નેશનલ ગાર્મેન્ટ ફેરમાં રૂા.750 કરોડનું બુકિંગ મળ્યું
જીએસટીનો હાઉ પોકળ પુરવાર થયો

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 14 જુલાઈ

ધી ક્લોધિંગ મેન્યુફેક્ચરર્સ ઍસોસિયેશન અૉફ ઇન્ડિયા (સીએમએઆઈ)ના ઉપક્રમે તા. 10થી 12 જુલાઈ 2017 દરમિયાન મુંબઈ-ગોરેગામમાં યોજાયેલા 65મા નેશનલ ગાર્મેન્ટ ફેરને ધારણાથી વધુ સારો પ્રતિસાદ મળ્યો છે. આ ફેરમાં રૂા. 750 કરોડ આસપાસનું બુકિંગ થયાનો અંદાજ છે અને આનાથી બમણી ધંધાકીય પૂછપરછ નીકળી છે એમ સીએમએઆઈના પ્રમુખ રાહુલ મહેતાએ જણાવ્યું હતું.

65મા ગાર્મેન્ટ ફેરમાં 45,000 મુલાકાતીઓનું રજિસ્ટ્રેશન થયેલું છે. આ ઉપરાંત આમંત્રિતો, વીઆઈપીઓ, પ્લેટિનમ ડીલરો, મીડિયા વગેરે મળી બીજા 3000 લોકો આ ફેરમાં પધાર્યા હતા. આમ કુલ 48,000 લોકોએ ફેરની મુલાકાત લીધી હતી. આ આંકડો આગલા ફેરના મુકાબલે 20 ટકાનો વધારો દર્શાવે છે.

આ વેળા જીએસટીના કારણે રિટેલરો બુકિંગ ઓછું કરાવશે એવી દહેશત ગાર્મેન્ટ ઉત્પાદકોને હતી પણ આ વેળા ધારણાથી વિરુદ્ધ બધા પ્રદર્શનકારોને સારું બુકિંગ મળ્યું છે.

65મા નેશનલ ગાર્મેન્ટ ફેરની પ્રસ્તુતિ ભૂમિવર્લ્ડ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક (થાણા-ભિવંડી) એ કરી હતી. આ ફેર માટે બૉમ્બે એક્ઝિબિશન સેન્ટર આખે આખું બુક કરાવ્યું હતું. 6 લાખ ચો. ફીટમાં પથરાયેલા આ બીટુબી ફેરમાં 881 સ્ટોલ હતા અને 1005 બ્રાન્ડો પ્રદર્શિત થઈ હતી. પ્રદર્શનકારોની સંખ્યા 822 હતી. સ્ટોલની 4 કેટેગરીમાં મેન્સવેર, વિમેન્સ વેર, કીડ્સવેર અને એસેસરીઝનો સમાવેશ થતો હતો. અત્રે બિઝનેસ નેટવર્કિંગ સેશનનું આકર્ષણ સારું રહ્યું હતું.

આ 65મા નેશનલ ગાર્મેન્ટ ફેરનું ઉદ્ઘાટન તા. 9 જુલાઈના સાંજે કેન્દ્રીય ટેક્સ્ટાઈલ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કર્યું હતું. ગાર્મેન્ટ ફેરની મુલાકાતે પધારનારા ખાસ મુલાકાતીઓમાં ટેક્સ્ટાઈલ કમિશનર કવિતા ગુપ્તા, સંજય લાલભાઈ, કિશોર બીયાની, કૉંગ્રેસના નેતા કૃપાશંકર સિંઘ, તારક મહેતાના ઉલટા ચશ્માં ટીમના અમુક કલાકારો, મહારાષ્ટ્રના પ્રધાનો, બી. એસ. નાગેશ, ગોવિંદ શ્રીખંડે વગેરેનો સમાવેશ થાય છે.

હવે 66મો નેશનલ ગાર્મેન્ટ ફેર તા. 29 અને 30 જાન્યુઆરી 2018માં મુંબઈમાં યોજાશે. 65મા નેશનલ ગાર્મેન્ટ ફેર વેળા મુંબઈ-ગોરેગામના બૉમ્બે એક્ઝિબિશન સેન્ટરમાં થોડીક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી સમસ્યા નડી હતી. આથી 66મા નેશનલ ગાર્મેન્ટ ફેરનું સ્થળ હજી નક્કી કરાયેલ નથી. જાન્યુઆરીનો ફેર નાના પાયે અને બે દિવસ માટે જ યોજાશે.