શૅરોમાં તેજી અટકી : નિર્દેશાંકોમાં મામૂલી ઘટાડો
વ્યાપાર ટીમ

મુંબઈ, 14 જુલાઇ

શૅરબજાર આજે સતત તેજી પછી થાક ખાતું જણાયું હતું. ગઇકાલે સૌથી ઊંચી સપાટીમાં બંધ પછી શરૂઆતમાં એનએસઇ ખાતે નિફટી-50 9913 ખૂલ્યા પછી સળંગ ઘટીને 9845 ક્વૉટ થયા પછીનું ટ્રેડિંગ રેન્જ બાઉન્ડ જણાયું હતું. પરંતુ છેલ્લા કલાકમાં સટ્ટાકીય વેચાણ કપાતાં બજારનો નિફટી ટ્રેડિંગ અંતે 9886 બંધ હતો, જે ગઇકાલના બંધથી થોડો નીચો છે. બીએસઇ ખાતે સેન્સેક્ષ પણ ગઇકાલની વિક્રમી ઊંચાઇ પછી આજે 16 પૉઇન્ટ ઘટાડે 32020 બંધ રહ્યો હતો. ટીસીએસ અને ઇન્ફોસીસનાં નબળાં પરિણામ વચ્ચે ટેક ક્ષેત્રનો સેન્ટીમેન્ટ થોડો દબાણમાં આવે તેમ જણાય છે, એમ નિષ્ણાતો માને છે. જેથી અગાઉના સતત ચાર સેશન્સમાં સેન્સેક્ષ સળંગ 677 પૉઇન્ટ સુધર્યા પછી અઠવાડિયાના છેલ્લા દિવસે થોડો દબાણમાં બંધ હતો.

મુખ્ય શૅરોમાં એનએસઇ ખાતે ગેઇલ 4.92 ટકા, એસીસી 3.03 ટકા, એનટીપીસી 2.07 ટકા અને ભારતી ઇન્ફ્રાટેલમાં 1.75 ટકાનો સુધારો હતો. જેની સામે ઘટવામાં આઇઓસી  2 ટકા, નબળા પરિણામને લીધે ટીસીએસ 2 ટકા, વિપ્રો 1.59 ટકા, તાતા મોટર્સ 1.69 ટકા અને તાતા મોટર્સ ડી 1.39 ટકા ઘટયા હતા. બીએસઇ સેન્સેક્ષના મુખ્ય શૅરો સેન્ટ્રલ બૅન્ક 5.14 ટકા, ઇન્ડિયન બેન્ક 3.79 ટકા, એચપીસીએલ વધુ 3.52 ટકા અને બાયોકોન 8.88 ટકા વધ્યા હતા. જેની સામે ગ્લેક્સો સ્મિથલાઇન 1.82 ટકા, નાલ્કો 3.78  ટકા અને અદાણી પાવરમાં 1.82 ટકાનો ઘટાડો થયો હતો.

વૈશ્વિક બજારોમાં કેટલાક નિષ્ણાતો થોડા કરેકશનની સંભાવના નિહાળતા હોવાથી ભારતનાં શૅરબજારમાં કેટલાક ક્ષેત્રના નીચા વેલ્યુએશનને લીધે ટૂંકાથી મધ્યમ ગાળા દરમિયાન વિદેશી રોકાણ વધી શકે છે. સ્થાનિકમાં ઘણા ઉદ્યોગોએ પ્રમાણમાં સારી કમાણી દર્શાવી છે. અમેરિકા અને જીએસટીના નવા માળખાના દબાણ છતાં દવા ઉદ્યોગનો દેખાવ સારો હોવાથી મધ્યમ ગાળામાં આ ક્ષેત્રમાં આકર્ષણ જળવાશે, એમ અનુભવીઓ માને છે. આજે વ્યક્તિગત શૅરોમાં અગાઉ મોટા ઉછાળા પછી આજે એયુ સ્મોલ ફાઇનાન્સ, સીડીએસીએલ, હુડકો અને ઓટિસ લાઇફ 5થી 11 ટકા ઘટયા હતા.

વૈશ્વિક બજારોમાં નજીકના ગાળામાં કરેકશનની સંભાવનાથી વિદેશી પોર્ટફોલીઓ રોકાણકારોએ વાહન, તેલ-ગૅસ અને નાણાકીય સેવા ક્ષેત્રના શૅરો પર ધ્યાન કેન્દ્રિત કર્યાના અહેવાલ છે.

અનુભવીઓના માનવા પ્રમાણે આગળ અઠવાડિયા દરમિયાન નિફટી-50માં 9816.50નું સપોર્ટ લેવલ, મહત્ત્વપૂર્ણ સંભવ બનશે. જો આ લેવલ ટકશે તો અગાઉની 10,000ની સંભાવના પુન: 9816 તૂટયા પછી નિફટીમાં કરેકશન વધતાં બજાર આંક મધ્યમ ગાળા દરમિયાન અંદાજે વધુ 70થી 75 પૉઇન્ટ ઘટવાની શક્યતા દર્શાવે છે. જોકે, આગામી સપ્તાહે તેલ-ગૅસ, આઇટી અને બૅન્કિંગ ક્ષેત્રના દેખાવ પછી અૉગસ્ટ મહિના દરમિયાન બજારનું વલણ નક્કી થશે એમ બજાર વર્તુળો માને છે.