આવનારા દસ દિવસ મહત્ત્વના

ચોમાસાની હવે પછીની પ્રગતિ ખરીફ પાકના સંયોગો નક્કી કરશે

નવી દિલ્હી, તા. 14 જુલાઈ

દેશભરમાં છેલ્લા એક સપ્તાહમાં વરસાદ ઓછો પડવા છતાં ખરીફ પાકનું એકંદર ચિત્ર ઊજળું છે. આગામી 10 દિવસમાં ચોમાસાની ગતિવિધિ મહત્ત્વની બની રહેશે, એમ કૃષિ મંત્રાલયના ટોચના અધિકારીએ જણાવ્યું હતું.

છેલ્લા એક સપ્તાહમાં વરસાદ સરેરાશથી 19 ટકા ઓછો હતો, પરંતુ આગામી બે સપ્તાહમાં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી હવામાન વિભાગની છે.

છેલ્લા બે દિવસમાં મધ્યપ્રદેશમાં ચોમાસાએ વેગ પકડતા ખેડૂતોમાં રાહત છે, છતાં કર્ણાટકના અમુક વિસ્તારોમાં વરસાદની ખાધ છે. એકંદરે ખરીફ પાકની પરિસ્થિતિ સારી છે, એમ કૃષિ સચિવ શોભના કે. પટનાઈકે જણાવ્યું હતું.

ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે નવ ટકા વધુ વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે.

પટનાઈકે જણાવ્યું હતું કે કપાસ, શેરડી અને કઠોળના વાવેતરમાં એકંદરે પરિસ્થિતિ સારી છે. જોકે, તુવેરમાં થોડો ઘટાડો છે. અડદ અને મગના પાકનું વધુ વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે.

ચોમાસાની મોસમ સપ્ટેમ્બર સુધીની છે અને દેશના વરસાદની ખાધ ધરાવતા કેટલાક વિસ્તારોને વરસાદ દ્વારા આવરી લેવાશે, એમ તેમણે જણાવ્યું હતું.

આગામી દિવસોમાં સારા વરસાદની આગાહીથી વાવણીમાં અને વરસાદની ખાધ ધરાવતા વિસ્તારોમાં વરસાદ દ્વારા સહાય થશે. વાવણી માટે આગામી 10 દિવસ મહત્ત્વના છે, એમ પટનાઈકે જણાવ્યું હતું.

કેન્દ્ર સરકાર રાજ્યો સાથે સતત સંપર્કમાં છે, એમ પટનાઈકે જણાવ્યું હતું. દક્ષિણ કર્ણાટકમાં વરસાદ સામાન્ય કરતાં 38 ટકા ઓછો છે, જ્યારે રાજ્યના કાંઠા વિસ્તારોમાં વરસાદની ખાધ 15 ટકા છે. રાજ્યના કૃષિ સચિવ એમ. મહેશ્વરે જણાવ્યું હતું કે 73 લાખ હેકટર જમીન પૈકી 28 લાખ હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.

ગયા વર્ષે આ સમયગાળામાં 25 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર સામે આ વખતે અત્યાર સુધીમાં ત્રણ લાખ હેકટર વધુ વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer