મુંબઈનાં કાપડ બજારો ચાલુ પણ કામકાજ થતાં નથી : ગ્રે કાપડના ભાવ બોલાતા નથી
ગુડ્સ અને સર્વિસિસ ટૅક્સ (જીએસટી)ના વિરોધમાં દેશભરનાં કાપડ બજારો બંધ છે ત્યારે મુંબઈ કાપડ બજાર ચાલુ છે. મુંબઈના 50 ટકા વેપારીઓએ જીએસટી રજિસ્ટ્રેશન લઈ લીધું છે. આમ છતાં મુંબઈમાં કાપડનાં કામકાજ કે ડિલિવરી થતાં નથી, જોકે, ટેબલવર્ક ચાલુ છે, ડિઝાઇનિંગ ચાલુ છે અને સોદાઓની ચર્ચા ચાલુ છે.

ભિવંડી પાંચ દિવસ બંધ હતું. ભિવંડીની 60થી 70 ટકા લૂમો બંધ છે જ્યારે બાકીની લૂમ ચાલુ છે. કારીગરો તેમના ગામે ચાલ્યા જવાની દહેશત ઊભી થઈ છે.

કૉમ્પોઝીટ મિલો ચાલુ છે પણ ડિલિવરી બંધ છે. આથી પેમેન્ટ અટકયાં છે. આના કારણે મિલોને તા. 10ના પગાર અને તા. 25ના એડવાન્સ આપવામાં મુશ્કેલી નડશે એમ મનાય છે.

લેનાર અને વેચનાર પાસે જીએસટી નંબર ન હોય તેના માલ ટ્રાન્સપોર્ટ કંપનીઓ સ્વીકારતી નથી. આથી ડિલિવરી અને માલની હેરફેર બંધ છે.

કાપડના વેપારીઓ પાસે જે જૂનો સ્ટોક પડયો છે તેના તા. 30 જૂન પહેલાંના બિલો બનાવી તે સ્થાનિકમાં ડિલિવરી કરે છે.

અત્યારે કોઈ સિઝન નથી. ચોમાસાના બે મહિના કાપડ બજાર હંમેશાં ઠંડું રહેતું હોય છે. ગાર્મેન્ટસની બ્રાન્ડમાં `ઍન્ડ અૉફ ધી સિઝન સેલ' અને `મોન્સૂન સેલ'ના 50 ટકા ડિસ્કાઉન્ટના પાટીયાં ચારે બાજુ લાગેલાં છે. આ ડિસ્કાઉન્ટ સેલ તા. 15 અૉગસ્ટ સુધી ચાલશે એવી શક્યતા છે. બાકી મુંબઈમાં તા. 10થી 12 જુલાઈના સીએમએઆઈનો જે નેશનલ ગાર્મેન્ટ ફેર યોજાયો હતો તે ખૂબ સફળ જવાથી અને તેમાં બુકીંગો સારા થવાથી કાપડ બજારમાં આશા વધી છે.

મુંબઈમાં ત્રણ ટકા અૉક્ટ્રૉય ડયૂટી નીકળી ગઈ છે. વળી કોટન યાર્ન પર 5 ટકા જીએસટી લાગુ થયો છે. જેની ઇનપુટ ક્રેડિટ કાપડવાળા લઈ શકશે. આથી કાપડ બે ટકા જેટલું સસ્તું થશે.

દેશમાં પાવરલૂમ ક્ષેત્ર બંધ જેવી સ્થિતિમાં હોવાથી યાર્નનો વપરાશ ઘટી ગયો છે. આથી સ્પિનિંગ મિલોએ યાર્નનું ઉત્પાદન ઘટાડી નાખ્યું છે. સુરત બંધ હોવાથી રિલાયન્સના યાર્નનો વપરાશ 70 ટકા જેટલો ઘટી ગયો છે.

અમદાવાદના પ્રોસેસ હાઉસો અને મિલો અગાઉ `જગ્યા નથી' કહી નવું કામ સ્વીકારતા નહોતા પણ અત્યારે તેઓ સેમ્પલો લઈ દેશાવરોમાં બુકિંગ માટે નીકળી પડયા છે. કાપડની મોટા ભાગની મંડીઓ બંધ છે જ્યારે મુંબઈ ચાલુ હોવાથી અને મુંબઈએ જીએસટી અપનાવી લીધા હોવાથી અમદાવાદવાળાઓએ મુંબઈમાં ધામા નાખ્યા છે.