ગુજરાતભરના માર્કેટ યાર્ડ સોમવારથી ધમધમશે

કમિશન એજન્ટો જીએસટી વિભાગની સ્પષ્ટતા પછી માની ગયા 

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા.14 જુલાઈ

પંદર દિવસથી ચાલતી માર્કેટયાર્ડઝના કમિશન એજન્ટોની હડતાળનો સુખદ અંત આવવાથી હવે સોમવારથી સૌરાષ્ટ્ર તથા ગુજરાતના તમામ યાર્ડો ખૂલી જશે. આમ જીએસટી લાગુ થયા પછી પ્રથમ વખત હરાજીનો શુભારંભ કરવામાં આવશે.

માર્કેટ યાર્ડઝના આગેવાનો, કમિશન એજન્ટો અને વેપારીઓને કનડતા મુદ્દાઓની જીએસટી વિભાગ સાથે સ્પષ્ટતા થઇ ચૂકી છે, તેમ રાજકોટ માર્કેટ યાર્ડ કમિશન એજન્ટના પ્રમુખ અતુલભાઇ કમાણીએ કહ્યું હતું.  અમદાવાદમાં ચાલુ સપ્તાહમાં જીએસટી કરભવન ખાતે જીએસટીના પી.ડી. વાઘેલા સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. એમાં આશરે સાડા ત્રણ કલાક સુધી મુશ્કેલીભર્યા પ્રશ્નોની ચર્ચા થઇ હતી.

જીએસટી વિભાગના અધિકારીઓએ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવી દેતા હવે માર્કેટિંગ યાર્ડો ખૂલી જશે. કમિશન એજન્ટો અને વેપારીઓને નવી બિલ બુક વગેરે સાહિત્ય બનાવવાનું બાકી હોવાને લીધે હરાજી તત્કાળ શરું થઇ નથી પરંતુ સોમ કે મંગળવારે રાબેતા પ્રમાણે યાર્ડો ધમધમતા થઇ જશે. એ પૂર્વે સોમવારે ઊંઝા માર્કેટ યાર્ડ શરુ થઇ ગયું છે પણ અપૂરતી આવકો થઇ રહી છે. ગુજરાતના અન્ય યાર્ડો પણ હજુ શરુ થયા નથી. જોકે, નવા સપ્તાહથી યાર્ડઝ ફરી ધમધમશે.

કમિશન એજન્ટો પર અગાઉ 18 ટકા જીએસટી લાગે છે તેવી ભ્રમણા હતી પણ વેટની માફક પાંચ ટકા જ વેરો ભરવાનો છે અને માત્ર પ્રક્રિયા જુદી છે એવું એજન્ટોને સમજાવવામાં આવ્યું હતુ. ખેડૂત માલ પડયો રહે અને પછી વેંચાય તો ડબલ રિવર્સ ચાર્જ લાગે તેવો ભય હતો. પ્રથમ વખત જીએસટી લાગે એ જ લાગશે એવી સ્પષ્ટતા થઇ ચૂકી છે. જીએસટીનું બિલ પણ બધા ખેડૂતોનું સાથે બનાવીને 20 તારીખ સુધીમાં ભરવા માટે વિભાગે છૂટ આપી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer