અમદાવાદમાં આજે કાપડના વેપારીઓની મહારૅલી

સુરત, જેતપુર અને રાજકોટના વેપારીઓ પણ જોડાશે

વિક્રમ સોની

અમદાવાદ, તા. 14 જુલાઈ

કાપડ ઉપર કેન્દ્ર સરકારે નાંખેલી પાંચ ટકા જીએસટીના વિરોધમાં આવતીકાલે અમદાવાદમાં કાપડના વેપારીઓની વિશાળ રૅલી નીકળશે. રાજ્યભરમાંથી કાપડના વેપારીઓ જોડાવાના હોવાનું મસ્કતી કાપડ માર્કેટ મહાજનના અધ્યક્ષ ગૌરાંગ ભગતે જણાવ્યું હતું. રૅલીની આગેવાની સુરતના જીએસટી વિરોધી સંઘર્ષ સમિતિના આગેવાન તારાચંદ લેશે.

          કાપડના વેપારીઓ જીએસટી સામેની રજૂઆત15 દિવસથી કોઇ  સાંભળતુ નથી એટલે આ રૅલીનું આયોજન કર્યુ છે. 

આ રૅલીમાં શહેરની 22 જેટલી કાપડ માર્કેટોના 70,000થી વધુ વેપારીઓ અને સુરત,જેતપુર સહિત સમગ્ર રાજ્યમાંથી વેપારીઓ હાજર રહેશે. કુલ એક લાખથી વધુ વેપારીઓ આ રૅલીમાં જોડાશે.

કાપડના વેપારીઓનું કહેવું છે કે યાર્ન પર અગાઉ ટૅક્સ હતો તેના ઉપર જીએસટી હોય તેનો વાંધો નથી પણ કાપડ ઉપર ટૅક્સ અગાઉ નહોતો એટલે જીએસટી કાઢી નાંખવો જોઇએ. 

આ રૅલીમાં હાથલારી વાળા તેમ જ પ્રોસેસ હાઉસ વાળાઓ પણ જોડાશે. કાપડના વેપારીઓની રૅલી ન્યૂક્લોથ માર્કેટ ઝાંપા નંબર 1 પાસેથી નીકળશે અને આશ્રમ રોડ પર આવેલી વાણિજ્યિક વેરા કચેરી ખાતે પહોંચીને પીડી.વાઘેલાને આવેદનપત્ર આપશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer