નિર્ણાયક ઘટનાઓનું વર્ષાસત્ર

ઐતિહાસિક ઘટનાઓનું સંસદનું વર્ષાસત્ર સોમવાર 17 જુલાઇથી શરૂ થાય છે. જીએસટીનો દબદબાભેર ઉજવણી સમારોહ 30મી જૂને સંસદના સેન્ટ્રલ હૉલમાં યોજાયો તે પછી આ સત્રમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થનાર છે. પ્રથમ દિવસે જ સંસદ અને દેશભરમાં તમામ વિધાનસભાઓના સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન કરશે. 20મી જુલાઇએ પરિણામ જાહેર થશે. આ પછી પાંચમી અૉગસ્ટે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદનાં બન્ને ગૃહોના સભ્યો મત આપશે. આ બંને પદ ઉપર ભાજપ-એનડીએના ઉમેદવારોનો વિજય નિશ્ચિત મનાય છે. છતાં વિપક્ષી મહાગઠબંધનમાંથી કેટલા મત સત્તાવાર ઉમેદવારોને મળે છે તે અંગે ઇંતેજારી છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પછી વિપક્ષનું મહાગઠબંધન મજબૂત બનશે કે બિહારના ગઠબંધનમાં દેખાઇ રહેલી તિરાડનું પુનરાવર્તન થશે તે સ્પષ્ટ થશે. બિહારના મુખ્ય પ્રધાન નીતિશકુમારે ભાજપના ઉમેદવાર રામનાથ કોવિન્દને સમર્થન જાહેર કર્યા પછી રાજકીય સમીકરણો બદલાયાં છે. અધૂરામાં પૂરું  લાલુ પરિવારના સભ્યો- `રાજકુમાર, રાજકુમારી પણ સીબીઆઇની તપાસ હેઠળ છે. તેજસ્વી લાલુ પ્રસાદ યાદવ તો નાયબ મુખ્ય પ્રધાન પદે બિરાજે છે અને ભ્રષ્ટાચારના આરોપ છતાં રાજીનામું આપવા તૈયાર નથી. નીતિશકુમાર હવે શું કરે છે તેના પર સૌની નજર છે.'

રાષ્ટ્રપતિની ચૂંટણી માટે નીતિશકુમારે અગાઉ ગોપાલકૃષ્ણ ગાંધીનું નામ સૂચવ્યું હતું, પણ કૉંગ્રેસને તે સ્વીકાર્ય નહોતું અને ભાજપે તેના સત્તાવાર ઉમેદવારનું નામ જાહેર કરી દીધું તેથી નીતિશે ટેકો પણ જાહેર કર્યો. આ પછી કૉંગ્રેસ અને મહાગઠબંધનવાળા નેતાઓ મોડા પડયા-મીરાકુમાર જગજીવનરામનું નામ જાહેર કર્યું છે. હવે એક વાત નિશ્ચિત છે કે સત્તાવાર ઉમેદવારને ભાજપ સિવાયના મત પણ મળશે. નીતિશકુમાર ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેટલા વધુ મત મળે છે તે જાણવાની પણ ઇંતેજારી છે. વિશેષ કરીને ગુજરાતમાં શંકરસિંહ વાઘેલાના નિર્ણય ઉપર ઘણો આધાર રહેશે અને આ ચૂંટણીમાં પક્ષપલટાની અને પક્ષના આદેશની ચિંતા હોતી નથી.

ઉપરાષ્ટ્રપતિના ઉમેદવારનું નામ નક્કી કરવામાં કૉંગ્રેસ અને અન્ય પક્ષોએ વિલંબ કર્યો નથી. અઢાર પક્ષોની બેઠકમાં-અગાઉથી વિચારણા થયા મુજબ કૉંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીએ તૃણમૂલ કૉંગ્રેસના પ્રતિનિધિને જ ઉમેદવારનું નામ પસંદ કરવા જણાવ્યું અને ગોપાલકૃષ્ણ ગાંધીનું નામ જાહેર થતાં જ માર્ક્સવાદી નેતા સીતારામ યેચુરીએ સમર્થન આપ્યું. નીતિશકુમારના સમર્થનની તો ખાતરી છે જ. રાજ્યસભા અને લોકસભાના કુલ 790 સભ્યોમાં ભાજપ-એનડીએના 500થી વધુ સભ્યો હોવાથી ગોપલકૃષ્ણ ગાંધીના વિજયની આશા નથી. છતાં વિપક્ષોની એકતા બતાવી શકાય અને સંસદમાં એકી અવાજે સરકારને પડકારી શકાય એવી ગણતરી છે.

સંસદના વર્ષાસત્રમાં જીએસટી અને નોટબંધીની અસર કિસાનોની આત્મહત્યા તથા અમરનાથના યાત્રીઓ ઉપરના આતંકવાદી હુમલાના મુદ્દા ઉઠાવાશે તો સરકાર તરફથી બંગાળમાં કોમવાદી રમખાણોનો મુદ્દો હશે. સંસદમાં ચર્ચા આવકાર્ય છે પણ ધાંધલધમાલ અને કામકાજ ઠપ સ્વીકાર્ય નથી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer