સંબંધી દરોડા વિશે આવકવેરા ખાતાના અધિકારીઓએ જણાવ્યું હતું કે વિભાગે વહેલી સવારે દિલ્હી, ગુરગાવ, રેવરી અને અન્ય સ્થળોના મુખ્ય વેપારીઓ અને રિયલ એસ્ટેટ એજન્ટો પર દરોડા પાડયા હતા.  રાષ્ટ્રીય જનતા દળના સંસદ સભ્ય પી. સી. ગુપ્તાના પુત્ર અને અન્ય વેપારીઓની પણ તપાસ કરવામાં આવી હતી. જ્યારે બાર સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યારે બીજી દસ અૉફિસોમાં પણ આવક-વેરા વિભાગ દ્વારા સર્વે કરાયો હતો. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, રૂા.1000 કરોડના જમીનના બેનામી સોદા અને કરચોરીના આરોપો હોવાથી આ સોદા સાથે સંકળાયેલા લોકો, વેપારીઓ, લાલુ પ્રસાદ અને તેમના કુટુંબની તપાસ કરવામાં આવી રહી છે. આ દરોડામાં 100 જેટલા કર વિભાગના અધિકારી અને પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો હતો. 

લાલુ પ્રસાદ, તેમનાં સાંસદ પુત્રી મીસાભારતી અને તેમના બંને પુત્ર (જે બિહાર સરકારમાં પ્રધાન છે) પર ભાજપે ગયા અઠવાડિયે રૂા.1,000 કરોડના ભ્રષ્ટ જમીનના સોદા કરવાનો આરોપ મૂક્યો હતો અને કેન્દ્ર સરકારને દિલ્હીમાં થયેલા આ પ્રકારના એક જમીનના વ્યવહારમાં બારીક તપાસ કરવા માટે વિનંતી કરી હતી. 

કેન્દ્રીય પ્રધાન રવિ શંકર પ્રસાદે કહ્યું કે આ વ્યવહારો  લાલુ પ્રસાદ રેલવે પ્રધાન હતા તે સમયના હોવાથી  `સોદાબાજી'ની શક્યતા છે. તેમણે બિહારના મુખ્ય પ્રધાન નીતિષ કુમારને આ અંગે પગલાં લેવા માટે પડકાર ફેંક્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer