કાપડના વેપારીઓની એકતામાં તિરાડ : નાના વેપારીઓ દુકાન ખોલવા તત્પર
અમારા પ્રતિનિધિ તરફથી

સુરત, તા. 14 જુલાઈ

          જીએસટી હટાવો - વ્યાપાર બચાવો નારા સાથે શહેરના કાપડ માર્કેટ વેપારીઓ આજે ફરીથી ઉગ્ર બન્યા.  એકાએક રસ્તારોકો આંદોલન કર્યું હતું. જોકે, પોલીસે પરિસ્થિતિ સંભાળી લીધી હતી.

હકીકતમાં છેલ્લા 14 દિવસથી હડતાળ પર ઉતરેલા કાપડના વેપારીઓની એકતામાં તિરાડ પડી છે. યુવા વેપારીઓ હડતાલ સમેટવાના મૂડમાં નથી. નાના વેપારીઓ દુકાનો ખોલવા તત્પર હોવા છતાં તેઓ લાચાર  છે. આવતી કાલે સુરતમાં વધુ એક રૅલીનું આયોજન જીએસટી સંઘર્ષ સમિતિએ કર્યું છે. જીએસટી સંઘર્ષ સમિતિના તારાચંદ કાસટના નેજા હેઠળ રૅલી નીકળશે જેમાં વીસ હજાર વેપારીઓ જોડાશે તેવો દાવો કરાયો છે.

જીએસટી હટાવો પ્રશ્ને ધીમે-ધીમે વેપારીઓની એકતા તૂટી રહી છે. ઍસોસિયેશન અને સમિતિના કેટલાક સભ્યો જ જાહેરમાં પદાધિકારીઓ સામે વિરોધ નોંધાવી રહ્યા છે અને સોશિયલ મીડિયાનાં માધ્યમથી રોષ ઠાલવી રહ્યા છે. ફોસ્ટાના જૂના લેટરહેડનો ઉપયોગ કરીને વેપારીઓને સંબોધી હડતાલ 25મી જુલાઈ સુધી ચાલુ  રહેશે તેવું કહેવામાં આવ્યું છે. ફોસ્ટાના જૂના લેટરહેટનો ઉપયોગ કોણ કરી રહ્યું છે તે તપાસનો વિષય બન્યો છે. હડતાલને લઈને સોશિયલ મીડિયાના મારફત ખોટા સંદેશાઓ ફેલાવવામાં આવી રહ્યા છે તે બાબતે વેપારીઓએ પોલીસનું ધ્યાન દોર્યું છે. 

ફોસ્ટાના જૂના લેટરપેટના ગેરઉપયોગ થવા બાબતે ફોસ્ટાના પૂર્વપ્રમુખ સંજય જગનાનીએ કહ્યું હતું કે, ફોસ્ટાનું એક જૂનું લેટરપેટ છે જેના પર અંગ્રેજીમાં એક નોંધ વેપારીઓને સંબોધીને કરવામાં આવી છે જે સત્ય નથી. માર્કેટ ક્યારે ખોલવી એ નિર્ણય જે - તે માર્કેટ ઍસોસિયેશનના પદાધિકારીઓ અને વેપારીઓનો છે. જેના પર કોઈનો નિર્ણય લાગુ પડી શકે નહિ. 25મી સુધી હડતાલ ચાલુ રહેશે તે સંદેશો પણ જૂઠો છે. અમદાવાદની કાપડ બજારમાં પણ આવી જ સ્થિતિ છે. આગેવાનો પર રાજકીય દબાણ આવી રહ્યું છે. સરકાર આટલા દિવસના આંદોલન પછી પણ ટસની મસ નથી થઇ ત્યારે હવે જીએસટી હટે તેમ લાગતું નથી એવું ખુદ આગેવાનો કહેવા લાગ્યા છે એટલે કાપડના વેપારીઓમાં નારાજગી ફેલાઇ ગઇ છે.