ગુજરાતમાં સાર્વત્રિક વરસાદથી ખરીફ વાવેતરને લાભ
ગુજરાતમાં વાવેતર 50 ટકા વધ્યું, કપાસ, મગફળી અને કઠોળના વાવેતરમાં વૃદ્ધિ

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 14 જુલાઈ

ગુજરાતમાં ખરીફ વાવેતર પાછલા વર્ષની તુલનાએ પચ્ચાસ ટકા વધારે થયું છે. જૂનના આરંભે જ વાવણીલાયક વરસાદ પછી 10 જુલાઇ સુધીમાં 24.66 લાખ હેક્ટર વિસ્તાર ચોમાસુ પાકો હેઠળ આવી ગયો છે. વાવેતર પછી નિરંતર અને સાર્વત્રિક સારો વરસાદ પડયો છે એટલે પાક માટે ઊજળું ચિત્ર ઊપસી રહ્યું છે. 

ખેતીવાડી ખાતાના અંદાજ પ્રમાણે ગયા વર્ષમાં આ સમયે ફક્ત 16.48 લાખ હેક્ટરમાં વાવણી હતી. એ સામે આ વર્ષે મગફળી, કપાસ અને કઠોળ જેવા પાકો તરફ ખેડૂતોનો ઝોક સારો છે એ કારણે વાવણી વધારે છે.

ગુજરાતમાં જૂનના અંતે સાર્વત્રિક તો ક્યાંક ભારે વરસાદ થયો હતો. ભારે વરસાદવાળા વિસ્તારોમાં થોડી ઘણી નુક્સાની પણ ગઇ હતી. જોકે, ખેડૂતોને ફેર વાવણી માટે પૂરતો સમય મળી જતાં હાલ તો ક્યાંય મુશ્કેલી નથી. ઊભા પાક માટે લાભદાયક વરસાદ છેલ્લા બે દિવસથી ફરી શરૂ થયો છે એટલે ખેડૂતોના મુખ પર લાલી છવાઇ ગઇ છે. બચેલા અને વરસાદ ન પડયો હોય તેવા વિસ્તારમાં પણ હવે વાવણી થઇ જશે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 20 લાખ હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે. ગત વર્ષમાં 13.65 લાખ હેક્ટર વિસ્તાર હતો. મગફળીનું 10.10 સામે 12.87 લાખ હેક્ટરમાં વાવેતર છે. આ વર્ષે મગફળીનો વિસ્તાર અંદાજે 17 લાખ હેક્ટર સુધી પહોંચી શકે છે. 

તલનું વાવેતર આરંભે ઘટે તેમ જણાતું હતું, પણ અત્યાર સુધીમાં 39,600 હેક્ટરમાં વાવેતર થઇ ગયું છે. ગયા વર્ષમાં 23,400 હેક્ટરમાં હતું. એરંડાનું 200 સામે 10,400 હેક્ટરમાં વાવેતર છે.

કઠોળનું કુલ વાવેતર 2.36 લાખ હેક્ટરમાં થઇ ચૂક્યું છે. પાછલી સિઝનમાં 1.32 લાખ હેક્ટરમાં વાવણી થઇ હતી. તુવેરમાં મંદી છતાં સૌથી વધારે વાવેતર છે. અત્યાર સુધીમાં 1.49 લાખ હેક્ટરમાં તુવેરની રોપણી થઇ છે. પાછલી સિઝનમાં રેકર્ડબ્રેક વાવેતર હતું છતાં 89 હજાર હેક્ટર વિસ્તાર સરકારી ચોપડે છે. આ વર્ષે તુવેરનો વિસ્તાર અઢી લાખ હેક્ટર થઇ જાય એવી ધારણા છે.

મગની વાવણી 9300 સામે 32,800 અને મઠનું 1500 સામે 5700 હેક્ટર તથા અડદનું 31,100 સામે 45,700 હેક્ટરમાં વાવેતર થયું છે.